ઈશિતા દત્તા: માતૃત્વનો બેવડો અનુભવ
જૂન મહિનામાં અભિનેત્રી ઈશિતા દત્તાએ પુત્રી 'વેદા'ને જન્મ આપ્યો ત્યારથી તેની રોજિંદી ઘટમાળમાં વધુ એક વખત સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. બે વર્ષ પહેલા પુત્ર વાયુની માતા બનેલી ઇશિતા બીજી વખત મમ્મી બન્યા પછી કહે છે કે મારાં બંને સંતાનોના જન્મ પછી મને સ્તનપાન બાબતે થયેલો અનુભવ તદ્દન વેગળો છે. મારો દીકરો અવતર્યો ત્યાર પછી તેને સ્તનપાન કરાવવામાં મને મુશ્કેલી નડી હતી. હું તેને માંડ છ મહિના સ્તનપાન કરાવી શકી હતી. વાયુ છ મહિનાનો થયો ત્યાર પછી મેં તેને ફોર્મ્યુલા મિલ્ક આપવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ વેદાને હું સારી રીતે સ્તનપાન કરાવી રહી છું. એટલે સુધી કે તેનું પેટ ભરાઈ જાય ત્યાર પછી વધારાનું દૂધ હું હોસ્પિટલોમાં દાન પણ કરી રહી છું. અભિનેત્રી વધુમાં કહે છે કે સ્તનપાન આપણા દેશમાં સંવેદનશીલ મુદ્દો છે. એ વાતમાં બે મત નથી કે નવજાત શિશુ માટે માતાનું દૂધ જ શ્રેષ્ઠ ગણાય. પરંતુ જો નવી માતા બનેલી કોઈ મહિલાને પૂરતું દૂધ ન આવતું હોય તો તેણે ઝાઝો વિચાર કર્યા વિના ફોર્મ્યુલા મિલ્ક આપીને પોતાના શિશુની ક્ષુધા શાંત કરવી જોઈએ. અને આ બાબતે અન્ય કોઈએ તેની સામે આંગળી ન ચીંધવી જોઈએ કે કાનાફુસી ન કરવી જોઈએ. ઈશિતા ઉમેરે છે કે આપણા સમાજમાં આજે પણ જાહેરમાં સ્તનપાન કરાવવું શરમ-સંકોચનો વિષય છે. લોકો આજે પણ સ્ત્રીના શરીરને માત્ર સેક્સની દ્રષ્ટિએ જુએ છે. આવી સ્થિતિમાં તે ચાહે તોય ઘરની બહાર હોય ત્યારે શિશુને સ્તનપાન કરાવતાં સંકોચ અનુભવે છે. જોકે હવે આ વિષય બાબતે ઘણી સેલિબ્રિટીઓ જાહેરમાં બોલવા લાગી હોવાથી પરિસ્થિતિ અગાઉની તુલનામાં ઘણી સુધરી છે. આમ છતાં મોટાભાગની મહિલાઓ લોકોની મેલી નજરથી બચવા પોતાના શિશુને કોઈપણ સ્થળે સ્તનપાન કરાવતાં સંકોચ અનુભવે છે. ૩૪ વર્ષીય અદાકારા એમ કહેવાનું પણ નથી ચૂકતી કે આપણી માતાઓ તો જાહેર સ્થળે શિશુને સ્તનપાન કરાવવાની કલ્પના પણ નહોતી કરી શકતી. મેં સ્તનપાન બાબતે મારા શિરે ક્યારેય કોઈ ભારણ નથી રાખ્યું. વાયુને હું પૂરતું દૂધ નહોતી આપી શકતી તો મેં 'લોકો શું કહેશે?'નો વિચાર કર્યા વિના તેને ફોર્મ્યુલા મિલ્ક આપવાનું શરૂ કરી દીધું હતું.
