સીમારેખા ભૂંસી રહ્યાં છે ટીવી શોઝ?
ઘરમાં ટીવી ચાલુ હોય તે વખતે પરિવારના બધા સભ્યો ટચૂકડા પડદા સામે ગોઠવાયેલા જ હોય એ જરૂરી નથી. પરંતુ આ પડદા પર ઘરમાં રહેલા આબાલવૃધ્ધોની પણ નજર પડે તે સ્વાભાવિક છે. આ કારણે જ ટીવી પર આવતી ધારાવાહિકોમાં ચોક્કસ મર્યાદા જાળવી રાખવાનો શિરસ્તો ચાલ્યો આવે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ સીમારેખા ઝાંખી થવા લાગી છે. થોડા દિવસ પહેલાની જ વાત કરીએ તો 'રિમઝિમ ઃ છોટી ઉંમર બડા સફર'ના એક એપિસોડમાં શોની મુખ્ય જોડી 'સમીર' (અભિનેતા હિમાંશુ અવસ્થી) અને 'રિમઝિમ' (અભિનેત્રી યાશિકા શર્મા)ને અત્યંત નિકટ બતાવવામાં આવ્યાં હતાં. આ એપિસોડના એક દ્રશ્યમાં હિમાંશુ પોતાની શેરવાની ઉતારીને યાશિકાને પોતાની નિકટ ખેંચે છે. પણ તેનું ખુલ્લું બ્લાઉઝ જોઈને તેને પોતાની શેરવાની પહેરાવી દે છે. સોશ્યિલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થતાં જ હોબાળો મચી ગયો. નેટિઝનોએ ટીવી ધારાવાહિક પર દર્શાવવામાં આવેલા આવા દ્રશ્યને એકી સ્વરે વખોડી કાઢ્યું. એટલું જ નહીં, તેમણે માત્ર ૧૫થી ૧૬ વર્ષની અભિનેત્રી પાસેથી કરાવવામાં આવેલા 'અંતરંગ' કહી શકાય એવા સીન સામે સખત નારાજગી જાહેર કરી. તેમના મતે કોઈપણ કિશોર વયની યુવતી પાસેથી આ પ્રકારનું દ્રશ્ય શી રીતે કરાવી શકાય? અને તે પણ ૨૪ વર્ષના અભિનેતા સાથે. શું સીરિયલ સર્જકો ટીઆરપીની લ્હાયમાં ભાન ભૂલી ગયાં છે. તેઓ આ રીતે તરૂણાવસ્થામાં રહેલી યુવતી અને ૨૪ વર્ષના યુવકના રોમાંસને સામાન્ય ગણાવી રહ્યાં છે જે ઈન્ડસ્ટ્રી ઈમેજ પણ બગાડે છે. તેમણે આ દ્રશ્યને 'પહરેદાર પિયા કી'ના સીન સાથ સરખાવ્યું હતું જેમાં રોમાંસના નામે મોટો વયભેદ ધરાવતી જોડી બતાવવામાં આવી હતી. નેટિઝનોએ યાશિકાના માતાપિતાને આવા દ્રશ્ય સામે વાંધો લેવાની ભલામણ કરી હતી.
