Get The App

TV TALK .

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

નૌશીન અલી સરદારે 'વસુધા' છોડી

અભિનેત્રી નૌશીન અલી સરદારે ધારાવાહિક 'વસુધા'માં એક વર્ષ સુધી કામ કર્યા પછી તેમાંથી વિદાય લઈ લેવાનો નિર્ણય કર્યો હતો, અને હવે તે આ શો છોડી ચૂકી છે. અદાકારા આ સીરિયલ છોડવાની હતી ત્યારે એવો ગણગણાટ થયો હતો કે તે સર્જનાત્મક મતભેદને પગલે 'વસુધા' છોડવા માગે છે. પરંતુ નૌશીને આ વાતને રદિયો આપતાં કહ્યું હતું કે હું પ્રોફેશનલ અભિનેત્રી છું. મેં શોના સર્જનાત્મક નિર્ણયોમાં ક્યારેય ચંચુપાત નથી કર્યો. વાસ્તવમાં કેટલીક સમસ્યાઓ હતી. મને એમ લાગતું હતું કે સમય સાથે તે ઉકેલાઈ જશે. પરંતુ એવું બન્યું નહીં તેથી મેં અને નિર્માણગૃહે છૂટાં પડવાનો માર્ગ ઊચિત માન્યો. આ નિર્ણય આપસી સમજદારીથી લેવામાં આવ્યો હતો. જોકે અદાકારાનો સેટ પરનો છેલ્લો દિવસ ભાવનાત્મક બની રહ્યો હતો. તેણે કહ્યું હતું કે ખરેખર તો મને તે વખતે ખબર જ નહોતી કે આજે સેટ પર મારો છેલ્લો દિવસ છે. મને એમ લાગતું હતું કે મારે હજી થોડાં દિવસ કામ કરવાનું છે. પરંતુ મારા સઘળાં દ્રશ્યોનું શૂટિંગ પૂરું થઈ ગયું ત્યારે મને અચાનક જ કહી દેવામાં આવ્યું કે આજે મારો છેલ્લો દિવસ છે. તે વખતે હું સેટ પરના મારા સાથી કલાકારો અને કસબીઓને આવજો કહેવા માનસિક રીતે બિલકુલ તૈયાર નહોતી. હું એકદમ લાગણીશીલ બની ગઈ હતી. હું આ શોની આખી ટીમ ખુશ રહે એવી કામના કરું છું. સેટ પરનો એક શ્વાન મને અતિપ્રિય છે. મને ચોક્કસપણે તેની ખોટ સાલશે. હા, મેં આ ધારાવાહહિક માટે એક વર્ષ સુધી કામ કર્યું ે સમય ખૂબ સારો રહ્યો. 'કુસુમ' સીરિયલથી ઘર ઘરમાં જાણીતી બનેલી નૌશીન હવે એક નાનો બ્રેક લેવા માગે છે. તે કહે છે કે હું થોડા દિવસ વિદેશ ફરી આવીશ. ત્યાર બાદ મને ફરી કામે વળગવું છે.

