ઘણા વર્ષો પહેલા કોરિન્થ નામના દેશમાં એક રાજા રહેતો. નામ : સિસીફસ. તે એટલી હદે ચાલાક કે, દેવતાઓને પણ ઉલ્લુ બનાવતો. એક સમય એવો આવ્યો કે, તેણે યમરાજને પણ પોતાની જાળમાં ફસાવી દીધા. પરિણામ એવું આવ્યું કે, થોડા સમય સુધી પૃથ્વી પર કોઈ મૃત્યુ જ ન થયું. કહેવાય છે ને કે, ચાલાકી લાંબો સમય ન ટકે. દેવોએ નક્કી કર્યું કે, સિસીફસને મૃત્યુ નહીં પરંતુ, અનંત સંઘર્ષની સજા આપવી. તેને એક વિશાળ પથ્થરને પહાડ પર ચઢાવવાનું કામ સોંપવામાં આવ્યું. ત્યારબાદ, તે દરરોજ મહામહેનતે પથ્થરને શિખર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતો. પરંતુ, જેવો તે ટોચની નજીક પહોંચતો કે તરત જ પથ્થર સરકી પડતો. સિસીફસ ફરી નીચે જતો અને ફરી મહેનત કરતો. દેવોને લાગ્યું કે, આ સૌથી ક્રૂર સજા છે કે, મહેનત કરવી પણ ફળ ક્યારેય ન મળવું. જાણકારોના મતે, સિસીફસે દેવોની આકરી સજામાં પણ પોતાની જીત શોધી લીધી. જેવો પથ્થર નીચે ગબડી પડતો. તે આકાશ તરફ જોતો. સામાન્ય માણસ ગુસ્સે થાય, કંઈક બબડે પરંતુ, આ તો સિસીફસ. સ્માઈલ કરીને પાછો પોતાના કામે લાગી જતો. સિસીફસના મતે, પરિણામ તેના હાથમાં નહોતું. પરંતુ, મનોબળ તો તેના જ હાથમાં હતું. સિસીફસના નિરર્થક લાગતા પ્રયત્નોમાં જીવનનો સૌથી મોટો સાર છુપાયેલો છે. પ્રયત્નનું પરિણામ ભલે શૂન્ય હોય પરંતુ, લડવાનું.
આ વાતના બે હજાર વર્ષ પછી બોમ્બેના એક સ્ટુડિયોમાં એક ફિલ્મમેકરે અજાણતાં જ સિસીફસની સ્ટોરીને જીવી હતી. આ વ્યક્તિનું નામ ગુરુ દત્ત. તેમને માટે ફિલ્મ મેકિંગ પહાડ જેવી જ કસોટી હતું. જેમ, સિસીફસ પથ્થરને ધકેલતો તેમ ગુરુ દત્ત કલા અને જીવનને અર્થ આપવા માટે ઝઝૂમતા. દર વખતે પોતાની અથાગ મહેનત સાથે શિખરની ટોચે પહોંચ્યા અને પાછું બધુ ધડામ દઈને નીચે. તેમની ૧૯૫૯માં રિલીઝ થયેલી ફિલ્મ 'કાગઝ કે ફૂલ' ને જ લઈ લો. આ ફિલ્મ માટે ગુરુ દત્ત નવી (સિનેમાસ્કોપ)ટેકનોલોજી લાવ્યા. અપાર ખર્ચો કર્યો. ફિલ્મના દરેક સીન, ફ્રેમ, ગીત, ડાયલોગ, મૌન સાથે સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, પરિણામમાં મળી ભારતની તે સમયની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ.
કવિતા જેવી ફિલ્મ :
'કાગઝ કે ફૂલ' માત્ર ફિલ્મ નહોતી. તે એક સમયના જાણીતા ફિલ્મ ડિરેક્ટર (કાલ્પનિક પણ ગુરુ દત્તને મેળ ખાતા)સુરેશ સિંહાની ચઢતી-પડતી, ગૌરવ-અપમાન અને પ્રેમ-વિયોગની અનોખી કવિતા હતી. ૧૯૫૯માં રિલીઝ થયેલી આ ફિલ્મને તે સમયના દર્શકોએ નકારી કાઢી હતી. ફિલ્મને ઘણા થિયેટરોએ એક અઠવાડિયું પણ નહોતી ચલાવી. પરંતુ, પછીની પેઢીઓ માટે તે એક માસ્ટરપીસ હતી. આજે ફિલ્મ સ્કૂલોમાં 'કાગઝ કે ફૂલ' ભણાવવામાં આવે છે.
