Get The App

TV TALK .

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

પહેલા શોમાં પરત ફરવા ટપુની સ્પષ્ટતા

છેલ્લા કેટલાક સમયથી ભવ્ય ગાંધી, એટલે કે લોકપ્રિય શો 'તારક મહેતા કા ઊલટા ચશ્મા'નો સૌપ્રથમ 'ટપ્પુ' આ શોમાં પરત ફરી રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી છે. પરંતુ હવે અભિનેતાએ આ બાબતે ખુલાસો કરતાં કહ્યું છે કે હું આ શોમાં આવવાનો છું એ વાત સાચી. પરંતુ તેમાં કામ કરવા નહીં, બલ્કે મારી પહેલી ફિલ્મનું પ્રમોશન કરવા આવીશ. (તમે આ વાંચી રહ્યા હશો ત્યારે તે શોમાં આવી ચૂક્યો હોય એવું પણ બને.) અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે તેણ ેજે શોથી અભિનય ક્ષેત્રે શુભારંભ કર્યો હતો ત્યાં જ પોતાની પહેલી ફિલ્મનું પ્રમોશન કરવાથી રૂડું શું? તે આ રીતે એક ચક્ર પૂરું કરશે. એક વેબ પોર્ટલને ભવ્યએ કહ્યું હતું કે આઠ વર્ષ પછી પણ લોકો મને આટલો બધો પ્રેમ કરે છે એ વાત જ ગદગદિત કરનારી છે. જોકે શોમાં મારી વાપસીની વાતો વાંચીને મને હસવું આવતું. પરંતુ હું તેમાં મારી પ્રથમ ફિલ્મનું પ્રમોશન કરવા જ જવાનો છું. અભિનેતાએ ઉમેર્યું હતું કે મારી ત્રણ ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. અને ચોથી ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ રહી છે.

મોહિત હવે મહાદેવને મૂર્તિમંત કરશે

પૌરાણિક ધારાવાહિકોને ટચૂકડા પડદે મળતા બહોળા આવકારમાં હવે 'ગાથા શિવ પરિવાર કી- ગણેશ કાર્તિકેય' પણ સામેલ થઈ ગઈ છે. આ શોમાં અભિનેતા મોહિત મલિક મહાદેવની ભૂમિકામાં બિલકુલ બંધ બેસી ગયો છે. તે દેવાધિદેવને આટલી સરસ રીતે શી રીતે રજૂ કરી શકે છે તેના વિશે મોહિતે કહ્યું હતું કે ભગવાન શિવને મૂર્તિમંત કરવા હું શારીરિક રીતે સ્વસ્થ અને માનસિક રીતે શાંત હોઉં એ પ્રથમ શરત ગણાય. અને તેને માટે શિસ્તબધ્ધ જીવનશૈલી હોવી જરૂરી છે. આ પાત્ર રજૂ કરવા મેં મારી દિનચર્યાને વ્યવસ્થિત કરી અને મારા આહાર-વિહાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તન-મનને સ્વસ્થ રાખવા હું દરરોજ મેડિટેશન અને અઠવાડિયામાં પાંચ દિવસ વ્યાયામ કરું છું. તેને પગલે શિવજીની ધ્યાન મુદ્રા રજૂ કરવામાં અને ચહેરો શાંત રાખવામાં મને મદદ મળે છે. ખરેખર તો હું ધ્યાન-વ્યાયામને કારણે ભીતરથી જ એટલી શાંતિ અને સ્વસ્થતા અનુભવું છું કે તે આપોઆપ મારા કિરદારમાં પ્રતિબિંબિત થઈ જાય છે. સેટ પર જતી વખતે પણ હું ઘણી વખત ધ્યાન ધરવાની પ્રેક્ટિસ કરતો રહું છું. મોહિત વધુમાં કહે છે કે મેં મારા આહાર-વિહારમાં પણ બદલાવ કર્યો છે. હું પૌષ્ટિક-સંતુલિત ભોજન લઉં છું. અને સમય મળ્યે રાત્રે એકાદ કલાક ફરવા નીકળી પડું છું અથવા પૉડકાસ્ટ સાંભળું છું. મારી વ્યવસ્થિત દિનચર્યાને પગલે હું મહાદેવને જડબેસલાક રીતે રજૂ કરી શકું છું.