શિલ્પા શિરોડકર હવે ઓટીટી પર પણ

છેક વર્ષ ૨૦૧૩માં 'એક મુઠ્ઠી આસમાન'માં કામ કર્યા ગયા વર્ષે રીઆલિટી શો 'બિગ બૉસ-૧૮'માં દેખાયેલી અદાકારા શિલ્પા શિરોડકર હવે ઓટીટી પર આવવાની તૈયારી કરી રહી છે. અભિનેત્રી કહે છે કે ઓટીટી પર સારી સારી કહાણીઓ અને કોન્સેપ્ટસનો ધોધ વહે છે. સ્વાભાવિક રીતે જ તેમાં દરેક ઉંમરના કલાકારોને કામ કરવાની બહોળી તક સાંપડે છે. 'શંકર- ધ રીવોલ્યુશનરી મેન' દ્વારા ઓટીટી પર ડેબ્યુ કરનાર ૫૧ વર્ષીય શિલ્પા વધુમાં કહે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં મારી વયની અભિનેત્રીઓ માટે પણ શક્તિશાળી, ભાવનાત્મક પાત્રોની કમી નથી. મને પણ મુખ્ય પાત્રો પાછળ ભાગવાને બદલે શક્તિશાળી રોલ કરવાનું વધુ ગમે છે. મારા મતે હીરો-હીરોઈનનો કોન્સેપ્ટ હવે પુરાણો થઈ ગયો છે. અહીં એ વાતની નોંધ પણ લેવી રહી કે ઓટીટી પર ડેબ્યુ કરવા ઉપરાંત શિલ્પા લાંબા વર્ષો પછી તેલુગુ સિનેમામાં પણ વાપસી કરી રહી છે. તેણે છેક વર્ષ ૧૯૯૨માં 'બ્રહ્મા'માં કામ કર્યું હતું. પ્રાદેશિક ફિલ્મોમાં પરત ફરવાના પોતાના નિર્ણય બદલ અભિનેત્રી કહે છે કે મને તેમાં શક્તિશાળી ભૂમિકા મળી રહી હતી. વળી આજની તારીખમાં મોટાભાગની ફિલ્મો સમગ્ર દેશના દર્શકો જોઈ-સમજી શકે એ રીતે બનાવવામાં આવે છે, ભાષાઓના વાડા મોટાભાગે ઝાંખા પડી ગયા છે. એટલું જ નહીં, ઓટીટી પ્રોજેક્ટ્સ વિશ્વભરમાં પહોંચી રહ્યાં છે. આવી સ્થિતિમાં ક્યો કલાકાર દુનિયાભરમાં ખ્યાતિ મેળવવાનું પસંદ ન કરે? શિલ્પાને એ વાતની ખુશી છે કે તેની ફિલ્મ સિનેગૃહોમાં રજૂ થવાની છે. તે કહે છે કે મોટા પડદા પર ફિલ્મ જોવાની મઝા જ કાંઈક ઓર હોય. અલબત્ત, હું પણ ઓટીટી પર પુષ્કળ કન્ટેન્ટ જોઉઁ છું. આમ છતાં સિનેમાઘરમાં ફિલ્મ જોવાનો આનંદ અનોખો હોવાનો.

દેવોલીનાએ આપ્યો કડક મિજાજનો પરચો

પોતાના સાત મહિનાના પુત્ર 'જૉય'ને ટ્રોલ કરનાર નેટિઝનોને પોતાના કડક મિજાજનો પરચો બતાવતી હોય તેમ અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારજીએ તેમના વિરૂધ્ધ કાનૂની પગલાં લીધાં હ તાં. વાસ્તવમાં સંખ્યાબંધ નેટિઝનોએ અભિનેત્રીના સાત મહિનાના દીકરાને તેની ત્વચાના વર્ણ બદલ ટ્રોલ કર્યો હતો. તેમની આવી હરકત પર ખફા થયેલી દેવોલીનાએ સાઇબર પોલીસને તેમના સ્ક્રીનશોટ્સ ્ને તેમના અકાઉન્ટની વિગતો મોકલી આપવા સાથે તેમની સામે ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે તેમની સામે એવા પગલાં લેવા જોઈએ જેને માટે તેઓ લાયક છે. એક સાત મહિનાના બાળકને તેની ત્વચાના વર્ણ માટે વગોવવામાં આવે તેનાથી વધુ હીણપતભર્યું કૃત્ય બીજું ક્યું હોઈ શકે? સાઇબર પોલીસે પણ દેવોલીનાની ફરિયાદ સામે ત્વરિત પગલાં ભર્યાં હતાં. અદાકારાએ આ સઘળી માહિતી તેના ઇન્સ્ટાગ્રામ હેંડલ પર મૂકી હતી. પોલીસ તરફથી ત્વરિત પ્રતિસાદ મળ્યા પછી દેવોલીનાએ તેની બીજી પોસ્ટમાં જણાવ્યું હતું કે રાણા નામની એક વ્યક્તિ સહિત અનેક લોકોએ તેમના અકાઉન્ટ ડિલિટ કરી નાખ્યાં હતાં. તેણે અન્ય ટ્રોલરોને પણ ચેતવણી આપતાં કહ્યું હતું કે તમારે વારો પણ આવશે. તમે પણ ભાગી ભાગીને ક્યાં સુધી ભાગશો? અભિનેત્રીએ જે ટ્રોલરનું અકાઉન્ટ શોધવામાં સાઇબર પોલીસ સફળ રહી  હતી અને સંબંધિત ટ્રોલરે માફી માગી હતી તેનો સ્ક્રીનશૉટ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ હેંડલ પર મૂક્યો હતો. તે ભારતીય સાઇબર પોલીસનો આભાર માનવાનું પણ નહોતી ચૂકી.