સુરેશ સિંહા એટલે એવો ડિરેક્ટર કે જે સફળતાની ટોચે પહોંચ્યો હતો. આ ફિલ્મની શરૂઆત તેના વૃદ્ધ અવતાર સાથે થાય છે. એક સમયે બેસ્ટ ડિરેક્ટર કહેવાતો સુરેશ પોતાનો પડછાયો પણ નથી રહ્યો. તે ખાલી સ્ટુડિયોમાં પહોંચે છે. જ્યાં, તે એક સમયે રાજા કહેવાતો. બીના (વિણા) નામની ધનાઢય કુટુંબની પુત્રી સાથે તેણે લગ્ન કર્યા. પરંતુ, તે સુરેશ સિંહાના ફિલ્મ મેકિંગના પ્રેમને તુચ્છ સમજીને તેને તરછોડીને ચાલી જાય છે. પત્નીના ગયા બાદ સુરેશ એવા ચક્કરોમાં ફસાઈ જાય છે જેમાંથી નીકળવું મુશ્કેલ બને છે. તેની વ્યથા ફિલ્મની શરૂઆતના ગીતમાં સાંભળવા મળે છે. 'દેખી ઝમાને કી યારી, બિછડે સભી બારી બારી, ક્યા લેકે મિલે અબ દુનિયા સે, આંસૂ કે સિવા કુછ પાસ નહીં......રાત ભર મેહમાન હૈ બહારે યહાં, રાત અગર ઢલ ગઈ ફિર યે ખુશિયાં કહાં, પલ ભર કી ખુશિયાં હૈ સારી.....એક હાથ સે દેતી હૈ દુનિયા, સૌ હાથોં સે લે લેતી હૈ, યે ખેલ હૈ કબ સે જારી, બિછડે સબ બારી બારી...'
સુરેશ સિંહાને પોતાના તૂટેલા લગ્નનું સમાધાન ખોટી આશામાં દેખાય છે. એક દિવસ ભારે વરસાદ વચ્ચે તેની મુલાકાત શાંતિ (વહીદા રહેમાન) નામની યુવતી સાથે થાય છે. સુરેશ વિચારે છે કે, તુ(બીના) નહીં તો કોઈ ઔર સહીં અને શાંતિને સ્ટાર બનાવવા મથી પડે છે. શાંતિને તે સારી ફિલ્મો આપીને છેવટે સ્ટાર બનાવીને માને છે. બીજી તરફ, તેની પોતાની કારકિર્દીનો ગ્રાફ નીચે જવા લાગે છે. એક પછી એક ફ્લોપ ફિલ્મો અને તેમાં પણ દારૂની લત તેને પાયમાલ બનાવી દે છે. આ વચ્ચે શાંતિ પણ તેમના સંબંધોની અફવાથી કંટાળીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ચાલી જાય છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં સુરેશ ખાલીખમ સ્ટુડિયોમાં પાછો ફરે છે. જે ડિરેક્ટરની ખુરશી પરથી તે ફિલ્મોના પાત્રોમાં પ્રાણ ફૂંકતો તે ખુરશી પર જ તેના પ્રાણ-પંખેરુ ઉડી જાય છે. પહેલાનો સમય જ્યારે તેની આસપાસ સ્ટાફનું કીડીયાળું ઉભરાતું અને અત્યારનો સમય જ્યારે તેની પાસે યાદો રૂપી કાગળના ફૂલો સિવાય કશું જ નહોતું. ફિલ્મ સાથે ગુરુ દત્ત કહેવા માંગે છે કે, આ સફળતા, આ આસપાસ મંડરાતા લોકો, આ જાહોજલાલી, આ દરેક પાર્ટીમાં તમારા નામની જ બૂમ, સંબંધો કે જેને કોઈ નામ ન આપી શકાય આ બધું જ કાગળના ફૂલ જેવું જ છે. ક્ષણિક. આજે છે અને કાલ નહીં હોય.
