Get The App

હર ઘડી રૂપ બદલ રહી હૈ જિંદગી... .

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
હર ઘડી રૂપ બદલ રહી હૈ જિંદગી...                       . 1 - image

- સિને મેજિક- અજિત પોપટ

- 'કલ હો ન હો' ફિલ્મમાં 'માહી વે...' ગીતને સંગીતકારોએ બે શાીય રાગો એકત્ર કરીને સરસ જમાવ્યું છે. ગીત ઉપડે છે રાગ માંઝ ખમાજમાં. આ રાગ સિતાર સમ્રાટ પંડિત રવિશંકરે બનાવ્યો હોવાનું કહેવાય છે. ફિલ્મ 'અનુરાધા'માં રવિશંકરે આ રાગમાં એક સદાબહાર ગીત આપેલું - 'જાને કૈસે સપનોં મેં ખો ગઇ અંખિયાં...' 

સંબે દોસ્ત. બંને એક યુવતીને ચાહે છે. યુવતી જેને ચાહે છે એ યુવાન દોસ્તને ખાતર બલિદાન આપે છે. બલિદાન આપવાનું બહાનું શું, તો કહે, એને ખબર પડે છે કે પોતાને જીવલેણ બીમારી છે. આ થયો પ્રણય ત્રિકોણ. એક ખ્રિસ્તી મહિલા ફાસ્ટ ફૂડ સેન્ટર ચલાવે  છે. એણે એક છોકરીને દત્તક લીધી છે. એને ખબર નથી કે આ છોકરી એના પોતાના પતિના લગ્નબાહ્ય સંબંધથી જન્મેલી છે. આ મુદ્દે ખ્રિસ્તી મહિલા અને એની સાસુ વચ્ચે વઢવાડ છે. એક યુવાન છે  જે પોતાના પોઝિટિવ વિચારોથી પાડોશીના પરિવારમાં પ્રવર્તતી ગેરસમજ દૂર કરાવે છે.... છે ને મનમોહન દેસાઇની મસાલા ફિલ્મ જેવી વાતો! ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ 'કલ હો ન હો'ની આ વાત છે. શક્ય છે, કરણને બીજો મનમોહન દેસાઇ બનવાની અબળખા હોય. 

સ્ટારકાસ્ટ જબરદસ્ત છે. શાહરુખ ખાન, સૈફ અલી ખાન, પ્રીતિ ઝિન્ટા, સોનાલી બેન્દ્રે, લીલેટ દૂબે, દિલનાઝ પોલ, જયા બચ્ચન, સુષમા શેઠ વગેરે. તમને સ્ટારકાસ્ટ પરથી ખ્યાલ આવી ગયો હશે. પરાકાષ્ઠાનાં દ્રશ્યોમાં શાહરુખ ખાનનું પાત્ર ગંભીર હૃદયરોગથી મૃત્યુ પામે છે.  સંતવાણીમાં કહ્યું છે, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પરલય હોએગા, ફિર કરેગો કબ? ફિલ્મી ગીતોમાં આ વિચાર જુદી રીતે રજૂ થયો. ગીતકારે લખ્યું, 'આગે ભી જાને ના તૂ, પીછે ભી જાને ના તૂ, જો ભી હૈ, બસ યહી એક પલ હૈ...' એ વિચારને રજૂ કરતું આ ટાઇટલ છે. કલ હો ના હો!

કેટલાક સમીક્ષકોએ એવો અભિપ્રાય વ્યક્ત કરેલો કે ટાઇટલ કથાને વ્યક્ત કરતું નથી. હશે, આપણે ગીત સંગીતની વાત કરીએ. જાવેદ અખ્તરનાં ગીતોને શંકર એહસાન લોયે સ્વરબદ્ધ કર્યા છે. શબ્દો અને સ્વરલયની દ્રષ્ટિએ ટાઇટલ ગીત સૌથી સરસ બન્યું છે. ગીતકારે સાવ સરળ શબ્દોમાં ટાઇટલના ભાવને વ્યક્ત કર્યો છે. સંગીતકારોએ હૃદયસ્પર્શી બંદિશ આપી છે. મુખડું છે- 'હર ઘડી રૂપ બદલ રહી હૈ જિંદગી, છાંવ હૈ કભી, કભી ધૂપ હૈ જિંદગી, હર પલ યહાં જી ભર જીયો, જો હૈ સમા, કલ હો ન હો...' આ જ ગીત પાછળથી ગમગીન સ્વરોમાં રિપીટ થાય છે. આ ગીત સોનુ નિગમના કંઠમાં એકદમ સ્વાભાવિક લાગે છે. આ ગીતે સોનુને ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો.