અનુજ કોહલીને ટ્રાફિકે બચાવ્યો

તાજેતરમાં દિલ્હી સ્થિત લાલ કિલ્લા સ્ટેશન પાસે થયેલા બોમ્બબ્લાસ્ટ વખતે અભિનેતા અનુજ કોહલીને ટ્રાફિકે બચાવી લીધો હતો એમ કહીએ તો તે વદારે પડતું નહીં ગણાય. વાત જાણે એમ બની કે અનુજ બોમ્બસ્ફોટ થયો તેનાથી થોડીવાર પહેલા જ ત્યાંથી પસાર થયો હતો. તેને અને તેના અકસ્માત અથવા મોતને માત્ર ૪૦ મિનિટનું છેટું હતું. અભિનેતાએ આ વાત સમજાવતાં કહ્યું હતું કે રેડ ફોર્ટ સ્ટેશન પાસે સાંજે લગભગ ૬.૫૨ વાગે બોમ્બસ્ફોટ થયો હતો. તે વખતે હું મારા પરિવારને મળવા થોડાં દિવસ માટે દિલ્હી ગયો હતો.  હું એ જંક્શન પાસેથી ૬.૧૦ વાગે પસાર થયો ત્યારે મને ત્યાં મળતો સ્વાદિષ્ટ નાસ્તો ખાવાની ઇચ્છા થઈ હતી. પરંતુ ટ્રાફિકને કારણે મેં ખાવા માટે રોકવાનું માંડી વાળ્યું અને આગળ વધી ગયો. અનુજે ઉમેર્યું હતું કે જે થયું તે ખરેખર દુ:ખદ હતું. બોમ્બબ્લાસ્ટના અસરગ્રસ્તો માટે મારું હૃદય દ્રવી ઉઠયું છે.

મૃણાલ દેશરાજને વાપસી કરવી છે

'ઈશ્કબાઝ' અને 'નાગિન' જેવા શો થકી ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી મૃણાલ દેશરાજના માતા રાજશ્રી દેશરાજનું તાજેતરમાં નિધન થયું. લાંબી માંદગી પછી ચીર વિદાય લઈ ગયેલી પોતાની માતા વિશે મૃણાલ કહે છે કે મારી મમ્મી હમેશાંથી મારો પ્રેરણાસ્રોત રહી હતી. તે ડોક્ટર હતી અને લોકોની સારવાર કરવામાં જ તેનું આયખું વિત્યું. તેણે પોતાના પાંચ સંતાનોની સારસંભાળ લેવા સાથે પોતાની તબીબી ફરજ પણ સુપેરે અદા કરી. તેણે અમને કોઈ પણ સંજોગો સાથે શાંતિથી પાર પાડવાનું શીખવ્યું. છેલ્લે 'નાગિન-૩' (૨૦૧૯)માં જોવા મળેલી મૃણાલે અંગત કારણોસર ટચૂકડા પડદેથી બ્રેક લીધો હતો. તે કહે છે કે વર્ષ ૨૦૧૯માં મારા પતિ અશીમ મથન સાથે મારી મુલાકાત થી. અમે ૨૦૨૨ની સાલમાં પ્રભૂતામાં પગલાં પાડયાં. ત્યાર પછી મારી મમ્મી પાર્કિન્સનના સપાટમાં આવી.  તે કહે છે કે છેલ્લા પાંચ વર્ષ ખૂબ ચડાવ-ઉતારવાળા રહ્યાં. પણ હવે મને ખાતરી છે કે મારી મમ્મીના આશિર્વાદથી હું સારું કામ મેળવી શકીશ.