દરેક સીન સાથે સંદેશ
જેમ, 'પ્યાસા'ની દરેક ફ્રેમ બોલે છે તેવો જ પ્રયાસ 'કાગઝ કે ફૂલ'માં કરવામાં આવ્યો છે. આ ફિલ્મના અનેક સીન જોઈને લાગે કે તમે કોઈ ફિલ્મ નહીં ઓપેરા જોઈ રહ્યાં છો. તેનો શ્રેય ફિલ્મના સિનેમેટોગ્રાફરને જાય છે. વી. કે. મૂર્તિએ દરેક ફ્રેમ સાથે કમાલ કર્યો છે. અંધારામાંથી વહીદા રહેમાનના ચહેરાને પ્રકાશિત કરતો શોટ નિરાશા વચ્ચે આશાનું પ્રતીક છે. ફિલ્મના એક સીનમાં સુરેશ સમુદ્રના કિનારે ચાલી રહ્યો હોય છે ત્યારે, અચાનક એક લહેર આવે છે અને તેના પગલાને મિટાવી દે છે. આ સીન જણાવે છે કે, માણસની હયાતી અસ્થાયી છે. 'ઈન્સાન હર ચીઝ સે દૂર ભાગ સકતા હૈ, લેકિન અપની કિસ્મત સે નહીં..' અને 'ઉલ્ટે સીધે દાંવ લગાયે, હસ હસ ફેંકા પાસા, અરે ભાગ્ય કી ચાલ ભી દેખ દિવાને, કૈસા તુઝકો ફાંસા..' જેવા ડાયલોગ્સ સાથે કિસ્મતની ચાલને વર્ણવવામાં આવી છે. જ્યારે, વહીદા રહેમાન ગરીબાઈમાં જીવી રહેલા ગુરુ દત્તના ઘરે જાય છે તે સીનમાં પ્રેમ અને પીડા બંને જોવા મળે છે. તે વહીદાને ડોલ ઊંધી કરીને બેસવા આપે છે અને કહે છે, 'યે દેખો મેરા સોફા, એકદમ નયે ડિઝાઈન કા, શહેર કે ઔર કિસી રઈસ કે પાસ નહીં હોગા.' મ્યુઝિક ડિરેક્ટર એસ. ડી. બર્મન અને કવિ કૈફી આઝમી તથા શૈલેન્દ્રની જોડીએ ફિલ્મના મ્યુઝિકને ઈમોશન્સની ચાસણીમાં બોળ્યું છે. કૈફી આઝમીએ લખેલું, 'વક્ત ને કિયા ક્યા હસીન સિતમ, તુમ રહે ના તુમ, હમ રહે ના હમ....બેકરાર દિલ ઈસ તરફ મિલે, જીસ તરહ કભી હમ જુદા ના થે...તુમ ભી ખો ગયે હમ ભી ખો ગયે, એક રાહ પર ચલકે દો કદમ...' સૈયારાની જનરેશનને સમજાવવું મુશ્કેલ છે.
અધધ ખર્ચ :
આજના સમયમાં હિંદી ફિલ્મના બજેટ રુ. ૧૦૦ કરોડની આસપાસ હોવા સામાન્ય વાત છે. પરંતુ, ૧૯૫૦ના દાયકામાં બનેલી આ ફિલ્મ પાછળ રુ. ૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આજના હિસાબથી જોઈએ તો રુ. ૧૪૦૦ કરોડથી વધુ રકમ. 'કાગઝ કે ફૂલ' પાછળ ગુરુ દત્તે લખલૂંટ ખર્ચ કર્યો હતો પરંતુ, ફિલ્મ માંડ ૧૫ ટકા રકમ જ પાછી મેળવી શકી હતી. આ ફિલ્મ બાદ આઘાતમાં સરી પડેલા ગુરુ દત્તે ફરી ક્યારેય ફિલ્મ ડિરેક્ટ નહોતી કરી.
