Updated: May 25th, 2023
રાઘવ જુયાલનો પોતે સિંગલ હોવાનો દાવો
ટચૂકડા પડદે પોતાની નૃત્ય અને સંચાલન પ્રતિભા માટે જાણીતા રાઘવ જુયાલનું નામ છેલ્લાં કેટલાંક સમયથી 'બિગ બૉસ'ની સ્પર્ધક અને 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની અભિનેત્રી શહનાઝ ગિલ સાથે સંકળાયું છે. વાસ્તવમાં સલમાન ખાને 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના પ્રમોશન દરમિયાન શહનાઝ ગિલને સલાહ આપી હતી કે તે તેના કથિત પ્રેમી સિધ્ધાર્થ શુકલાના નિધન પછી જીવનમાં આગળ વધી જાય અને નેટિઝનોએ તેનો એવો અર્થ કાઢ્યો કે સલમાન તેને રાઘવ જુયાલ સાથે આગળ વધી જવાની સલાહ આપી રહ્યો છે. છેવટે રાઘવે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હું અને શહનાઝ માત્ર સહકલાકારો જ નથી, બલકે અચ્છા મિત્રો પણ છીએ. અમારી વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાતો અફવા સિવાય કંઈ નથી. હું પણ સલમાન ખાનની જેમ સિંગલ જ છું. જોકે અહીં એ વાતની નોંધ લેવી રહી કે અગાઉ રાઘવનું નામ સ્વીડિશ ઈન્ટિમસી કૉઑર્ડિનેટર સારા અર્હુસિયસ સાથે જોડાયું હતું. એમ કહેવાય છે કે અભિનેતાનું નામ શહનાઝ સાથે સંકળાયું તેનાથી પહેલાં ચાર વર્ષ સુધી તે સારાના પ્રેમમાં હતો. જોકે રાઘવે આ વાતને પણ અફવા ગણાવતાં કહ્યું હતું કે હું બિલકુલ સલમાન ખાનની જેમ જ સિંગલ છું. હમણાં મારું સઘળું ધ્યાન મારી ફિલ્મો પર કેન્દ્રિત છે.
અંજુમે કેમ છોડી 'કુંડલી ભાગ્ય'?
અંજુમ ફકીએ છ વર્ષ સુધી 'કુંડલી ભાગ્ય'માં કામ કર્યા પછી છેવટે આગળ વધી જવાનો નિર્ણય કર્યો હતો. આ શો છોડવાનું કારણ જણાવતાં અંજુમ કહે છે કે સતત છ વર્ષ સુધી સફળતાપૂર્વક ચાલેલા આ શોમાં નાવીન્ય લાવવાની આવશ્યકતા હોવાથી તેને ૨૦ વર્ષનો લીપ આપવામાં આવ્યો. મેં તેમાં છ વર્ષ સુધી 'સૃષ્ટિ'ની મહત્ત્વની ભૂમિકા ભજવી અને લીપ આવ્યા પછી મારા પાત્ર માટે ઝાઝુ કંઈ કરવાનું રહેતું નહોતું. તે વધુમાં કહે છે કે બહેતર છે કે હું આગળ વધી જાઉં અને નવા કલાકારોને તેમાં ચમકવાનો મોકો મળે. જોકે મોટાભાગની ધારાવાહિકોમાં શો છોડી ગયેલા લોકપ્રિય કલાકારોને એક યા બીજી રીતે પાછા લાવવામાં આવે છે. જો આ રીતે અભિનેત્રીને 'કુંડલી ભાગ્ય'માં પરત બોલાવવામાં આવશે તો તે રાજીખુશીથી આવવા તૈયાર છે. પણ હાલના તબક્કે તો તેણે 'ખતરોં કે ખિલાડી-૧૩'માં ભાગ લેવાનો નિર્ણય લઈ લીધો છે.
અરજિત તનેજા નવ વર્ષ પછી રિયાલિટી શૉમાં
'કુમકુમ ભાગ્ય' અને 'નાગિન' જેવી ધારાવાહિકોમાં જોવા મળેલા અરજિત તનેજાએ તેની કારકિર્દીનો આરંભ રિયાલિટી શો 'સ્પ્લ્ટ્સિ વિલા-૬'થી કર્યો હતો અને હવે નવ વર્ષના અંતરાલ પછી તે ફરીથી રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી-૧૩'માં ભાગ લઈ રહ્યો છે. અભિનેતાએ કહ્યું હતું કે તેણે સૌપ્રથમ રિયાલિટી શો કર્યો ત્યારે માત્ર ૧૯ વર્ષનો હતો. ત્યારથી લઈને હમણાં સુધી ટચુકડો પડદો ઘણો બદલાયો છે. એટલું જ નહીં, તે પોતે પણ ખાસ્સો બદલાઈ ગયો છે. અભિનેતા વધુમાં કહે છે કે નવ વર્ષ પછી હું કંઈક નવું કરવા માગતો હતો. ગયા વર્ષે પણ મને 'ખતરોં કે ખિલાડી' માટે ઑફર મળી હતી, પરંતુ તે વખતે હું દૈનિક ધારાવાહિકમાં કામ કરી રહ્યો હતો તેથી મારા માટે તે શક્ય નહોતું બન્યું. તેથી આ વર્ષે મને ફરીથી ઑફર આવી તો મેં તે સ્વીકારી લીધી. ખરેખર તો હું પણ મર્યાદિત સમયમાં પૂરો થઈ જાય એવા શોમાં કામ કરવા માગતો હતો. આ શો દ્વારા મારા મનની મુરાદ પૂરી થશે.
ચંદ્રિકા શાહે પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી
૪૧ વર્ષીય અભિનેત્રી ચંદ્રિકા શાહે તેના પતિ અમન મિશ્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. છઠ્ઠી મેના દિવસે તેણે મુંબઈના બાંગુરનગર પોલીસ થાણામાં ફરિયાદ નોંધાવતાં કહ્યું હતું કે તેના પતિએ તેમના ૧૫ મહિનાના પુત્રનું માથું બેડરૂમની ફરસ પર અફાળ્યું હતું. પરિણામે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હતી. એફઆઈઆરમાં જણાવ્યા મુજબ અભિનેત્રી શેર ટ્રેડર અમનને વર્ષ ૨૦૨૦માં મળી હતી. ગયા વર્ષના આરંભમાં તેમને ત્યાં પુત્ર અવતર્યો હતો. બંનેએ એક મહિના પહેલાં જ લગ્ન કર્યાં હતાં. ચંદ્રિકાએ પોલીસને કહ્યું હતું કે બેડરૂમમાં તેનો પુત્ર રડી રહ્યો હતો ત્યારે તેણે અંદર જઈને જોયું તો ભૂલકું ઈજાગ્રસ્ત હતું. તેણે બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ઘરે આવીને સીસીટીવી ફૂટેજ તપાસ્યાં ત્યારે ખબર પડી કે અમને ભૂલકાનું માથું ત્રણ વખત ફરસ પર અફાળ્યું હતું. બાંગુરનગર પોલીસ થાણાના ઈન્સપેક્ટરે કહ્યું હતું કે ચંદ્રિકાની ફરિયાદના આધારે અમે અમન સામે જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન) એક્ટ-૨૦૧૫ હેઠળ ગુનો નોંધ્યો છે અને કેસની તપાસ હાથ ધરી છે.