Get The App

હેપીલી સિંગલ: સદાબહાર તબુએ 54મો જન્મદિન ઉજવ્યો

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
હેપીલી સિંગલ: સદાબહાર તબુએ 54મો જન્મદિન ઉજવ્યો 1 - image

- તબુએ હળવાશ અને વિનોદવૃત્તિ જાળવી રાખ્યાં છે. એ મજાક કરતાં કહે છે, 'મારાં લગ્ન ન થવાનું કારણ અજય દેવગણ છે. તેણે મારા માટે છોકરો શોધ્યો જ નહીં!'    

ફિલ્મી દુનિયામાં કામ કરનારી દરેક વ્યક્તિની એક કહાની હોય છે. આ વ્યક્તિ જો સફળ બને તો તેની કહાનીમાં બધાંને રસપડે છે પણ વ્યક્તિ નિષ્ફળ જાય તો કોઇ તેની વાત સાંભળવા પણ તૈયાર હોતું નથી. સફળતા નિષ્ફળતા તો ચાલ્યા કરે પણ ફિલ્મ દુનિયા આજે પણ એટલી બધી અનિશ્ચિત છે કે તેમાં સંઘર્ષ કરી માર્ગ કાઢનારા દરેક જણની કહાની પ્રેરણાદાયક બની રહે છે. પોતાની પ્રતિભાને જોરે ફિલ્મી દુનિયામાં સફળતા મેળવનારી થોડી અભિનેત્રીઓમાં તબુનું નામ મોખરે છે. ૨૦૧૧માં તબુને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવી છે. તબુએ ચોથી નવેમ્બરે તેનો ૫૪મો જન્મદિન ઉજવ્યો. 

તબુનો જન્મ હૈદરાબાદના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. ચોથી નવેમ્બર ૧૯૭૧માં  પિતા જમાલ હાશ્મી અને માતા રિઝવાનાના પરિવારમાં બીજી પુત્રી તરીકે  તબસ્સુમ ફાતિમા હાશ્મીનું આગમન થયું હતું. તબુનું આ અસલી નામ છે. તબુની મોટી બહેન ફરાહ નાઝ પણ એક એક્ટ્રેસ છે. પિતા જમાલ હાશ્મી અને માતા  રિઝવાનાના તલ્લાક થઇ ગયા હતા. જેના કારણે તબુનો ઉછેર તેના નાના-નાનીએ કર્યો છે. તબુ વિખ્યાત અભિનેત્રી શબાના આઝમીની ભત્રીજી છે. પિતાએ ઘર છોડી દીધાં બાદ પરિવાર પર આફતોનો પહાડ તુટી પડયો હતો. પરંતુ તબુએ તમામ વિપરીત સંજોગો વચ્ચે પણ મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી ભણતર પુરૂ કર્યું. એ પછી તેણે ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો. 

તબુએ આમ તો ૧૯૮૨માં આવેલી ફિલ્મ બાઝારમાં એક બાળકલાકાર તરીકે કામ કરી ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ૧૯૮૫માં દેવ આનંદે તેને હમ નૌજવાનમાં ચમકાવી હતી. તબુએ પહેલી ફિલ્મ સંજય કપૂર સાથે પ્રેમ સાઇન કરી હતી પણ આ ફિલ્મ બનવામાં લાંબો સમય લાગ્યો હતો. એ પહેલાં તેની પહલા પહલા પ્યાર રિલિઝ થઇ ચૂકી હતી. ૧૯૯૪ માં અજય દેવગણ સાથે તબુએ વિજયપથ ફિલ્મ કરી ત્યારે તે એક એકટ્રેસ તરીકે સ્વીકારાઇ. આમ, તબુએ ૧૯૮૫થી ૧૯૯૪ આકરો સંઘર્ષ કર્યો હતો. એ પછી પંજાબ સમસ્યા પર બનેલી માચિસ ફિલ્મમાં તબુનો અભિનય વખણાયો અને આ રોલ માટે તેને નેશનલએવોર્ડ પણ મળ્યો. આમ, માચીસ ફિલ્મ બાદ તબુ એક અભિનેત્રી તરીકે સ્થાપિત થઇ. 

