ગૌરી ટોંક હવે નંદિતા બની
અગાઉ 'કહીં કિસી રોજ', 'તેરી મેરી ડોરિયાં', 'શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી' જેવી લોકપ્રિય સીરિયલોમાં કામ કરનાર અભિનેત્રી ગૌરી ટોંક ઘણાં વખતે 'ઇત્તી સી ખુશી' દ્વારા પરત ફરી રહી છે. (તમે આ વાંચતા હશો ત્યારે તે કદાચ પાછી ફરી ગઈ હશે.) તે વધુમાં કહે છે કે 'નંદિતા'નું જીવન વણઉકેલ્યા ભાવનાત્મક આઘાતથી ઘેરાયેલું છે. બહારથી શાંત દેખાતી 'નંદિતા'ના મનમાં સતત ઉથલપાથલ ચાલે છે. મેં જ્યારે 'ઇત્તી સી ખુશી'ની કહાણી સાંભળી ત્યારે તેમાં રહેલી સંવેદનાઓ અને મારા ભાગે આવી રહેલા રોલ પ્રત્યે આકર્ષાઈ હતી. મને તેનું ભાવનાત્મક ઊંડાણ સ્પર્શી ગયું હતું.
બિન્ધાસ્ત છે સુદેશ લહરીની પત્ની
રીઆલિટી શો 'પતિ પત્ની ઔર પંગા'માં સામેલ યુગલો દર્શકો સમક્ષ પોતાના વાસ્તવિક સંબંધો અને કપલ ગોલ્સ રજૂ કરી રહ્યાં છે, ત્યારે કૉમેડિયન સુદેશ લહરીની પત્ની મમતાએ જે વાત કહી તે સાંભળીને દર્શકોને આશ્ચર્યનો આંચકો લાગ્યો હતો. મઝાની વાત એ છે કે સુદેશ લહરી કેમેરા સામે બિન્ધાસ્ત બોલ્યા કરે છે. જ્યારે મમતા પ્રમાણમાં શરમાળ છે. પરંતુ એક ન્યુઝ પોર્ટલ સાથેની વાતચીત દરમિયાન મમતાએ ચોંકાવનારી સ્પષ્ટતા કરી હતી. સંબંધિત વાતો દરમિયાન મમતાને પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય તેના પતિ પર શંકા નથી ગઈ? આના જવાબમાં મમતાએ કહ્યું કે ના, તેઓ આવું ન જ કરે. જોકે પત્ની સાથેની વાતચીતનો સિલસિલો પોતાના હાથમાં લેતાં સુદેશે કહ્યું હતું કે મમતા ટીવી પર આવતં લગ્નેત્તર સંબંધને લગતાં શોઝ રસપૂર્વક જોતી હતી. આ શોમાં પ્રેમીને તેની પ્રેમિકા દ્વારા બ્લેકમેલ કરવામાં આવતો જેથી તે પરિણીત પ્રેમી હેરાન-પરેશાન થઈ ગયો હતો.
બરાબર જામી છે ટીઆરપી વૉર
તાજેતરમાં જાણીતા સીરિયલ સર્જક રાજન શાહીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેંડલ પર એક કિપ્ટિક પોસ્ટ મૂકીને જેની આશંકા હતી એવી ચર્ચા શરૂ કરી દીધી છે. વાત જાણે એમ બની કે લાંબા સમયથી ચાલી રહેલા અને ટીઆરપીમાં મોટાભાગે ટોચ પર રહેલા રાજન શાહીના શો 'અનુપમા' અને તાજેતરમાં જ શરૂ થયેલી કલ્ટ ક્લાસિક ધારાવાહિક 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'ના બીજા ભાગનું ટીઆરપી લગભગ એક સરખું આવ્યું હતું. આ વાતની નોંધ લઈને આ સીરિયલ સર્જકે શોનું નામ આપ્યા વિના પોતાની પોસ્ટમાં લખ્યું કે જો કોઈ પીઆર ટીમ આ રીતે ચોક્કસ શોના રેટિંગને વધારીને રજૂ કરી રહી હશે તો તેમની કારી ફાવશે નહીં. એક જાણીતા મીડિયા હાઉસના રિપોર્ટ મુજબ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી-૨'ને ૩૦મા અઠવાડિયાના ટીઆરપી રિપોર્ટમાં ૨.૩ મિલિયન ઇમ્પ્રેશન મળી હતી. તેવી જ રીતે 'અનુપમા'ને પણ એ સપ્તાહમાં જ બરાબર એટલી જ ઇમ્પ્રેશન મળી હતી. સ્વાભાવિક રીતે જ ઇન્ડસ્ટ્રીમાં જોરશોરથી એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે સ્મૃતિ ઈરાનીએ આવતાવેંત 'અનુપમા'ને પાછળ ધકેલી દીધી. જોકે બંને શો વચ્ચે થઈ રહેલી તુલનાને પગલે ટીવી જગતમાં હલચલ મચી ગઈ છે. અને 'અનુપમા'ની રૂપાલી ગાંગુલી તેમ જ 'ક્યોંકિ...'ની સ્મૃતિ ઈરાની એકમેકને બરાબરીની ટક્કર આપી શકે તેમ છે.
રૂપાલી ગાંગુલી : ટીવી કલાકારો રાષ્ટ્રીય પુરસ્કારોથી વંચિત કેમ?
૭૧મો રાષ્ટ્રીય પુરસ્કાર શાહરુખ ખાન, રાણી મુખર્જી અને વિક્રાંત મેસી જેવા ફિલ્મી કલાકારોને ફળ્યો. તેમને તેમની ફિલ્મો માટે આ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં ત્યારે ટીવી જગતની ટોચની અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કેઆ ઉચ્ચ સન્માનમાંથી ટીવી પર કામ કરતાં કલાકારોને શા માટે વંચિત રાખવામાં આવે છે? જો રાષ્ટ્રીય પુરસ્કાર ફિલ્મ સ્ટાર્સથી લઈને કોન્ટેન્ટ ક્રીએટર્સ સુધી, બધાને મળતાં હોય તો ટીવી કલાકારોને તેમાં સામેલ કરવામાં કેમ નથી આવતાં? કોરોના કાળ દરમિયાન બધાને પોતાના પ્રોજેક્ટ પાછળ ઠેલવાની તક મળી હતી. પરંતુ ટચૂકડા પડદાના કલાકારો તે વખતે પણ કામ કરી રહ્યાં હતાં. જો ફિલ્મોમાં કામ કરતાં કલાકારો થોડું વધુ કામ કરે તો અખબારો, સામયિકો તેમ જ અન્ય માધ્યમોમાં આ વાત મથાળાં સર કરે. જ્યારે ટીવી શોઝમાં કામ કરતાં કલાકારો સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી લાગલગાટ કામ કરતાં હોય છે. હું સરકારને વિનંતી કરું છું કે અમારા કામની પણ નોંધ લેવામાં આવે. ૪૮ વર્ષીય અભિનેત્રીને એમ પણ લાગે છે કે ટીવી પર કામ કરીને કીર્તિ-કલદાર કમાવનાર અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ પછીથી રાજકીય ક્ષેત્રે પણ ઝંપલાવ્યું. અને હવે વર્ષો પછી 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'થી વાપસી કરીને બંને ક્ષેત્રે કાર્યરત આ અદાકારા આ બાબતે ચોક્કસપણે કાંઈક કરી શકશે.


