શીના બજાજનો ખોળો ભરાયો
છેલ્લે ધારાવાહિક 'વંશજ'માં કામ કરનાર અભિનેત્રી શીના બજાજ તેની ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિકમાંથી પસાર થઈ રહી છે. જોકે તે કહે છે કે મારાં છેલ્લાં કેટલાંક મહિના બહુ આકરાં ગયાં. પરંતુ મારા પતિ રોહિત પુરોહિત મારી પડખે અડીખમ બનીને ઊભા રહ્યાં તેથી મને ઘણો માનસિક સધિયારો મળ્યો. થોડાં દિવસ પહેલા શીનાનો ખોળો ભરાયો ત્યારે તે રાતા રંગના અનારકલી સુટમાં બહુ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર અનોખી લાલી હતી. આમ છતાં તેણે ગર્ભાવસ્થામાં ભોગવેલી પીડા પણ તેના ચહેરા પર દેખાતી હતી. અદાકારાએ કહ્યું હતું કે ઘણી વખત હું સાવ પડી ભાંગી હોઉં એવું અનુભવતી. મારી ઘણી ગાયનેકોલૉજિકલ સર્જરી થઈ હતી. પરંતુ ગર્ભાવસ્થામાં થયેલી મુશ્કેલીઓ સામે એ શસ્ત્રક્રિયાઓ કાંઈ નહોતી. લોકો ભલે એમ કહેતાં હોય કે માતૃત્વની યાત્રા બહુ ખૂબસુરત ગણાય. પરંતુ મારો આ સમય બહુ મુશ્કેલ રહ્યો છે. અલબત્ત, હું આ તબક્કો મનભરીને માણી પણ રહી છું. હવે મારું શરીર એકદમ વેગળા અનુભવમાંથી પસાર થઈ રહ્યું છે. કેટલીક વખત મને બોલવામાં જ નહીં, શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થાય છે. મારી નીંદર સાવ જ ઉડી ગઈ છે. મને એવું લાગે છે જાણે મારું શરીર અવિરતપણે મેરેથોન દોડી રહ્યું છે. આમ છતાં થોડા સમય પછી એક નવજાત શિશુ મારા ખોળામાં રમતું હશે એ વિચારે મારા રોમેરોમમાં ખુશીની લહેર દોડી જાય છે. શીના ઉમેરે છે કે આટલા કપરા સમયમાં પણ મને મારા માટે પરિચારિકા રાખવાની જરૂર નથી પડી. મારા પરિવારજનો અને પતિ જ મારી પૂરેપૂરી કાળજી લઈ રહ્યાં છે.
જિયા-વરૂણ બન્યાં રીલમાંથી રીઅલ પાર્ટનર
ઑગસ્ટ મહિનાનું ત્રીજું અઠવાડિયું જિયા માણેક અને વરૂણ જૈનના જીવનમાં ખુશીઓનો ખજાનો લઈને આવ્યું હતું. આ બંને કલાકારોએ ૨૧મી ઑગસ્ટે પ્રભૂતામાં પગલાં પાડયાં હતાં. અત્યાર સુધી પોતાના પ્રેમ સંબંધને ગુપ્ત રાખનારા આ પ્રેમી યુગલે પતિ-પત્ની બન્યાં પછી સોશ્યલ મીડિયા પર તેની જાહેરાત કરી ત્યારે તેમના ચાહકોને પણ સાનંદાશ્ચર્ય થયું હતું. જિયાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ઈશ્વર કૃપાથી અમે બંને મિત્રોમાંથી પતિ-પત્ની બન્યાં છીએ. માત્ર આપ્તજનોની ઉપસ્થિતિમાં વિવાહ કરનાર જિયાએ કહ્યું હતું કે અમારા સ્નેહી-સ્વજનોએ અમને આશિર્વાદ આપીને અમારો દિવસ ખાસ બનાવી દીધો હતો. હવે હું અને વરૂણ જીવનના પ્રત્યેક તબક્કે સાથેને સાથે રહીશું. નવયુગલના ચહેરા પર ખુશી સમાતી નહોતી. જિયા ગોલ્ડન કલરની દક્ષિણ ભારતીય-સ્ટાઈલની સાડી અને પરંપરાગત અલંકારોમાં ગજબની સુંદર લાગતી હતી. વરૂણ પણ બ્રાઈટ યેલો કુરતામાં સોહમણો દેખાતો હતો. કહેવાની જરૂર નથી કે જિયાને 'સાથ નિભાના સાથિયા'ના 'ગોપી બહુ'ના પાત્રએ બેમિસાલ લોકપ્રિયતા અપાવી હતી. જિયા અને વરૂણે 'તેરા મેરા સાથ રહે'ના રીબૂટમાં સાથે કામ કર્યું હતું. વરૂણે ૨૦૧૦ની સાલમાં 'કલી-એક અગ્નિપરીક્ષા'થી અભિનય ક્ષેત્રે કદમ માંડયાં હતાં. ધારાવાહિક 'દિયા ઔર બાતી હમ'ના 'મોહિત રૈના'ના કિરદારે તેને ઘર ઘરમાં જાણીતો કર્યો હતો. તેમના વિવાહ વિશે સોશ્યલ મીડિયા પર જાણકારી મળતાં જ તેમના પ્રશંસકોએ નવયુગલ પર વધામણાંની વર્ષા કરી હતી.
