અનુરાગ કશ્યપના ચાહકોને મોજ પડી જાય તેવા ન્યુઝ છે. એમની ખાસ્સી ચર્ચાઈ ચૂકેલી ફિલ્મ 'કેનેડી' આખરે ઝીફાઇવ પર આજે ૨૦ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તો એનું છેક ત્રણ વર્ષ પહેલાં સ્ક્રીનિંગ થઈ ચૂક્યું હતું. સની લિઓની, રાહુલ ભટ (ભટ્ટ નહીં) અને મોહિત તકલકર આ ફિલ્મનાં મુખ્ય કલાકારો છે.
રાંધણકળાની દુનિયામાં સેલિબ્રિટી શેફ ગોર્ડન રામસેનું બહુ મોટું નામ છે. એના જીવનને કેપ્ચર કરતી છ ભાગની ડોક્યુસિરીઝ 'બીઈંગ ગોર્ડન રામસે'નું સ્ટ્રીમિંગ બે દિવસ પહેલાં નેટફ્લિક્સ પર શરૂ થઈ ચૂક્યું છે. જો તમને માસ્ટરશેફ ગોર્ડનના કૂકરી શોઝમાં રસ પડતો હોય તો આ સિરીઝ જોવી પણ ગમશે.
તમને હોરર થ્રિલરમાં રસ છે? તો 'રાક્ષસા' નામની હોરર-થ્રિલર વત્તા સસ્પેન્સ ફિલ્મ તમને ગમશે. મૂળ કન્નડ ભાષામાં બનેલી આ ફિલ્મમાં પ્રજ્જવલ દેવરાજ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ આજથી (૨૦ ફેબુ્રઆરીથી) ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે.
બોલતાં જ જીભનો ચુથ્થો વળી જાય એવું ટાઇટલ ધરાવતી 'તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી' ફિલ્મ ગઈ કાલે ઓટીટી પર મૂકાઈ ગઈ. જો તમે કાતક આર્યન કે અનન્યા પાંડે અથવા બન્નેના ફેન હો તો તમે આ રોમ-કોમ પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.


