Get The App

TV TALK .

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

નાગિન ફેમ સુરભિ જ્યોતિ જુનમાં સારા સમાચાર આપશે  

ટીવીની દુનિયામાંથી એક સારા સમાચાર આવી રહ્યા છે. નાગિન ફેમ હિરોઇન સુરભિ જ્યોતિએ તેને સારા દિવસો જઇ રહ્યા હોવાની જાહેરાત કરી છે. કૂબૂલ હૈ શ્રેણીમાં ઝોયાની ભૂમિકા ભજવનારી સુરભિએ પોતે પ્રેગનન્ટ હોવાની જાહેરાત ઇન્સ્ટા પર કરી છે. સુરભિ જ્યોતિએ ઓક્ટોબર ૨૦૨૪માં અભિનેતા સુમિત સુરી સાથે લગ્ન કર્યા હતા. સુરભિએ ઇન્સ્ટા પર એક સરસ ફોટો મુકી પોતાની પ્રેગનન્સીના સમાચાર ચાહકો સાથે શેર કર્યાં છે. આ તસવીરમાં સુરભિ અને તેના પતિ સુમિતના પગ નજરે ચડે છે અને તેમના પગની વચ્ચે નાનકડાં સફેદ રંગના જૂતાં મુકવામાં આવ્યા છે. સુરભિએ તસવીરની નીચે જણાવ્યું છે કે અમારું સૌથી મોટું સાહસ શરૂ થઇ રહ્યું છે. સુરભિના બાળકનું આગમન જુન મહિનામાં થશે. સુરભિ તેની પોસ્ટમાં નજર ઉતારનારું ઇમોજી મુકવાનું અને ઓમ લખવાનું પણ ચૂકી નથી. તેની આ પોસ્ટ પર ચાહકો જાતજાતના પ્રતિભાવો આપી રહ્યાં છે. 

લગ્નનાં બે વર્ષમાં જ દિવ્યા અગરવાલ પતિથી અલગ રહેવા માંડી...

ટીવી પર ખણખોદ કરવાની પ્રવૃત્તિના અનેક ઉપયોગ થાય છે. હાલ ધ ૫૦ નામના શોમાં એક તાજા એપિસોડમાં ટાસ્ક દરમ્યાન એક રહસ્ય બહાર આવ્યું હતું. ભવ્યા સિંહે દાવો કર્યો હતો કે દિવ્યા અગરવાલ તેના પતિ અપૂર્વ પિલગાંવકરથી અલગ રહે છે. ટીવી શોમાં બૈલ એન્ડ બુદ્ધિ નામનો ટાસ્ક  કરવાનું સ્પર્ધકોને જણાવવામાં આવ્યું હતું. આ ટાસ્ક દિવ્યા અગરવાલે અર્ચના ગૌતમ અને ભવ્યા સિંહ સાથે કરવાનો હતો. ટાસ્ક દરમ્યાન ભવ્યા અને દિવ્યા વચ્ચે તુતુ મૈંમૈં શરૂ થઇ ગઇ હતી. જેમાં ભવ્યાએ બીગ બોસ ઓટીટી પર કામ કરી ચૂકેલી દિવ્યાને ગોલ્ડ ડિગર ગણાવી દીધી હતી. સામાન્ય રીતે લગ્ન કરી પતિની સંપત્તિને હડપ કરી જવાના કારસામાં પારંગત આધુનિક નારીને ઇંગ્લીશમાં ગોલ્ડ ડિગર કહેવામાં આવે છે.મજાની વાત એ છે કે દિવ્યા અગરવાલે માત્ર બે વર્ષ અગાઉ જ અપૂર્વ પિલગાંવકર સાથે લગ્ન કર્યાં છે જો તે ખરેખર તેના પતિથી અલગ રહેતી હોય તો મામલો ગંભીર ગણાય. 

ટીવી એકટ્રેસ કૃતિકા કામરા ક્રિકેટ પ્રેઝન્ટેટર ગૌરવ કપૂર સાથે ફેરા ફરવાની છે?  

ટીવી એક્ટ્રેસ કૃત્તિકા કામરાએ ગૌરવ કપૂર સાથે પોતે ડેટ કરી રહી હોવાનું જાહેર કરતાં બંનેના ચાહકો ખુશીના માર્યા ઉછળી પડયા છે. ક્રિકેટ પ્રેઝન્ટેટર ગૌરવ કપૂર અને ટીવીની જાણીતી એકટ્રેસ કૃત્તિકા વચ્ચે રિલેશન હોવાની વાતો તો લાંબા સમયથી ચાલી રહી હતી. પણ હવે કૃત્તિકાએ આ સંબંધને મહોર મારતાં બંને ટૂંક સમયમાં ફેરાં પણ ફરી લે તેવી શક્યતાઓ જણાવાઇ રહી છે. કૃતિકા અને ગૌરવ તેમના સંબંધને નવા મુકામે પહોંચાડવા માટે આતુર છે. બંને જણાં આગામી બે મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે તેવી જોરદાર અટકળો ચાલી રહી છે. થોડા સમય અગાઉ જ બંને વચ્ચે સંબંધો હોવાનું જાહેર થયું હતું પણ કૃત્તિકાએ પોતે ગૌરવને ડેટ કરી રહી હોવાનું જણાવ્યું તે પછી બંને તેમના સંબંધોને લઇને ગંભીર બની ગયા હોવાનું મનાય છે. ટૂંક સમયમાં કૃતિકા-ગૌરવના લગ્નની શહેનાઇ વાગે તો નવાઇ નહીં.

'ધ ૫૦'માંથી નિક્કી તંબોલી આઉટ?

બીગ બોસમાં પોતાની ધાક જમાવનારી નિક્કી પાસે ધ ૫૦ શોમાં ઘણી આશાઓ હતી. શોના પ્રથમ એપિસોડમાં જ નિક્કીએ પોતાની હાજરી નોંધાવી હતી. કોઇના સાથે પંગો લેવાનો હોય કે પોતાની વાત બેધડક કહેવાની હોય નિક્કીએ હમેંશા આત્મવિશ્વાસથી પોતાની વાત રજૂ કરી હતી. ઘણાંને તો ધ ૫૦ શોમાં નિક્કી વિનર બને તેવી શક્યતાઓ પણ દેખાઇ હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર નિક્કી ધ ૫૦માંથી આઉટ થઇ ચૂકી છે. આ હાઇ પ્રોફાઇલ ગેમમાંથી નિક્કીનું પત્તુ કપાઇ જશે તો તેના ચાહકોને નિરાશ થવાનો વારો આવશે.