Get The App

TV TALK .

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' 5,000 એપિસોડને આંબી ગઈ

તાજેતરમાં 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ધારાવાહિકે ૫૦૦૦ એપિસોડ પૂરાં કરવાનો ઈતિહાસ રચ્યો. યોગાનુયોગે તે દિવસે જ આ શોના સર્જક રાજન સાહીનો જન્મ દિન પણ હતો તેથી ધારાવાહિકના કલાકાર-કસબીઓ અને રાજનના કુટુંબીજનોનો આનંદ ચરમસીમાએ હતો. છેક ૨૦૦૯માં શરૂ થયેલા આ શો માટે તેના સર્જકે કહ્યું હતું કે આ સીરિયલ મારા માટે ઈશ્વરના આશિર્વાદ સમાન છે. તેણે વધુમાં કહ્યું હતું કે એક જ શોને આટલા લાંબા સમય સુધી ચલાવવા પાછળ સમગ્ર ટીમનું કૌવત અને પરિશ્રમ ખપ લાગ્યાં છે. આમ છતાં અમને બધાને એમ લાગે છે કે આ શ્રેણી અમને ઈશ્વરે ભેટ આપી છે. મહત્વની વાત એ છે કે ટ્રેન્ડ બદલ્યા વિના પણ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ટીઆરપીમાં ટોચ પર રહી છે. આ તબક્કે તેમણે ઉદય શંકર પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમણે મારી ક્ષમતા પિછાણીને મને 'બિદાઈ'નું નિર્માણ કરવાની સૌપ્રથમ તક આપી. ત્યારથી લઈને આજદિન સુધી તેઓ અડીખમ બનીને મારી પડખે રહ્યાં છે. આ શો તેમણે મારામાં મૂકેલા વિશ્વાસની ફળશ્રુતિ છે.

શ્રેણુ પરીખે બે વર્ષના બ્રેકમાં સંતુલન પાછું મેળવ્યું

અભિનેત્રી શ્રેણુ પરીખે ગાથા શિવ-પાર્વતી કી- ગણેશ- કાર્તિકેયમાં કામ કર્યા પછી લગભગ બે વર્ષનો બ્રેક લીધો અને હવે એ ટેલિવિઝન પર પાછી ફરી રહી છે. શ્રેણુ કહે છે, મારો પહેલો પૌરાણિક શો પડકારજનક હોવા છતાં પણ આનંદપ્રદ રહ્યો છે. છેલ્લે મૈત્રી (૨૦૧૩)માં જોવા મળેલી શ્રેણુ પરીખ કહે છે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું સ્ક્રીન પર દેવી પાર્વતીની ભૂમિકા ભજવીશ. મને લાગે છે કે આ તો માતાની ઇચ્છા હતી. મને સમજાયું છે કે સ્ક્રીન પર દેવી દેવતાની ભૂમિકા ભજવવી સરળ નથી.

મેં થોડા સમય માટે સોશિયલ મીડિયા છોડી દીધું હતું અને ભૂમિકા માટે શુધ્ધ હિન્દી શીખવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું.

અભિનેતા અક્ષય મ્હાત્રે સાથેના લગ્ન પછી બે વર્ષનો વિરામ લેવા વિશે વધુમાં જણાવતા શ્રેણુએ જણાવ્યું, હું મારા લગ્નના બે મહિના પહેલા સુધી સતત કામ કર્યા પછી મને લાગ્યું કે મને વિરામની જરૂર છે. હું પાકી ગઈ હતી અને મારા વૈવાહિક જીવનનો આનંદ માણવા માગતી હતી. કાળજી લેવા જેવી નાની-નાની બાબતો ઘર, રસોઈ અને પરિવાર સાથે તહેવારોની ઉજવણીનો અનુભવ મને ખૂબ જ આનંદ આપે છે. આ વિરામથી મને એ પણ ખ્યાલ આવ્યો કે મારા સ્વપ્નનો પીછો કરતી વખતે, હું મારા અંગત અને વ્યાવસાયિક જીવનને સંતુલિત ન કરવા બદલ દોષિત છું. તેથી હું ખાતરી કરીશ કે હવેથી હું તે સંતુલન જાળવીશ અને મારા પ્રિયજનો સાથે વધુ સમય વિતાવિશ, એમ શ્રેણુ પરીખે જણાવ્યું હતું.

