Get The App

TV TALK .

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં લીપ નહીં આવે 

તાજેતરમાં એવી વાતો વહેતી થઈ હતી કે લોકપ્રિય ધારાવાહિક 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં લીપ આવશે. પરંતુ આ શોની મુખ્ય અભિનેત્રી સમૃધ્ધિ શુકલાએ આ વાત પર ટાઢું પાણી રેડતાં કહ્યું હતું કે તે અફવા માત્ર છે. હાલના તબક્કે આ સીરિયલમાં તે ૧૦ વર્ષની પુત્રીની માતાનો રોલ ભજવી રહી છે. જોકે ઘણી જુવાનજોધ અદાકારાઓ માતાની ભૂમિકા ભજવવા તૈયાર નથી થતી. પણ સમૃધ્ધિને તેનો કોઈ છોછ નથી. અદાકારા કહે છે કે ટીવી સીરિયલોમાં યુવાન કન્યાઓ માતાની ભૂમિકા ભજવે તેમાં કાંઈ નવું નથી. એ સમય વિતી ગયો જ્યારે માતાનું કિરદાર અદા કરનાર અભિનેત્રીઓને માત્ર એવા જ પાત્રો ઓફર થતાં. જો હું મમ્મી જેવી દેખાતી હોઉં અને મારી ભૂમિકા સારી રીતે ભજવી શકતી હોઉં તો આવો રોલ કરીને પણ હું ખુશ છું. અભિનેત્રી વધુમાં કહે છે કે આ શોના પોતાના રોલ માટે ઓડિશન આપતી વખતે તે બહુ ગભરાઈ હતી. ત્યાર પછી બધું સમુંસુતરું ચાલી રહ્યું હતું ત્યાં શહઝાદા ધામીને સ્થાને રોહિત પુરોહિતને  લેવામાં આવ્યો. તે વખતે મને ફરીથી ગભરામણ થવા લાગી હતી કે હું રાતોરાત તેની સાથે કેમેસ્ટ્રી શી રીતે જમાવીશ. પરંતુ મેં મારા તરફથી તેની સાથે કેમેસ્ટ્રી જમાવવામાં કોઈ કસર ન છોડી. મને એ વાતની ખુશી છે કે શો આજદિન સુધી સરસ રીતે ચાલી રહ્યો છે.

શરદ મલ્હોત્રાની કારકિર્દીને 21મું બેઠું

અભિનેતા શરદ મલ્હોત્રાને ટચૂકડા પડદે આવ્યે ૨૦ વર્ષના વહાણા વાઈ ગયાં છે. અને આ નાના પડદાએ જ તેને મોટો કર્યો છે. અભિનેતા કહે છે કે બબ્બે દશક જાણે પલક ઝપકાવતાં પસાર થઈ ગયાં. મેં આ સમય દરમિયાન ટીવી સીરિયલો પાછળ મારું લોહી-પાણી એક કર્યું છે. અલબત્ત, મને મારા કામની સાથે સાથે ઘણું શીખવા પણ મળ્યું છે. હું નવોદિત કલાકારો પાસેથી પણ શીખ્યો છું અને અનુભવ કલાકારો પાસેથી પણ. ખરેખર તો ટીવી મારો પહેલો પ્રેમ છે. કહેવાની જરૂર નથી કે શરદે ઐતિહાસિક શો 'મહારાણા પ્રતાપ'થી લઈને 'નાગિન' જેવી સુપરનેચરલ સીરિયલો સુધ્ધામાં કામ કર્યું છે. છેલ્લે 'વિદ્રોહી' (૨૦૦૨)માં કામ કર્યા પછી તે ટીવી પર દેખાયો નથી તેથી તેના ચાહકોને આશ્ચર્ય થઈ રહ્યું હતું. પરંતુ અભિનેતા કહે છે કે કોવિડ કાળ પછી સારા  શોઝનો દુકાળ પડયો હોય એવો તાલ સર્જાયો છે. હું કોઈક પડકારજનક ભૂમિકાની રાહ જોઈ રહ્યો છું. 

