ગીતકાર અને કવિ ગુલઝાર ૯૧ વરસની જૈફ વયે બહુ જ પસંદગીના પ્રોજેક્ટસ સ્વીકારે છે. હમણાં એમણે 'મસાબ ટેન્ક' નામની એક ચિલ્ડ્રન્સ ફિલ્મ માટે ગીતો લખવાનું કામ હાથમાં લીધું છે. પોતાના બાન્દ્રાના બંગલામાં પસંદગીના મીડિયા સાથે અનૌપચારિક વાર્તાલાપ કરતા ગુલઝારસાહેબ બાળકો માટે કશુંક લખવાનું આવે ત્યારે પોતે શા માટે એને ગંભીરતાથી લે છે એનું કારણ આપતા કહે છે, 'મારા માટે એ કોઈ ઇચ્છા કે મહત્ત્વાકાંક્ષા નથી, પણ એક ફરજ છે. કમનસીબે લેખકો આ કામને બહુ હળવાશથી લેતા હોય છે.'
'મસાબ ટેન્ક' માટે તમે શા માટે ગીતો લખવા પ્રેરાયા એવી પૃચ્છાના જવાબમાં હિન્દી ફિલ્મોના સૌથી સંવેદનશીલ ગીતકારો પૈકીના એક એવા ગુલઝાર કહે છે, 'હૈદરાબાદમાં મસાબ ટેન્ક નામનો એક એરિયા છે, જ્યાં બાળકોનાં રમવાનાં મેદાનોને છીનવી એના પર બિલ્ડિંગો ઊભા કરી દેવાયાં છે. એટલે આ ફિલ્મ મારા દિલને સ્પર્શી ગઈ.'
હિન્દી સિનેમાના સૌથી યાદગાર બાળગીતો ગુલઝારની કલમે લખાયાં છે. પછી એ 'માસૂમ' ફિલ્મ (૧૯૮૩)નું 'લકડી કી કાઠી' હોય કે ૧૯૯૦ના દશકની ટીવી સિરીયલ 'જંગલ બુક'નું ટાઈટલ સોંગ 'જંગલ જંગલ પતા ચલા હૈ, ચડ્ડી પહેન કે ફુલ ખિલા હૈ' હોય.
દાયકાઓ લાંબી એમની સર્જનયાત્રા હજુ પુરી નથી થઈ. ગુલઝાર કહે છે, 'હું ફરી એક બાળક બનવા જેવડો મોટો ન થઈ જાઉં ત્યાં સુધી બાળકો માટે મારું ગીતો લખવાનું ચાલુ રહેશે..!'
ગુલઝારના જણાવવા મુજબ એમના આખા ફેમિલીમાં સૌ કોઈને બાળકો માટે નિસબત છે. એમના બિઝનેસમેન જમાઈ ગોવિન્દ સંધુએ યુદ્ધગ્રસ્ત ગાઝા અને યુક્રેનનાં બાળકોની દયનીય સ્થિતિથી પ્રેરાઈને એક પુસ્તક લખ્યું છે, જ્યારે ફિલ્મમેકર પુત્રી મેઘના ગુલઝારે દિવ્યાંગ બાળકોને કેન્દ્રમાં રાખને એક બુક લખી છે. કવિ પોતે પણ લાંબા અરસાથી 'આરુષિ' નામની એક દિવ્યાંગ બાળકોની ઇન્સ્ટિટયુટ સાથે જોડાયેલા છે. ૧૯૭૨માં 'કોશિશ' (સંજીવકુમાર-જયા ભાદુડી) નામની ફિલ્મ બનાવતી વખતે તેઓ આ સંસ્થાના સંપર્કમાં આવ્યા હતા. છેલ્લા બે દાયકાથી સંસ્થાનાં બાળકો મેરેથોનમાં ભાગ લેવા દર વરસે મુંબઈ આવે છે ત્યારે ગુલઝાર એમની સાથોસાથ ચાલે છે.
'મસાબ ટેન્ક'નાં બાળગીતો માણવાની વડીલોને પણ મજા આવશે એ તો નક્કી.