હિન્દી અને અંગ્રેજી શબ્દોના ફ્યૂઝનથી એક ગીત જાવેદે આપ્યું છે. સંગીતકાર લોય, કેકે, શાન અને વસુંધરા દાસના કંઠમાં આ ફ્યૂઝન ગીત રજૂ થયું  છે. અહીં પણ સંગીતકારો ધારી સફળતા મેળવી શક્યા છે. શબ્દો છે- 'ઇટ ઇઝ ટાઇમ ટુ ડિસ્કો, કૌન મિલે દેખો, કૌન મિલે  દેખો, દિલ હૈ મેરા દિવાના, કહતા હૈ અબ ઘબરાના ક્યા, તાલ પે જબ ઝૂમે બદન, હિચકિચાના શરમાના ક્યા..?' 

એક સમૂહગીત મેગ્નેટિક છે. વારંવાર સાંભળીએ તો પણ સંતોષ ન થાય. સાધના સરગમ, સોનુ નીગમ, શંકર મહાદેવન, ઉદિત નારાયણ અને સુજાતા ભટ્ટાચાર્યના કંઠે રજૂ થયેલું આ ગીત પણ અંગ્રેજી શબ્દોથી શરૂ થાય છે. 'માહી વે માહી વે, ધેટ્સ ધ વે માહી વે... તેરે માથે પે ઝૂમર દમકે, તેરે કાનોં મેં બાલી ચમકે હૈ રે માહી વે...' આ સરસ ગીતને સંગીતકારોએ બે શાીય રાગો એકત્ર કરીને જમાવ્યું છે. ઉપડે છે રાગ માંઝ ખમાજમાં. આ રાગ સિતાર સમ્રાટ પંડિત રવિશંકરે બનાવ્યો હોવાનું કહેવાય છે. (ફિલ્મ 'અનુરાધા'માં રવિશંકરે આ રાગમાં એક સદાબહાર ગીત આપેલું એ તમને યાદ હશે- 'જાને કૈસે સપનોં મેં ખો ગઇ અંખિયાં મૈં તો રી જાગું મોરી સો ગઇ અંખિયાં...') અંતરામાં રાગ બિલાવલનો આધાર લીધો છે. મુખડામાં ફરી રાગ માંઝ ખમાજ આવી જાય છે. ખૂબ સુંદર તર્જ બની છે. કાજોલ અને સોનાલી બેન્દ્રે આ ગીતમાં મહેમાન તરીકે ચમક્યાં છે.  

એક મસ્ત રોમાન્ટીક ગીત અલકા યાજ્ઞિાક અને શાનના કંઠમાં છે- 'કુછ તો હુઆ હૈ, કુછ હો ગયા હૈ, દો ચાર દિન સે લગતા હૈ જૈસે, સબ કુછ અલગ હૈ, સબ કુછ નયા હૈ...' પ્રેમમાં પડયા પછી થતી અનુભૂતિને અહીં રાગ પહાડીમાં સ્વરબદ્ધ કરાઇ છે. આઠ માત્રાના કહરવા તાલમાં સાંભળનાર પણ ઝૂમી ઊઠે એ રીતે તર્જમાં શબ્દોને લાડ લડાવ્યા છે.

પરદા પર માણવાનું વધુ ગમે એવું એક ગીત શંકર મહાદેવન અને વી રેગ્સ ખોટે તરીકે વર્ણવાયેલા ગાયકના કંઠમાં છે. 'મૈંને ઉસે અભી અભી દેખા હૈ, કૌન હૈ વો અનજાની... વો હૈ કોઇ કલી, કોઇ કિરન, યા કોઇ કહાની... ઉસે જિતના દેખું, ઉતના સોચું, ક્યા ઉસે મૈં કહ દૂં... પ્રીટી વુમન... દેખો દેખો ના... પ્રીટી વુમન...' ટાઇટલ ગીતની જેમ આ ગીત ખાસ્સું લોકપ્રિય થયેલું.

આશરે ત્રીસથી બત્રીસ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૮૬ કરોડથી વધુ કમાણી કરી હતી. શંકર-એહસાન-લોયને આ ફિલ્મના સંગીત માટે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ મળેલો. સોનુ નિગમને બેસ્ટ મેલ સિંગરનો ફિલ્મ ફેર એવોર્ડ મળેલો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ જાહેર થયેલી.