વરૂણ બડોલા :  ડિયર ફાધર

ખ્યાતનામ અભિનેતા વરૂણ બડોલા હમણાં 'ઇત્તી સી ખુશી'માં તદ્દન નોખા પ્રકારની ભૂમિકા ભજવી રહ્યો છે. તે તદ્દન અસ્તવ્યસ્ત, આદર્શોથી જોજનો દૂર, અણધાર્યો છતાં પરિવારના વિકાસના કેન્દ્ર સ્થાને છે. અભિનેતા કહે છે કે 'સુહાસ' પિતાની પરંપરાગત માન્યતાઓ કરતાં તદ્દન અલગ છે. તે તદ્દન અસ્તવ્યસ્ત, અણધાર્યો અને નિરાશાજનક છે. આમ છતાં 'સુહાસ'માં માનવતા ઠાંસી ઠાંસીને ભરેલી છે. તે વધુમાં કહે છે કે અગાઉ ક્યારેય મેં આવી ભૂમિકા નથી ભજવી. જોકે વરૂણ માટે આ રોલ કરવો સહેલું નહોતું. તે કહે છે કે આ રોલ માટે હું શોના સર્જકો સામે સંપૂર્ણપણે સરન્ડર થઈ ગયો છું. હું એ જ કરું છું જે શોના લેખકો તેમ જ દિગ્દર્શકો મારી પાસેથી કરાવવા ઇચ્છે છે. 

મેડમ સર ક્યાં ખોવાઈ ગયાં?

દરેક કલાકારના ભાગે એકાદ રોલ એવો આવતો હોય છે જે તેની ઓળખ બની જાય. અભિનેત્રી ગુલ્કી જોશીના હિસ્સામાં 'મેડમ સર'ની 'હસીના મલિક'એ આ કામ કર્યું. આ પાત્ર આદા કર્યા પછી અભિનેત્રી ઘર ઘરમાં જાણીતી બની ગઈ. હિમ્મતવાન 'હસીના મલિક' આ શો પછી જાણે કે ટીવી પરથી ગાયબ જ થઈ ગઈ. અભિનેત્રી કહે છે કે 'મેડમ સર' જેવો પ્રોગ્રેસિવ શો કર્યા પછી સાસુ-વહુના શોમાં કામ કરવાનું મારા માટે મુશ્કેલ હતું. મને એમ પણ લાગ્યું કે આવું શક્તિશાળી પાત્ર ભજવ્યા પછી લોકો મને સરળ-નબળી નારી તરીકે જોવાનું પસંદ નહીં કરે. અલબત્ત, હું કોઈપણ પ્રકારની ભૂમિકા ભજવી શકું તેમ છું. ગુલ્કી વધુમાં કહે છે કે 'હસીના મલિક' બન્યા પછી લોકો મારા માટે એમ કહેવા લાગ્યાં હતાં કે હું આખાબોલી છું તેને કારણે પણ મને કામ નહોતું મળતું. જોકે પ્રારંભિક તબક્કે મને ેવું લાગ્યું કે લોકો મારા આ પાત્રને વિસરવા માગે છે. પણ ધીરે ધીરે મને સમજાયું કે મારી વિરૂધ્ધ ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. મારા માટે એમ કહેવામાં આવતું કે મારી સાથે કામ કરવું મુશ્કેલ છે. હું બહુ નખરાં કરું છું. મેં આ શો માટે મારા જીવનના ત્રણ વર્ષ ખરા દિલથી સમર્પિત કર્યાં હતાં. નાણાંકીય રીતે મારી રીત શિસ્તબધ્ધ રહી છે અને મારી સપોર્ટ સિસ્ટમ મજબૂત છે. હા, એક કલાકાર તરીકે ક્યારેક મને પોતાને એવું લાગ્યું છે કે મેં ક્યાંક ભૂલ તો નથી કરી ને? દરેક કલાકાર ક્યારેકને ક્યારેક આવા તબક્કામાંથી પસાર થતો જ હોય છે. પરંતુ જ્યારે જ્યારે મને આવું લાગ્યું છે ત્યારે ત્યારે હું વધુ મજબૂત બની છું.