આ સાથે જ શ્રેણુએ એમ પણ જણાવ્યું હતું કે આજે પણ અમે- હું અને અક્ષય દરરોજના અમારા કામકાજની ચર્ચા કરીએ છીએ અને અમારા એપિસોડ પણ સાથે જોઈએ છીએ. અમે પ્રતિસાદ શેર કરીએ છીએ અને તે મને એક કલાકાર તરીકે સુધરવામાં મદદ કરે છે.

અંચિત કૌરે ઇન્સ્ટા પર કામની અરજ કરી!

'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી', 'કહાની ઘર ઘર કી' અને 'જમાઈ રાજા' જેવી લોકપ્રિય સીરિયલોનો હિસ્સો બનેલી અભિનેત્રી અંચિત કૌરે હજુ બે દિવસ પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો મેસેજ શેર કર્યો, જેમાં તેણે નિખાલસપણે નવા કામની તકો માટે વાત કરી છે અને એ સાથે જ તેણે નેટિઝન્સને આશ્ચર્યમાં મુકી દીધા.

તેણે 'ઓન લુક આઉટ ફોર ન્યૂ વર્ક' શિર્ષક ધરાવતા વીડિયોમાં આ ૫૪ વર્ષની અભિનેત્રીએ કહ્યું, 'હું એક અભિનેત્રી છું અને ડબિંગ માટે અવાજ પણ આપું છું. મને વિવિધ પ્લેટફોર્મ પર આ કામગીરી કરવાનો ઘણો અનુભવ પણ છે અને અત્યારે હું ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવા તૈયાર છું.' આ સાથે જ અંચિત કૌરે વધુમાં જણાવ્યું કે 'હું ટૂંકી ફિલ્મો, સીરિયલ, ડબિંગ આર્ટિસ્ટ જેવા કામમાં સહયોગ આપવા તૈયાર છું. આ માટે મારી ટીમનો સંપર્ક કરી માહિતી પ્રદાન કરી શકો છો. મૂળભૂત રીતે તો હું કોઈ પણ સર્જનાત્મક કાર્ય માટે મારું સર્વસ્વ આપવા તૈયાર છું.'

આ વીડિયો સાથે તેણે કેપ્શનમાં લખ્યું : એક અભિનેત્રી તરીકે મેં મારા જીવનમાં અનેક ચડતી અને પડતી નિહાળી છે... અને હવે હું આગળ શું છે તે માટે તૈયાર છું. જો મારું કાર્ય તમારા વિઝન સાથે પડઘો પાડે છે તો મને તમને સહયોગ કરવાનું ગમશે. ચાલો, સાથે મળીને કંઈક શક્તિશાળી, મજબૂત બનાવીએ.

અંચિત કૌરની અંગત બાબતની વાત કરીએ તો તેણે અભિનેતા મોહન કપૂર સાથે લગ્ન કર્યા હતા અને ૧૯ વર્ષ લાંબા ગાળાનું લગ્નજીવન વ્યતિત કર્યું હતું. આ પછી તેઓ બંને અલગ થઈ ગયા હતા. એ તેના ૩૦ વર્ષના સંતાનની સિંગલ માતા છે. અગાઉ તેણે અત્યંત વ્યસ્ત કારકિર્દી અને માતૃત્વ વચ્ચે સંતુલન કેમ જાળવવું એ અંગે ઇન્ટરવ્યૂઝ પણ આપ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ તો એ ભારત અને વિદેશમાં સમય વ્યતીત કરી રહી છે.