રૂબિના દિલૈકનો ડરામણા શમણાં સમો અનુભવ
અભિનેત્રી રૂબિના દિલૈક થોડાં દિવસ પહેલા પોતાના વતન હિમાચલ પ્રદેશ ખાતે ગઈ હતી ત્યારે તેને અત્યંત તાણભર્યો અનુભવ થયો હતો. થોડાં દિવસો પહેલા હિમાચલ પ્રદેશમાં આભ ફાટયું ત્યારે રૂબિના હિમાચલ પ્રદેશથી મુંબઈ પરત ફરી રહી હતી. તે કહે છે કે વાદળ ફાટયા પછી ભેખડો ધસી પડતાં મહત્વના રૂટ પરનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. હું નવ કલાક સુધી ચાર કિ.મી. લાંબા જામમાં ફસાઈ ગઈ હતી. તે વખતે અમને ન તો કાંઈ ખાવા-પીવા મળ્યું હતું કે ન બાથરૂમ સુધ્ધાં જવા પામ્યાં હતાં. હજારો વાહનો એક જ સ્થાને થોભી ગયાં હતાં. છેક બીજા દિવસે સવારે વાહનવ્યવહાર ફરીથી શરૂ થયો. આ આપદા દરમિયાન ઘણાં અકસ્માતો પણ થયાં હતાં. 'શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી', 'છોટી બહુ' જેવી સંખ્યાબંધ ધારાવાહિકોમાં જોવા મળેલી આ અદાકારા છેવટે મુંબઈ પહોંચી ત્યારે તેણે રાહતનો શ્વાસ લીધો. તે કહે છે કે હું મારા શૂટિંગના સમયે જ મુંબઈ પહોંચી આવી તેથી મારા કામને અસર ન પહોંચી એ પણ મારા માટે રાહતની વાત હતી. અભિનેત્રી વધુમાં કહે છે કે હું મારી ટ્રીપ ટૂંકાવીને મુંબઈ આવવા નીકળી હતી. હું મારા પરિવાર સાથે માત્ર એક રાત જ રોકાઈ હતી. મને મારા કામ માટે સમયસર મુંબઈ પહોંચવાનું હોવાથી હું મારા પરિવાર સાથે વધુ સમય નહોતી રહી શકી. જોકે તેઓ બધા ઠીકઠાક છે તે જોઈને મારા જીવમાં જીવ આવ્યો હતો. મારું ફાર્મહાઉસ પણ સલામત રહ્યું. પરંતુ અમારા ઘણાં સંબંધીઓના ખેતરો અતિવૃષ્ટિમાં ધોવાઈ ગયાં હતાં. અભિનેત્રી ઉમેરે છે કે એરપોર્ટ પહોંચવાની મારી મુસાફરી પણ એટલી જ મુશ્કેલ હતી. સામાન્ય રીતે મારા ફાર્મહાઉસથી વિમાન મથકનું અંતર ૧૦ કલાકનંી છે. પરંતુ આ વખતે મને ૧૦ કલાકનો પ્રવાસ પૂરો કરતાં બે દિવસ લાગ્યાં હતાં. મારી સાથે મારી બહેન અને તેની દોઢ વર્ષની પુત્રી પણ હતાં તેથી અમને વધારે મુશ્કેલી થઈ હતી. પરંતુ સ્થાનિકો અમારી મદદે આવ્યાં હતાં. મોટાભાગના વિસ્તારમાં કનેક્ટિવિટી સાવ નબળી હતી અને ઘણાં ઠેકાણે તો બિલકુલ નહોતી. અમારા માટે ત્યાંના લોકોની મદદ જ એકમાત્ર વિકલ્પ હતો. યોગાનુયોગે મારી એક મિત્ર હોમસ્ટે ચલાવે છે તે અમારી મદદે આવી. હું તેનો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું.


