mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શર્મન જોશીઃ બોલીવૂડમાં કલાકારોના મૂલ્ય અંકાય તેમની છેલ્લી ફિલ્મ પરથી

- કલાકારો પણ આખરે હાડમાંસના ઈનસાન હોય છે. ક્યારેક ફિલ્મની પસંદગી કરવામાં થાપ ખાઈ ખાઈ જવાય એવું પણ બને

Updated: Aug 21st, 2020

શર્મન જોશીઃ બોલીવૂડમાં કલાકારોના મૂલ્ય અંકાય તેમની છેલ્લી ફિલ્મ પરથી 1 - image


પો તાની બે દશકની કારકિર્દીમાં શર્મન જોશીએ 'રંગ દે બસંતી', 'ગોલમાલ', 'લાઈફ ઈન અ મેટ્રો', 'ઈ ઈડિયટ્સ', 'ફેરારી કી સવારી' જેવી સંખ્યાબંધ  ફિલ્મોમાં પ્રશંસનીય અભિનય કર્યો. મહત્ત્વની વાત એ છે કે દર્શકોએ શર્મનના અભિનયના ભરપેટ વખાણ કર્યાં છે તોય તેને પ્રમાણમાં ઘણી ઓછી ફિલ્મો મળી છે.

અભિનય ક્ષેત્રે રહેલા પડકારો વિશે શર્મન કહે છે કે કલાકારો પણ આખરે હાડમાંસના ઈનસાન હોય છે. ક્યારેક ફિલ્મની પસંદગી કરવામાં થાપ ખાઈ  ખાઈ જવાય એવું પણ બને. વાસ્તવમાં આ પ્રોફેશનમાં તમે તમારા છેલ્લા પ્રોજેક્ટમાં કેટલા સફળ કે નિષ્ફળ રહ્યા તેના પરથી તમારું મૂલ્ય અંકાય. કેટલીક વખત કેટલીક ફિલ્મોને ધારી સફળતા ન મળે. 'ફેરારી કી સવારી' પછી આવેલી મારી 'વાર છોડ ન યાર', 'ગેંગ ઓફ ઘોસ્ટ' અને 'સુપર નાની'ને ધારી સફળતા ન મળી અને એ મારી પીછેહઠ સમાન હતું. હું થોડો નિરાશ થઈ ગયો હતો. તે વધુમાં કહે છે કે એક વખત તમે નીચે પટકાઓ ત્યારબાદ તમને તેમાંથી ઊભા થવામાં વાર લાગે. પરંતુ હું ભાગ્યશાળી છું કે મને ગયા વર્ષે 'મિશન મંગળ'માં કામ  કરવાની તક મળી.

બે દશકથી બોલીવૂડ સાથે સંકળાયેલો હોવાને કારણે શર્મન સારી રીતે જાણે છે કે અહીં કઈ વસ્તુ કામ કરે છે અને કઈ નહીં. બોલીવૂડમાં ચાલી રહેલી સગાંવાદ અને વહાલા- દવલાની નીતિ વિશે અભિનેતા કહે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં બ્રેક મેળવવો લોઢાના ચણા ચાવવા જેવું કઠિન છે. અલબત્ત, ખેલકૂદ સહિતના પ્રત્યેક સ્પર્ધાત્મક પ્રોફેશનમાં તમારે પડકારો તો ઝીલવા જ પડે. પરંતુ ફિલ્મોદ્યોગમાં પ્રત્યેક કલાકાર ચોક્કસ ફિલ્મ સર્જક સાથે કામ કરવા ઈચ્છતો હોય છે. સમાન વિચારસરણી ધરાવતા કલાકાર- કસબીઓ સાથે કામ કરવાનું વધુ આસાન લાગે. મેં પણ રાજકુમાર હીરાણી અને વિધુ વિનોદ ચોપરા સાથે ઉપરાઉપરી બે ફિલ્મો કરી છે. તેઓ અભિનેતા તરીકે મને પસંદ કરે છે અને મને પણ તેમની સાથે કામ કરવું ગમે છે.

શર્મનના વેબ શો 'બારિશ'ને સારી સફળતા મળી તેથી તે બહુ ખુશ છે. હવે તેની 'આંખ મિચોલી' સહિતની અન્ય ફિલ્મો રજૂ થવાની છે અને તે અબ્બાસ- મસ્તાન સાથે એક થ્રિલર કરવાની તૈયારી કરી રહ્યો છે. ઓટીટી પર રજૂ થનારી આ ફિલ્મ માટે તે અત્યંત ઉત્સાહી છે. તે કહે છે કે થ્રિલર બનાવવામાં અબ્બાસ- મસ્તાન નિપુણ છે તેથી હું તેમની સાથે કામ કરવા ઉત્સુક છું.

Gujarat