કરણ વાહીનો નેટિઝનોને ટૂંકોટચ જવાબ
એ વાત સર્વવિદિત છે કે કરણ વાહી અને જેનીફર વિંગેટ બહુ સારા મિત્રો છે. પરંતુ થોડા સમય પહેલા અચાનક જ એવી વાતો વહેતી થઈ કે બંને લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે. થોડાં દિવસ સુધી શાંત રહ્યા પછી છેવટે કરણે ચૂપ્પી તોડી. તેણે માત્ર બે શબ્દોમાં આ અફવાને રદિયો આપતાં સોશ્યલ મીડિયા પર લખ્યું, 'ફેક ન્યુઝ.' ત્યાર પછી તેણે એમ પણ કહ્યું કે મફતમાં પબ્લિસિટી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. સાથે તેણે હાથ જોડેલી ઈમોજી પણ મૂકી. વાસ્તવમાં આ બંને કલાકાર લાંબા વર્ષોથી સારા મિત્રો છે. વર્ષ ૨૦૦૭માં તેમણે 'દિલ મિલ ગએ'માં એકસાથે કામ કર્યું હતું, ત્યાર પછી ૧૪ વર્ષે તેઓ વેબ સીરિઝ 'રાયસિંઘાની વર્સેસ રાયસિંઘાની'માં સાથે જોવા મળ્યાં. તે વખતથી તેમની દોસ્તી ફરીથી વધુ ચર્ચામાં આવી અને છેવટે તે લગ્નની અફવાઓમાં પરિણમી. અહીં એ વાતની નોંધ પણ લેવી રહી કે જેનીફર વિંગેટે વર્ષ ૨૦૧૨માં અભનેતા કરણ સિંહ ગ્રોવર સાતે લગ્ન કર્યાં હતાં. પરંતુ માત્ર બે વર્ષમાં તેમના છૂટાછેડા થઈ ગયાં હતાં. પછીથી કરણ સિંહ ગ્રોવરે બોલિવુડ અભિનેત્રી બિપાશા બસુ સાથે પોતાનો સંસાર વસાવી લીધો. જ્યારે જેનીફર હજી સુધી સિંગલ છે.
રૂબિના દિલૈક ફરીથી મમ્મી બનવાની છે?
ટીવી જગતના ખૂબસુરત યુગલ રૂબિના દિલૈક અને અભિનવ શુકલાના ઘરે ફરીથી પારણું ઝૂલવાનું હોય એમ લાગી રહ્યું છે. પોતાની સુંદરતા, શબ્દો ચોર્યા વિના ચોકખી વાત કરવાની ખાસિયત અને ફેશન સેન્સ માટે જાણીતી અદાકારા રૂબિના દિલૈકે સ્વયં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અનોખા અંદાજમાં આ વાત જણાવી હતી. તાજેતરમાં અભિનેત્રીએ મરૂન રંગની સાડીમાં સજ્જ થઈને એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેણે સૌથી પહેલા તો ઊંડો શ્વાસ લીધો. ત્યાર પછી અનોખી અદામાં કહ્યું, 'મૈં પ્રેગનેન્ટ હું.' આ વીડિયો જોઈને નેટિઝનો વિચારમાં પડી ગયા હતાં કે રૂબિના ખરેખર ગર્ભવતી છે કે પછી આ 'ખબર' કોઈ પ્રોજેક્ટનો ભાગ છે. જો કે પછી આ 'ખબર' કોઈ પ્રોજેક્ટનો ભાગ છે. જો કે વીડિયો મૂક્યા પછી રૂબિનાએ તરત જ એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે લખ્યું હતું 'જો કાંઈ એવું નથી થયું જેવું તમે ઇચ્છતા હતાં, તો તે તમે વિચાર્યું હતું તેનાથી પણ વધુ સારી થશે. ભગવાનના આયોજનની આ જ સુંદરતા છે.' તેની પોસ્ટ પછી સોશ્યલ મીડિયા પર ઝપાટાભેર તેની પ્રેગનેન્સીની ખબર ફેલાઈ ગઈ. જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી રૂબિનાએ જાતે કોઈ સ્પષ્ટ જાણકારી નથી આપી. તેથી હમણાં રૂબિનાના ચાહકોને ઝાઝા હરખાવાની જરૂર નથી. શક્ય છે કે આ વીડિયો તેના આગામી પ્રોજેક્ટનો ભાગ હોય. આમેય સૂરજ ક્યાં છાપરે ઢંકાઈને રહેવાનો છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે ચાર વર્ષના ડેટિંગ પછી રૂબિના અને અભિનવે વર્ષ ૨૦૧૮માં પ્રભૂતામાં પગલાં પાડયાં હતાં. અને બે વર્ષ પહેલા તેમના ઘરે જોડિયા પુત્રીઓ અવતરી હતી.


