TV TALK .
ભારતી સિંહ : હું થાઇલેન્ડ ફરવા નહોતી ગઈ
દેશભરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી અશાંતિને કારણે પેદા થયેલા ભયભર્યા માહોલમાં કૉમેડિયન ભારતી સિંહ થાઇલેન્ડ પહોંચી ગઈ હતી તેથી નેટિઝનો તેના પર ફિટકાર વરસાવવા લાગ્યાં હતાં. તેમણે ભારતીને આડે હાથ લેતાં કહ્યું હતું કે દેશ જ્યારે યુધ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે ત્યારે તને થાઇલેન્ડમાં રજાઓ ગાળવાનું શી રીતે સૂઝે છે?
આના જવાબમાં ભારતીએ પોતાની યુ-ટયુબ ચેનલના વ્લોગમાં જણાવ્યું હતું કે હું થાઇલેન્ડમાં રજાઓ માણવા નહીં બલ્કે કામ માટે આવી છું. અહીં અમને ૧૦ દિવસ શૂટિંગ કરવાનું છે. વાસ્તવમાં અમે ત્રણ-ચાર મહિના પહેલા જ અહીં શૂટિંગ માટે આવવાનું સુનિશ્ચિત કરી લીધું હતું. અને છેલ્લી ઘડીએ કોઈને અંગૂઠો બતાવી દેવો એ વ્યાવસાયિક અભિગમથી વિરૂધ્ધ ગણાય.
ભારતીએ વધુમાં કહ્યું હતું કે ભારત અત્યંત શક્તિશાળી દેશ છે. આપણને આમ કોઈ હચમચાવી શકે તેમ નથી. ચંદીગઢ ખાતે રહેતા મારા પરિવારજનો પણ સલામત છે. મને આપણા દેશ અને ભારતની સરકાર પર પૂરેપૂરો ભરોસો છે.
સિધ્ધાંત અને સુરભિના શુભ વિવાહ
ધારાવાહિક 'શૈતાની રસમેં'ના સહકલાકારો સિધ્ધાંત ઇસ્સાર અને સુરભિ શુકલાએ ૨૧મી એપ્રિલે પ્રભુતામાં પગલાં માંડયા ત્યાર પછી એવી વાતો વહેતી થઈ હતી કે તેમણે ગૂપચૂપ લગ્ન કરી લીધાં હતાં. આવી વાતોને રદિયો આપતાં સિધ્ધાંતે તેમના વિવાહ પરિવારજનોની સંમતિ અને હાજરીમાં થયાં હતાં એવી સ્પષ્ટતા કરી છે.
અભિનેતાએ કહ્યું હતું કે અમે ઉજ્જૈનના રાધાકૃષ્ણ મંદિરમાં પરંપરાગત વિધિ અનુસાર અગ્નિ અને ઈશ્વરના સાક્ષીએ ફેરા લીધાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે જાણીતા અભિનેતા પુનિત ઇસ્સારના પુત્ર સિધ્ધાંત ઇસ્સારના વિવાહ ઉજ્જૈનના મંદિરમાં વિધિવિધાનપૂર્વક કરવામાં આવ્યાં ત્યાર પછી બીજી મેએ મુંબઈ ખાતે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સંખ્યાબંધ સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહી હતી તેમ છતાં તેમના લગ્ન વિશે નકામી વાતો ફેલાવવામાં આવતાં સિધ્ધાંતને સ્પષ્ટતા કરવાની નોબત આવી હતી. તેણે કહ્યું હતું કે અમારા વેડિંગ રિસેપ્શનમાં સુનીલ શેટ્ટી, શાહબાજ ખાન, મુકેશ ખન્ના, મુકેશ ઋષિ સહિત ઘણાં મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં. તેણે વધુમાં કહ્યું હતું કે મારા પિતા લાંબા વર્ષોથી શોબિઝ સાથે સંકળાયેલા હોવાથી અમારા વિવાહને ઝાઝી હોહા કર્યા વિના પાર પાડવાનું મુશ્કેલ હતું. ફિલ્મોદ્યોગ અમારા પરિવાર જેવો છે. મારા પિતાના નિકટના ઘણાં મિત્રો અમારા વેડિંગ રિસેપ્શનમાં આવ્યાં હ તાં. પરંતુ એ વાત પણ સદંતર ખોટી છે કે અમે અચાનક જ ઉતાવળે લગ્ન કરી લીધાં હતાં.
