Get The App

ગુલ્કી જોશી : પરિપકવ જોડીમાં હું વધુ સારી દેખાઉં છું

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
ગુલ્કી જોશી : પરિપકવ જોડીમાં હું વધુ સારી દેખાઉં છું 1 - image

- 'હું ટેલિવિઝન પર રહેવાનું અને મારા દર્શકો સાથે રોજિંદા ધોરણે જોડાયેલા રહેવાનું મિસ કરી રહી હતી. હું ટીવીથી દૂર હતી કારણ કે મને એવી ભૂમિકાઓ ઓફર કરવામાં નહોતી આવતી જે મને ખરેખર ઉત્સાહિત કરી શકે.'

'મેડમ સર'માં હસીના મલિકનું પાત્ર ભજવ્યા પછી ગુલ્કી જોશીએ ટેલિવિઝન પરથી વિરામ લીધો અને હવે લગભગ ત્રણ વર્ષ પછી તે 'હુઈ ગમ યાદે : એક ડોક્ટર, દો ઝિંદગિયાં'માં મુખ્ય ભૂમિકા અદા કરીને નાના પડદા પર પાછી ફરી છે. આ શો ઈટાલિયન સીરિઝ 'ડીઓસી'નું ભારતીય રૂપાંતરણ છે.

આટલાં વર્ષો ટીવીથી દૂર રહી એ અંગે જણાવતાં ગુલ્કી જોશી કહે છે, હું ટેલિવિઝન પર રહેવાનું અને મારા દર્શકો સાથે રોજિંદા ધોરણે જોડાયેલા રહેવાનું ચૂકી ગઈ. હું દૂર હતી, કારણ કે મને એવી ભૂમિકાઓ ઓફર કરવામાં નહોતી આવતી જે મને ખરેખર સર્જનાત્મક રીતે ઉત્સાહિત કરે. મેં આ સમયનો ઉપયોગ મહત્ત્વાકાંક્ષાથી આગળ મારી ઓળખ અને અસ્તિત્વને સ્વીકારવા માટે કર્યો. જોકે થિયેટર પ્રત્યેના મારા પ્રેમે મને આ સમયગાળા દરમિયાન મોટાભાગે વ્યસ્ત રાખી. આ સાથે જ અભિનેત્રી ઉમેરે છે કે શોના ફોર્મેટે તેના નિર્ણયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મને પહેલી બાબત તો એ આકર્ષિત કરી ગઈ તે એ હતી કે તે નિયમિત કૌટુંબિક નાટક-ડ્રામા નથી.

એકતા કૌલની માતાની સ્વાસ્થ્યને લગતી કટોકટી ઉદ્ભવતા તેણે તેમની સાથે રહેવા માટે આ શો છોડયો. આથી ગુલ્કીને આ શો સાથે જોડાવાની તક મળી. આ ઘટના અંગે ટિપ્પણી કરતાં ગુલ્કી જોશી કહે છે, એકતા એક અદ્ભુત કલાકાર છે અને એ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે કે તેણે આ શો છોડવો પડયો, પરંતુ જેમ કહેવત છે ને કે દાને દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ. જો આ શો અને આ પાત્ર મારી પાસે આવ્યું તો કદાચ તે બનવાનું જ હતું.

કાસ્ટિંગનો એક રસપ્રદ કિસ્સો ગુલ્કી જોશી અને તેના સહ-અભિનેતા ઇકબાલ ખાન વચ્ચે ઉંમરનો તફાવત છે. આ સંદર્ભે ગુલ્કી કહે છે, પરિપકવ જોડી હંમેશા મારા માટે કામ કરે છે, પછી ભલે તે 'ફિર સુબહ હોગી'માં વરુણ બદોલા સાથે હોય કે પછી 'મેડમ સર'માં રાહિત આઝમ સાથે. ઇકબાલ ખાન સાથે હોય. આ તો એક નાની દુનિયાની ક્ષણ જેવું ભાસે છે, કારણ કે મારી માતા તેના પહેલા શો 'કૈસા યે પ્યાર હૈ'ના લેખકોમાંના એક હતા. મને યાદ છે કે તે દિવસોમાં મારા ઘણા મિત્રોને તેના પર ખૂબ જ ક્રશ હતો અને હવે હું તેની સાથે સ્ક્રીન પર છું-રોમાન્સ કરી રહી છું, જે હજુ પણ વાસ્તવિક લાગે છે. મને લાગે છે કે હું યુવાનો કરતાં પુરુષો સાથે વધુ સારી દેખાઉં છું.