શું અવિકા ગોર ગર્ભવતી છે?
થોડાં મહિના અગાઉ 'બાલિકા વધૂ' ફેમ અવિકા ગોરે નેશનલ ટીવી પર 'પતિ પત્ની ઔર પંગા' શોમાં મિલિંદ ચાંદવાની સાથે વિવાહ કર્યાં. અને થોડા વખતથી તે ગર્ભવતી હોવાની ચર્ચાએ જોર પકડવા માંડતા અવિકાને આ બાબતે ખુલાસો કરવો પડયો. અભિનેત્રીએ કહ્યું હતું કે તે ગર્ભવતી નથી, બલ્કે અન્ય કોઈ મોટા સમાચાર આપવાની છે. વાસ્તવમાં બન્યું એવું હતું કે અવિકા અને મિલિંદે તેમના જીવનની 'નવી શરૂઆત' અને બદલાવો પર દિલ ખોલીને ચર્ચા કરતો એક વ્લોગ શેર કર્યો હતો. તેના વીડિયોમાં અવિકાએ કહ્યું હતું કે કાંઈક 'બહુ મોટું' થવાનું છે. જ્યારે મિલિંદે કહ્યું હતું કે આ એક અનપેક્ષિત બદલાવ છે જે સુનિયોજિત નહોતું. પરંતુ તેઓ તેને ખરા મનથી અપનાવી રહ્યાં છે. તેણે ઉત્સાહ અને ગભરામણના મિશ્રિત ભાવો વિશે પણ વાત કરતાં તેમના ચાહકોએ એમ માની લીધું હતું કે અવિકા પ્રેગનેન્ટ છે અને ઘણાં ઘેલાં ચાહકોએ તો તેમને વધામણાં પણ આપવા માંડયા હતાં.
શ્રેયસ તળપદે નથી મરાઠી 'બિગ બોસ'નો સ્પર્ધક
છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર સતત એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે અભિનેતા શ્રેયસ તળપદે મરાઠી 'બિગ બોસ'ની આગામી સીઝનમાં ભાગ લેવાનો છે. જોકે હવે અભિનેતાએ સ્વયં આ અફવાને રદિયો આપતાં કહ્યું છે કે હું ક્યારેય આ શોનો ભાગ નહોતો બનવાનો. તેણે નારાજગી સાથે જણાવ્યું હતું કે મારા કેસમાં લોકોએ માત્ર ધારી નહોતું લીધું કે હું આ શોના સ્પર્ધકોમાંનો એક છું, બલ્કે તેમણે પાકા પાયે આ વાત કહી હતી. આંચકાજનક વાત એ છે કે આવું કહેનારાઓએ મારો સંપર્ક કરીને આ વાતની ખાતરી કરવાની પરવા પણ નહોતી કરી. હકીકતમાં આ વાત તદ્દન પાયાવિહોણી છે. મેં આ વાતને રદિયો આપ્યો ત્યાં સુધી જેને જે ફાયદો મળવાનો હતો તે મળી ગયો અને મને જે હાનિ પહોંચવાની હતી તે પહોંચી ગઈ. હું સારી રીતે જાણું છું કે ચેનલ અને નિર્માણગૃહને ચોક્કસ પ્રકારના ટ્રેકશનની જરૂર હોય છે. પરંતુ જો કોઈ મારા નામે ચરી ખાવા માગતું હોય તોય તેમને મારો સંપર્ક કરવો જોઈએ. આ શોના સર્જકોએ ક્યારેય મારો સંપર્ક નથી કર્યો. મારા મતે આ શો ચોક્કસ પ્રકારનો સ્વભાવ માગી લે છે જે તમારા આચરણ અને વિચારોને પ્રભાવિત કરે. પરંતુ મારો સ્વભાવ તેનાથી બિલકુલ અલગ છે.
દીક્ષા જોશીની ઊલટી ચાલ
સામાન્ય રીતે ટીવી સીરિયલોમાં કામ કરતાં કલાકારો ધીમે ધીમે ફિલ્મો અને ઓટીટી તરફ સરવા લાગે છે. પરંતુ ચીલો ચાતરીને ચાલતાં કલાકારોને મોટા પડદેથી નાના પડદે આવવામાં પણ કોઈની શેહ-શરમ નથી નડતી. આવા કલાકારોમાંની એક છે અભનેત્રી દીક્ષા જોશી. હાલના તબક્કે લોકપ્રિય ધારાવાહિક 'પુષ્પા ઇમ્પોસિબલ'માં 'દિપ્તી'ની ભૂમિકા ભજવી રહેલી આ અદાકારાએ પોતાની કારકિર્દીનો આરંભ ગુજરાતી ફિલ્મોથી કર્યો હતો. પછીથી તેણે 'કૌશલજીઝ વર્સેસ કૌશલજીઝ' અને 'ધડક-૨' જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. બે ભાષાઓની ફિલ્મો ઉપરાંત કમર્શિયલ કરનારી દીક્ષાએ લગભગ આઠથી નવ વર્ષની કારકિર્દી પછી ટેલિવિઝન પર શુભારંભ કર્યો છે. મહત્ત્વની વાત એ છે કે અગાઉ આ રોલ અન્ય અદાકારા કરી રહી હતી. પરંતુ શોમાં સાત વર્ષનો લીપ આવ્યા પછી દિક્ષાને આ અગત્યનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો. અને તેના અભિનયથી પ્રભાવિત થયેલા દર્શકોએ તેને સહજતાથી અપનાવી લીધી. પોતાના ડેબ્યુ શોમાં જ લોકપ્રિયતા મળતાં અભિનેત્રી અત્યંત ખુશ છે. અલબત્ત, આ માધ્યમમાં તેનો કામ કરવાનો અનુભવ એકદમ વેગળો છે. પરંતુ અભિનેત્રીને તેની સામે કોઈ ફરિયાદ નથી. દીક્ષા કહે છે કે ફિલ્મોની તુલનામાં આ માધ્યમ એકદમ વેગળું છે. અહીંના લાંબા કલાકોના શૂટિંગ તેમ જ રીહર્સલ માટે નજીવા સમય જેવી બાબતોએ મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવી દીધી છે. અહીં હું ચારેકોરથી અનુભવી કલાકારો વચ્ચે ઘેરાયેલી રહું છું તેથી મને ઘણું નવું શીખવા મળે છે. વળી આ માધ્યમમાં રીહર્સલ કરવાનો અવકાશ ભાગ્યે જ હોવાથી હું હમેશાં શ્રેષ્ઠ રીતે દ્રશ્ય આપવા સજ્જ રહું છું. આ રીતે કામ કરવાથી હું શિસ્તબધ્ધ રીતે અને ઝપાટાભેર કામ આપવામાં પાવરધી થઈ ગઈ છું. તે વધુમાં કહે છે કે મેં અગાઉ ફિલ્મો, થિયેટર, શોર્ટ ફિલ્મો અને જાહેરખબરોમાં કામ કર્યું છે. મેં 'પુષ્પા ઇમ્પોસિબલ'ના સેટ પર કદમ માંડયાં ત્યારે ટેલિવિઝન મારા માટે તદ્દન નવું માધ્યમ હતું. પરંતુ અહીં કામ કરવાની રીત મેં તરત જ અપનાવી દીધી. ટેલિવિઝને મને લાંબા દ્રશ્યો વિના વિલંબે આપતાં, ઘડીના છઠ્ઠા ભાગમાં વિરોધાભાસી દ્રશ્યો ભજવતાં શીખવી દીધું. ધારાવાહિકના શૂટિંગનો પ્રત્યેક દિવસ મને કાંઈક નવું શીખવે છે.