મેરી ભવ્ય લાઈફનું બાળમરણ
'મેરી ભવ્ય લાઈફ' ચાલુ રાખવામાં આવશે કે તેનો વીંટો વાળી દેવામાં આવસે એવી ચર્ચાઓનો હવે અંત આવી ગયો છે. અભિનેતા કરણ વોહરાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી આ ધારાવાહિક પર પડદો પાડી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં આ શોને ટીઆરપીના ફાંફાં પડી ગયા હતા તેથી આ સીરિયલના સર્જકોએ શો ઓફ એર કરવાનો નિર્ણય લીધો હતો. કરણે કહ્યું હતું કે તમે જે શો સાથે પ્રારંભથી સંકળાયેલા હો તેનું બાળમરણ થાય ત્યારે તમને દુ:ખ તો થવાનું જ. જ્યારે તમે કોઈ શો હાથ ધરો ત્યારે તેની સાથે તમે ભાવનાત્મક રીતે જોડાઈ જાઓ. પરંતુ મને એમ કહેવામાં કોઈ સંકોચ નથી થતો કે હવે હું આ પ્રથાથી ટેવાઈ ગયો છું. અત્યાર સુધી સંખ્યાબંધ શો બે-ચાર મહિનામાં સમાપ્ત કરી દેવામાં આવ્યાં છે. જ્યારે અગાઉની સીરિયલો વર્ષો સુધી ચાલતી. જોકે કરણને લાગે છે કે આ સીરિયલનું વિષયવસ્તુ અલગ પ્રકારનું હતું તેથી તેને પ્રતિસાદ ન મળ્યો. તે કહે છે કે હવે મહાનગરોમાં ટીવી સીરિયલો જોનારાઓની સંખ્યા ઘટતી જાય છે. તેના મોટાભાગના દર્શકો નાના નગરો અને અંતરિયાળ વિસ્તારોના છે. અને તેઓ પરંપરાગત વિષયવસ્તુ ધરાવતી ધારાવાહિકો જોવાનું જ પસંદ કરે છે. તેમને હટકે વિષય જોવામાં રસ નથી પડતો. કદાચ આ કારણે જ 'મેરી ભવ્ય લાઈફ'ને ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. 'ઝિંદગી કી મહક', 'કૃષ્ણા ચલી લંડન' જેવા શોમાં કામ કરનાર આ અભિનેતા હાલના તબક્કે થોડો બ્રેક લીધા પછી નવું કામ હાથ ધરવા ઇચ્છે છે. તે કહે છે કે જો આ રીતે જ ધારાવાહિકો પર પડદા પડતાં રહે તો એકાદ વર્ષમાં જ મને જુદાં જુદાં પ્રકારના રોલ કરવા મળી જાય.
વિવિયન ડીસેના: જબરદસ્ત પ્રોજેક્ટની તલાશ
છેલ્લો વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બૉસ-૧૮' માં જોવા મળેલો અભિનેતા વિવિયન ડીસેના એક્ટર-પ્રોડયુસર યુગલ રવિ દુબે અને સરગુન મહેતાના સહયોગમાં ટીવી પર પરત ફરી રહ્યો હોવાની વાતો વહેતી થઈ છે. વિવિયને પણ આ વાતનો આડકતરો સ્વીકાર કર્યો છે, પણ સંમતિ નથી આપી. અભિનેતાએ કહ્યું હતું કે હું પણ સારા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યો છું. હું એવા પ્રયાસોમાં છું કે ટીવી અથવા ઓટીટી પર કાંઈક જબરદસ્ત મળે. મને અર્થપૂર્ણ વાપસી કરવી છે જેથી દર્શકો તે મનભરીને માણી શકે. હું જાણું છું કે તેઓ મને ફરીથી જોવા ઇચ્છે છે. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે હું રવિને અવારનવાર મળું છું તેથી એવો ગણગણાટ થઈ રહ્યો છે કે હું તેમની સાથે કામ કરવાનો છું. અને હું આ વાતનો ઇનકાર પણ નથી કરતો. પરંતુ હજી કાંઈ સુનિશ્ચિત નથી થયું. હજી ઘણી બેઠકો અને વર્ણન બાકી છે. અભિનેતા ટીવીની વર્તમાન સ્થિતિ વિશે કહે છે કે કંઈકેટલાય સો બે-ત્રણ મહિનામાં જ ઓફ એર કરી દેવા પડે છે. મારો છેલ્લો શો 'સિર્ફ તુમ' ૧૧ મહિના ચાલ્યો હતો. મારા મતે કન્ટેન્ટ અને કલાકારો હાથમાં હાથ પરોવીને ચાલતાં હોય ત્યારે જ શોને બહોળો પ્રતિસાદ મળે. તમે નવોદિતો પાસેથી અનુભવી કલાકારો જેવા કામની અપેક્ષા ન રાખી શકો. મંજાયેલા કલાકારોને મહેનતાણું વધુ આપવું પડે એ વાત સાચી. પરંતુ તેઓ શોને ચોક્કસ મુકામ સુધી લઈ જવામાં મહત્વનું યોગદાન આપે એ વાતમાં પણ બે મત નથી. બાકી કોઈપણ ઇન્ડસ્ટ્રીની જેમ જ ટીવી ઇન્ડસ્ટ્રીને પણ આરોહ-અવરોહમાંથી પસાર થવું પડે તેમાં કોઈ આશ્ચર્ય નથી.