એ પછી વિરાસત, ચાંદની બાર, મકબૂલ, ચીની કમ, હેરાફેરી, દશ્યમ સિરિઝની ફિલ્મો  અને ગોલમાલ સિરિઝની ફિલ્મોમાં કામ કરી તબુએ એક મહત્વની અભિનેત્રી તરીકે પોતાનું સ્થાન હિન્દી ફિલ્મોમાં સુનિશ્ચિત કરી લીધું. પરંતુ આ સફળ અભિનેત્રીએ આજીવન અપરિણિત રહેવાનું નક્કી કરી પોતાની આસપાસ એક રહસ્યનું જાળું રચેલું છે. પણ તેને જ્યારે પૂછવામાં આવ્યું કે તું અપરિણિત કેમ રહી છે ત્યારે તબુએ તેની લાક્ષણિક હાસ્યવૃત્તિનો પરિચય આપતાં જણાવ્યું હતું કે તેને માટે અજય દેવગણ જવાબદાર છે. જાણકારો જાણે છે તેમ તબુ જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે અજય દેવગણ અને તેનો પિતરાઇ સમીર આર્ય પણ તેના દોસ્તો હતા. હવે આ બંને અજય અને સમીરે એવી ગોઠવણી કરી રાખેલી કે કોઇ તબુ સાથે વાત કરતો દેખાય કે બંને જણાં તેની પિટાઇ કરી નાંખતા. આમ, તબુના બોયફ્રેન્ડ બનવુંં એટલે અજયના હાથનો માર ખાવો એવું સમીકરણ બની ગયેલું. પછી તો તબુએ પણ અજયને પણ તેના માટે સારો છોકરો શોધવા જણાવેલું પણ કોઇ મળ્યો જ નહીં, ક્યાંથી મળે? તબુ આજે પણ મજાકમાં અજયને પરખાવી દે છે કે હું અપરિણિત રહી ગઇ તેના માટે આ અજય જવાબદાર છે. જો કે, તબુ હવે ગંભીર થઇ કહે છે, મને હવે સિંગલ રહેવાનું ગમે છે. હું મારી લાઇફમાં બીજાના પ્રોબ્લેમ્સ લાવવા માંગતી નથી.

પણ તબુ સફળ થઇ તે પછી તેના અફેર્સ પણ ઘણાં થયા. તેમાં પણ સાઉથના સ્ટાર નાગાર્જુન સાથે તો દસ વર્ષ સુધી સબંધ રહ્યો પણ નાગાર્જુન પરિણિત હોઇ આખરે તબુ અને નાગાર્જુનનું બ્રેક અપ થઇ ગયું. એક વાત એ પણ છે કે સફળ અભિનેત્રી થઇ ગયા બાદ પરણીને બીજાની સમસ્યાઓ સાથે ઝઝુમવાનું આધુનિક નારીઓ પસંદ કરતી નથી. આજે દોમ દોમ સાહ્યબી ભોગવતી તબુ મુંબઇમાં વૈભવી ફ્લેટની માલિકણ છે. તેની પાસે ઓડી, મર્સિડિઝ અને મસ્તાંગ જેવી લક્ઝરી કારોનો કાફલો પણ છે. હૈદરૈાબાદમાં પણ તેનો એક બંગલો છે. હાલ તબુ ૫૪ વર્ષે પણ એક એકટ્રેસ તરીકે બિઝી છે. બીજી એપ્રિલ ૨૦૨૬માં અક્ષય કુમાર સાથે તેની ફિલ્મ ભૂત બંગલા રિલિઝ થવાની છે. આ ઉપરાંત દૃશ્યમ થ્રીમાં પણ તેની મહત્વની ભૂમિકા છે. એ  આ ફિલ્મમાં તબુની સાથે અજય દેવગણ પણ છે!