Get The App

TV TALK .

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

છેવટે જય-માહી વિખૂટાં પડયાં

જય ભાનુસાલી અને માહી વિજના લગ્નજીવન પર મુકાયું પૂર્ણવિરામ

અંતે, ટીવી-કલાકાર જય ભાનુસાલી અને માહી વિજે અલગ થઈ ગયા છે, એવી જાહેરાત કરી દીધી છે અને એ સાથે જ તેમની લાંબા સમયથી ચાલી રહેલી છૂટાછેડાની અફવાનો અંત આવ્યો છે અને ૧૫ વર્ષના લગ્નજીવન પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આ દંપતિએ થોડા દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર તેમનું સંયુક્ત નિવેદન શેર કર્યું છે, જેમાં અલગ માર્ગો પર આગળ વધતા અને ગોપનીયતા તથા સમજણના માર્ગે જવાની વાતનો સમાવેશ થાય છે.

એક સત્તાવાર નોંધમાં જય અને માહીએ જણાવ્યું હતું કે તેમણે બંનેએ એકબીજાને સહકાર આપવાનું ચાલુ રાખીને જીવન નામની સફર પર અલગ થવાનું પસંદ કર્યું છે. આ નિર્ણય અત્યંત સમજ અને સૌહાર્દપૂર્ણ રીતે લેવામાં આવ્યો છે. આ સાથે જ આ વાત પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે શાંતિ, વિકાસ, દયા અને માનવતા હમેશાં અમારા માર્ગદર્શક મૂલ્યો રહ્યા છે.

આ દંપતિએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે અમારા બાળકો અમારા ટોચની પ્રાથમિકતા રહે છે. અમારા બાળકો તારા, ખુશી અને રાજવીર માટે અમે શ્રેષ્ઠ માતાપિતા, શ્રેષ્ઠ મિત્રો બનવા માટે પ્રતિબધ્ધ છીએ અને તેમના માટે જે યોગ્ય છે તે બધુ જ કરીશું.

તેમણે દર્શકો-ચાહકોને એવી ખાતરી આપી હતી કે અમે અલગ થયા છે છતાં અમે બંને પ્રેમ અને જવાબદારી સાથે સહ-માતાપિતા બનવાનું યથાવત્ રાખીશું.

અટકળો અને અફવા અંગે જય અને માહીએ સ્પષ્ટતા કરી હતી કે અમારા નિર્ણય સાથે કોઈ નકારાત્મકતા સંકળાયેલી નથી. જો કે અમે બંને અલગ-અલગ માર્ગો પર ચાલીએ છીએ, આ વાર્તામાં કોઈ ખલનાયક નથી. તેમણે એમ પણ લખ્યું હતું કે લોકોએ તારણ પર ન પહોંચવું એવી અમારી વિનંતી છે. આ સાથે જ આ બંને કલાકારોએ વધુમાં જણાવ્યું હતું કે 'અમે સભાનપણે ડ્રામા અને સમજદારી કરતાં શાંતિને પસંદ કરી છે.'

આ નોંધ પરથી જય ભાનુસાલી અને માહી વિજના પંદર વર્ષ લાંબા લગ્નજીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. 

રિંકુ ધવનને હવે સાથીની ખેવના નથી 

હાલના તબક્કે 'અનુપમા'માં જોવા મળી રહેલી અભિનેત્રી રિંકુ ધવન હવે તેના જીવનમાં બહુ ખુશ છે. તે પોતાના કામ અને અંગત પ્રાથમિકતાઓ સારી રીતે સંભાળી રહી છે. પોતાના પિતાને ગુમાવનારી રિંકુને છૂટાછેડા પછી આર્થિક અને ભાવનાત્મક ખોટનો સામનો કરવો પડયો હતો. પણ હવે તે શાંતિપૂર્વક જીવી રહી છે. અભિનેત્રી કહે છે કે સિંગલ મધર તરીકે પણ હું ખુશ છું. મનની શાંતિ માટે હું ભજન અને મંત્રો સાંભળુ છું. મંત્રોચ્ચાર અને મેડિટેશન મારા ચિત્તને શાંત-સ્થિર રાખે છે. અભિનેત્રી વધુમાં કહે છે કે અમારા સંતાનની વાત આવે ત્યારે હું અને મારો પૂર્વપતિ કિરણ કરમરકર એક થઈને તેના હિતમાં વિચારીએ છીએ. અમારો પુત્ર વારાફરતી બંનેના ઘરે આવન-જાવન કરે છે. રિંકુ ઉમેરે છે કે વર્ષ ૨૦૧૬માં હું અને મારો પતિ અલગ થયાં અને ૨૦૧૯માં અમને છૂટાછેડા મળ્યાં. આ સમય દરમિયાન મેં મારા જીવનમાં સકારાત્મકતા કેળવી. અલબત્ત, મારા જીવનમાં ચડાવ-ઉતાર આવ્યાં. પરંતુ મને તેનો કોઈ રંજ નથી. હું ઘણાં વર્ષથી એકલી રહેતી હોવાથી પેન્ટ પણ પહેરું છું. મારું જીવન સમગ્રપણે બદલાઈ ગયું છે. આજે મને એમ નથી લાગતું કે તમે પતિ અથવા બોયફ્રેન્ડ વિના ન જીવી શકો. ખરેખર તો તે સમય અને શક્તિની બરબાદી સમાન છે. તમે એકલા હો ત્યારે વધુ સુખી અને ખુશ રહી શકો. મને કોઈ સાથીની ખોટ નથી સાલતી. જો મારા નસીબમાં કોઈ લખાયું હશે તો તે આવશે, પણ મને તેની કોઈ ખેવના નથી.

નિકિતિન ધીર : હમારી અધૂરી કહાની

'મહાભારત' શ્રેણીમાં દાનવીર કર્ણની ભૂમિકા ભજવીને બેહિસાબ લોકપ્રિયતા હાંસલ કરનાર અભિનેતા પંકજ ધીર ભલે હવે આ દુનિયામાં નથી રહ્યાં. પરંતુ તેમના પુત્ર નિકિતિન માટે આ વસમો આઘાત ત્રણ મહિના પછી પણ નથી ઝીરવાઈ રહ્યો. તાજેતરમાં નિકિતિને પિતા સાથે વિતાવેલો સમય સંભારવા સાથે તેમનો સહિયારો ફોટો શેર કરતાં સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે કેટલીક કહાણીઓ અધૂરી રહી જાય છે, પણ સમયની એ ઘડીઓ ત્યાં જ થંભી જાય છે. તેણે વધુમાં લખ્યું હતું કે અમે બંને એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં હતાં, પરંતુ તે ક્યારેય પૂરી ન થઈ. હા, એક કલાકાર અને પુત્ર તરીકે મેં તેમની સાથે કામ કરતી વખતે થોડો સરસ સમય પસાર કર્યો હતો. આ ફિલ્મ વખતે પિતા-પુત્ર વેનિટી વાનમાં બેઠાં  હતાં ત્યારે પંકજ ધીરે પાડેલી તસવીરમાં જોવા મળી રહ્યું છે કે બંને કેટલાં ખુશ છે. બેઉના ચહેરા પર સ્મિત સમાતું નથી. અરીસા સામે બેઠેલાં પંકજ ધીર બંનેનો ફોટો પાડી રહ્યાં છે. આ તસવીર પિતા-પુત્રએ સાથે વિતાવેલી સ્નેહભરી ઘડીની ગવાહી પૂરે છે.