હિમાંશુ સોની : મહાભારતનાં પાત્રો સુપરહીરો સમાન છે
- 'હું ધાર્મિક ભૂમિકા કરું છું ત્યારે શરૂઆતમાં મને સતત ફફડાટ થતો હોય છે, પરંતુ લોકોના આસ્થા સાથે સંકળાયેલા દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કેમેરા સામે જઈએ ત્યારે સઘળું સમુંસુતરું પાર પડી જાય છે.'
એત્યાર સુધી પૌરાણિક સહિત સંખ્યાબંધ ધારાવાહિકોમાં કામ કરી ચૂકેલો અભિનેતા હિમાંશુ સોની હાલના તબક્કે 'વીર હનુમાન'માં પોતાના અભિનયના ઓજસ પાથરી રહ્યો છે. દૈનિક સીરિયલો તેમ જ પૌરાણિક કથાનક રજૂ કરતાં શો વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજતો હિમાંશુ કહે છે કે ડેલી સોપ કરતી વખતે તમે તમારા કિરદારને તમારી ઇચ્છાનુસાર રજૂ કરી શકો. પરંતુ પૌરાણિક ગ્રંથોમાંના પાત્રો સાથે તમે કોઈ પ્રકારની છૂટછાટ ન લઈ શકો. વાસ્તવમાં આ સઘળાં કિરદારો સાથે લોકોની આસ્થા જોડાયેલી હોય છે. તેથી તેમની શ્રધ્ધાને જરાસરખી પણ ઠેસ ન પહોંચે, તેઓ જે તે પાત્રને જેવી રીતે જોતાં હોય, તેમની કલ્પનામાં જે તે કિરદારનું જેવું ચિત્રણ હોય એવી રીતે સંબંધિત ભૂમિકા ભજવવી પડે. ટૂંકમાં તમે પૌરાણિક શોમાં જે પાત્ર ભજવતાં હો તેને પૂરેપૂરો ન્યાય આપવો રહ્યો.
તો શું હિમાંશુ આવા પાત્રો ભજવતી વખતે ટેન્શનમાં હોય છે? આના જવાબમાં અભિનેતા કહે છે કે ખરૃં કહું તો હા, હું જ્યારે આવી ભૂમિકા હાથ ધરું છું ત્યારે પ્રારંભિક તબક્કે મને સતત ફફડાટ રહ્યા કરે છે. પરંતુ લોકોના આસ્થા સાથે સંકળાયેલા દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કેમેરા સામે જઈએ ત્યાર સઘળું સમુંસુતરું પાર પડી જાય છે.
એ વાત સર્વવિદિત છે કે માત્ર આજના બાળકોને જ નહીં, તેમના માતાપિતાની પેઢીને પણ આપણા પૌરાણિક ગ્રંથો વિશે ખાસ જાણકારી નથી. અહીં જ 'કૂવામાં હોય તો હવાડામાં આવે' જેવો તાલ સર્જાય છે. હિમાંશુ કહે છે કે મૉડર્ન સોસાયટી પર નજર નાખો તો સ્પષ્ટ સમજાશે કે માત્ર બાળકોને જ નહીં, લેટ મિલેનિયલ્સને પણ તેમના વિશે ઝાઝી જાણકારી નથી. આધુનિક પેઢીના બાળકો માટે એવંજર્સ, સુપરમેન જ સુપરહીરો છે. પરંતુ હું દ્રઢપણે માનું છું કે આ બધા પાત્રો મહાભારતના વિવિધ કિરદારો પરથી પ્રેરિત છે. હૉલીવૂડની સુપરહીરોને રજૂ કરતી ફિલ્મોને ધ્યાનથી જોશો તો સમજાશે કે તેના સુપરહીરો જેવા કિરદાર આપણા ગ્રંથોમાં હજારો વર્ષ અગાઉ આલેખાઈ ચૂક્યાં છે. જેમ કે 'સુપરમેન' આપણા 'પવન પુત્ર'ને મળતો આવે છે. જ્યારે 'થૉર', 'ભીમ' જેવો ભાસે છે. મારા મતે 'મહાભારત' એવો ગ્રંથ છે જેના પર હૉલીવૂડમાં જંગી બજેટની ફિલ્મો બની રહી છે.
એ વાત સર્વવિદિત છે કે ટીવી સીરિયલોના પાત્રો તેમના વાસ્તવિક નામ કરતાં કિરદારોના નામે વધુ ઓળખાય છે. કેટલીક વખત એવું પણ બને છે કે લોકો તેમના પાત્રોને જ તેમનું મૂળ રૂપ માની લે છે. આવી સ્થિતિમાં સકારાત્મક ભૂમિકાઓ અદા કરતાં કલાકારોને લોકોને બેહિસાબ પ્રેમ મળે છે, જ્યારે નેગેટિવ રોલ કરતાં કલાકારોને લોકો નફરત કરવા લાગે છે. હિમાંશુ પણ આ વાત માને છે. તે કહે છે કે કલાકારોને તેમના રોલ અનુસાર લોકોનો પ્રેમ મળે છે. પરંતુ પૌરાણિક શો આસ્થા સાથે સંકળાયેલા હોય છે. અને શ્રધ્ધા જ્યારે માનવ સ્વરૂપે લોકો સમક્ષ આવે ત્યારે તેઓ બહુ ઝડપથી તેની સાથે સંકળાઈ જાય છે. અભિનેતા તેનું ઉદાહરણ આપતાં કહે છે કે જે રીતે આપણા મંદિરના પૂજારી સાથે પણ શ્રધ્ધાથી જોડાઈ જઈએ છીએ તેવી રીતે જ દર્શકો પૌરાણિક કથાનકો રજૂ કરતાં કિરદારો સાથે તાદાત્મ્ય સાધી લે છે.
જોકે અભિનેતા એમ કહેવાનું પણ નથી ચૂકતો કે આવા શો જોતી બે પેઢીઓની શ્રધ્ધા આ બાબતે નોખા નોખા પ્રકારની હોય છે. આધુનિક પેઢીના દર્શકો બહુ સ્માર્ટ છે. તેઓ સારી રીતે જાણતા હોય છે કે સંબંધિત કિરદારો ચોક્કસ કલાકારો રજૂ કરી રહ્યાં છે. પડદા પર તેઓ જે સ્વરૂપે દેખાય છે તે તેમનું અસલી સ્વરૂપ નથી, બલ્કે તેમનો જે તે પાત્રને લગતો અભિનય છે. આ જનરેશન માત્ર મનથી નહીં, મગજથી પણ વિચારે છે.