આનું કારણ આપતાં સિધ્ધાંતે કહ્યું હતું કે અમે અમારા વેડિંગ રિસેપ્શનના થોડાં ફોટા જાહેર કર્યાં હતાં. પરંતુ અમે સોશ્યલ મીડિયા પર તેના વિશે વધારે પડતો ઉત્સાહ બતાવવા નહોતા ઇચ્છતા. જો તમે સોશ્યલ મીડિયા પર બધું જ મૂકતાં રહો તો લો નેટિઝનોના પ્રતિભાવ પણ એટલા જ મોટા પ્રમાણમાં આવે. ત્યાર પછી જે તે પ્રશંગની ખરી મઝા ન રહે. વળી પાપારાઝી કલ્ચરમાં કોઈપણ વાત ખાનગી રાખવી ખાસ્સી મુશ્કેલ છે. સિધ્ધાંતની વાતમાં સાથ પુરાવતી હોય તેમ સુરભિએ કહ્યું હતું કે મારા અને સિધ્ધાંતના ભાઈ-બહેનોના લગ્ન ધામધૂમથી થયાં હતાં. પરંતુ અમને એમ લાગ્યું હતું કે પાપારાઝી કલ્ચર અને સોશ્યલ મીડિયાના જમાનામાં લગ્ન પણ જાણે કે હેશટેગ અને રીલ્સ માટે થતાં હોય એવો તાલ સર્જાયો છે. તેના સિવાય નવયુગલ અને તેના પરિવારજનો કરતાં લગ્નમાં કોણ કોણ ઉપસ્થિતિ રહ્યું હતું તેની વાતો વધુ થતી હોય છે. તેથી અમે ઈરાદાપૂર્વક અમારા વિવાહ વિશે ઝાઝી હોહા નહોતી કરી. અમને એમ લાગે છે કે અમારી ખુશી ખાનગી અને અર્થપૂર્ણ હોવી ઘટે.
સોનિયા બંસલ: જીવનનો અર્થ શો?
અભિનય ક્ષેત્ર બધાને જ અનુકૂળ આવે એવું તો નથી જ. 'બિગ બોઝ-૧૭' ફેમાં સોનિયા બંસલે પાંચ ફિલ્મોમાં અભિનય કર્યા પછી અભિનયને તિલાંજલિ આપી દીધી છે. તેનો આ નિર્ણય ઘણાને આશ્ચર્ય અપાવે એવો છે, પણ તેણે જે વાત કરી- વિચારો રજૂ કર્યા એ જરૂર વિચારપ્રેરક છે.
આ સંદર્ભે સોનિયા બંસલે જણાવ્યું, 'જ્યારે મારી પાસે કામ અને નાણાં છે ત્યારે તેના જીવનમાં શાંતિનો અભાવ હતો અને તે હવે જીવન-કોચ બનવા અને લોકોને માર્ગદર્શન આપવા માગે છે.'
એક વાતચીતમાં સોનિયાએ જણાવ્યું, 'આપણે બીજાઓ-અન્યો માટે બધુ કરવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે આપણે પોતાને જ ભૂલી જઈએ છીએ. મને સમજાયું કે મને હવે મારો સાચો હેતું શું છે, એ ખબર નથી. સંપૂર્ણ બનવાની, સુસંગત રહેવાની અને વધુ કમાવવાની આ દોડમાં મેં મારી જાતને ગુમાવી દીધી છે. પૈસા, ખ્યાતિ અને લોકપ્રિયતા વગેરે તો મારી સાથે બધુ જ હતું, પરંતુ મારી પાસે જે નહોતું તે તો શાંતિ હતી અને જો તમને શાંતિ નહીં મળે તો તમે નાણાંનું શું કરશો? તમારી પાસે બહાર કંઈ હશે, પણ જો તમે અંદરથી સાવ ખોખલા હો, નિરાશ હો તો તે જીવનનો અત્યંત અંધકારમય સ્થળ-સમય છે.'