કાગઝ કે ફૂલની રસપ્રદ વાતો
ફિલ્મ કે આત્મકથા :
આ ફિલ્મને ગુરુ દત્તની આત્મકથા માનવામાં આવે છે. સુરેશને જેમ તેનીે અપરંપરાગત ફિલ્મો માટે ટીકાનો સામનો કરવો પડયો હતો. તેમ ગુરુ દત્તે પણ ટીકાનો સામનો કર્યો હતો. ગીતા દત્ત સાથેના તણાવપૂર્ણ સંબંધો અને વહીદા રહેમાન સાથેનું પ્રેમ પ્રકરણ ચર્ચાસ્પદ રહ્યું હતું.
સિનેમાસ્કોપ સાથે નવીનતા :
ભારતીય ફિલ્મમાં પહેલી વાર સિનેમાસ્કોપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે એક વાઈડસ્ક્રીન ફોર્મેટ છે. તેના માટે સ્પેશિયલ લેન્સની જરૂર પડી હતી. આ ફિલ્મના સિનેમેટોગ્રાફર વી. કે. મૂતને ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગીતા દત્તના સાચા ઈમોશન્સ :
ગુરુ દત્ત અને ગીતા દત્તનું લગ્નજીવન ભાંગવાને આરે હતું. આ સમયગાળા દરમિયાન ગીતા દત્તે 'વકત ને કિયા ક્યા હસીન સીતમ..'ગાયું હતું. કહી શકાય કે, એટલે સોંગને ઈમોશનલ ટચ મળ્યો છે.
જાપાનમાં લોકપ્રિયતા :
૧૯૮૦ના દાયકામાં 'કાગઝ કે ફૂલ'ને ટોક્યો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન કરાઈ હતી. આ દરમિયાન જાપાનના સિનેમા લવર્સને ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. ફિલ્મને જાપાનમાં કલ્ટ ક્લાસિકનું બિરુદ મળ્યું હતું.
અબરાર અલ્વીનો રોલ : અબરાર અલ્વી ગુરુ દત્તના સાથી અને આ ફિલ્મના લેખક હતા. તેમણે આ ફિલ્મના એક સીનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કેમિયો કર્યો હતો. અબરાર ગુરુ દત્તની અન્ય ફિલ્મ 'સાહિબ, બીબી ઔર ગુલામ'ના ડિરેક્ટર હતા.
ઈન્ટરનેશનલ માન્યતા : ૨૦૦૨માં 'કાગઝ કે ફૂલ'ને બ્રિટિશ ફિલ્મ ઈન્સ્ટિટયુટ દ્વારા સાઈટ એન્ડ સાઉન્ડ પોલમાં ટોપ ૧૦૦ ફિલ્મોમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
રાજ કપૂર પણ ફિલ્મના ફેન : રાજ કપૂરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'કાગઝ કે ફૂલ' બેસ્ટ ફિલ્મ છે. પરંતુ, તે સમય કરતા વહેલી બની છે.
સિસીફસ અને ગુરુ દત્ત :
સિસીફસની જેમ જાણે ગુરુ દત્તને પણ એક સજા મળી હતી. તેઓ 'પ્યાસા', 'કાગઝ કે ફૂલ', 'સાહિબ, બીબી ઔર ગુલામ' જેવી ફિલ્મો સાથે પોતાની ક્રિએટિવીટીને એક ટોચ સુધી લઈ જતા હતા. પરંતુ, બોક્સ ઓફિસ પર ફિલ્મ પીટાઈ જતી અને તેઓ ફરી પાછા શૂન્યથી શરૂઆત કરતા. એક વાત પાક્કી કે, દુનિયા સિસીફસ અને ગુરુ દત્ત જેવા મહાન વ્યક્તિઓના કારણે જ ચાલે છે. જે હંમેશા પોતાની કર્તવ્યનિષ્ઠા સાથે બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે છે.


