Get The App

TV TALK .

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

ચારુ-રાજીવ ફરી એક થશે?

એ વાત સર્વવિદિત છે કે અભિનેત્રી ચારુ અસોપા અને રાજીવ સેને વર્ષ ૨૦૧૯માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૩ની સાલમાં તેમના છૂટાછેડા થઈ ગયાં હતાં. તેમની એક દીકરી પણ છે જે ચારુ સાથે રહે છે. પરંતુ આ ગણેશોત્સવમાં ચારુએ તેના બિકાનેર ખાતેના ઘરમાં ગણપતિ બાપાને તેડાવ્યાં ત્યારે પોતાના પૂર્વ પતિ અને સાસુને પણ નિમંત્ર્યા. રાજીવ અને તેની માતા ચારુના દ્વારે પહોંચ્યા ત્યારે અભિનેત્રીએ તેમનું તિલક લગાવીને સ્વાગત કર્યું. એટલું જ નહીં, રાજીવે ઠોલ-નગારાની થાપ પર ચારુના શિરે પુષ્પવર્ષા કરી. તેમને જોઈને એવું લાગતું હતું જાણે બંને  ભૂતકાળ ભૂલીને ફરીથી એક થવા થનગની રહ્યાં છે. અલબત્ત, આ માહોલ જોઈને તેમની પુત્રી ખુશીથી ઝૂમી ઉઠી હતી. ચારુએ આ સઘળી વાતો પોતાના વ્લોગ પર વીડિયો સાથે મૂકી હતી. તેણે જણાવ્યું હતું કે ગણરાયાના સ્વાગત માટે મેં ઘરના રાચરચીલામાં થોડો ફેરફાર કર્યો હતો. અને મહેમાનોના, એટલે કે રાજીવ અને તેની માતાને કોઈ પ્રકારની તકલીફ ન પડે, તેઓ આરામથી રહી શકે તેનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. 

'પુષ્પા ઇમ્પોસિબલ'એ પાર કર્યાં 1000 એપિસોડ 

છેલ્લા કેટલાંક વર્ષમાં સંખ્યાબંધ ધારાવાહિકો ગણતરીના મહિનાઓમાં જ પડદા પરથી ગાયબ થઈ ગઈ એવા વખતમાં 'પુષ્પા ઇમ્પોસિબલ'એ ૧૦૦૦ એપિસોડ પાર કરી લીધાં છે. આ સિધ્ધિ હાંસલ કરીને શોના કલાકાર-કસબીઓ ફૂલ્યા નથી સમાતા. આ ધારાવાહિકમાં ટાઇટલ કેરેક્ટર અદા કરી રહેલા અભિનેત્રી કરૂણા પાંડેએ કહ્યું હતું કે મારા પાત્રનો હાર ન માનવાનો, પરિસ્થિતિ સામે ઘૂંટણિયે ન પડવાનો ગુણ, મુશ્કેલીઓ વચ્ચે પણ નાની નાની ખુશીઓ શોધી-જીવી લેવાની કુનેહ, લડાયક મિજાજ, સંવેદનશીલતા સાથે સચ્ચાઈનો સાથ આપવા જેટલું મક્કમ મનોબળ મને મારા વાસ્તવિક જીવનમાં પણ ઘણી પ્રેરણા આપે છે. જ્યારે શોમાં 'પુષ્પા'ના પુત્ર 'અશ્વિન'ની ભૂમિકા ભજવનાર નવીન પંડિતા કહે છે કે આ શોના મારા પાત્રએ મને સારો પુત્ર કોને કહેવાય અને સંતાનો પાછળ માતાનું બલિદાન કેવું હોય તેની અનુભૂતિ કરાવી.  ૧૦૦૦ એપિસોડ જેટલી લાંબી યાત્રા પૂર્ણ કર્યા પછી પણ આગળ વધતાં રહેવું એ જ કેટલા ગૌરવની વાત છે.  

દીપિકા-શોએબે ભાણેજને આપી અનોખી ભેટ

તાજેતરમાં દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમે તેમના ફેમિલી ફંક્શનનો એક વ્લોગ અપલોડ કર્યો હતો. આ વ્લોગમાં તેમણે શોએબની બહેન સબા ઇબ્રાહિમના નવજાત પુત્રને જે ભેટ આપી તે ચર્ચાનો વિષય બની ગઈ છે. તેમણે તેમના આ નવા જન્મેલા ભાણેજને એકાવન લાખ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ પોલિસી આપી ત્યારે સબા ગળગળી થઈ ગઈ હતી. તેની આંખો ખુશી અને ભાઈ-ભાભીની કૃતજ્ઞાતા પ્રત્યે ભરાઈ આવી હતી. શોએબ-દીપિકાએ કહ્યું હતું કે તેઓ સબાના નવજાત શિશુને એવી ભેટ આપવા માગતા હતાં જે તેને ભવિષ્યમાં કામ આવે, તે મોટો થાય ત્યારે આર્થિક રીતે સલામત હોય. સબાએ માન્યું હતું કે આ ભેટ તેના પુત્ર પ્રત્યેનો તેના ભાઈ-ભાભીનો પ્રેમ માત્ર નથી, બલ્કે ભાણેજ પ્રત્યેની જવાબદારીની ભાવના પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકાને સ્ટેજ-૨ લીવર કેન્સરનું નિદાન થયું ત્યાર પછી જૂન મહિનામાં જ તેની સર્જરી થઈ હતી. અને હવે તે આ ઘાતક વ્યાધિમાંથી બહાર આવી રહી છે.

સૃષ્ટિ જૈન શીખી બનારસી લઢણ

ટીવી સીરિયલોમાં નાના શહેરોની કહાણીઓ ખાસ્સી પસંદ કરવામાં આવી રહી છે. આ વાતને ધ્યાનમાં લઈને વારાણસીની પશ્ચાદ્ભૂ પર આધારિત વધુ એક ધારાવાહિક 'ગંગા માઈ કી બેટિયાં' ટચૂકડા પડદે દસ્તક દઈ રહી છે. સૂત્રોએ આ શો વિશે જણાવ્યું હતું કે આ ધારાવાહિકમાં એક એવી માતાની ભાવનાત્મક જીવનયાત્રા વણી લેવામાં આવી છે જેની કૂખે ત્રણ પુત્રીઓ અવતરી, પણ પુત્રનો જન્મ ન થતાં તેને પતિએ ત્યજી દીધી. આ માતાની ભૂમિકા અભિનેત્રી શુભાંગી લાટકર ભજવી રહી છે. તે તેની ત્રણે પુત્રીઓને એકલપંડે ગર્વભેર ઉછેરે છે. તેની ત્રણ દીકરીઓના કિરદાર સૃષ્ટિ જૈન, અમનદીપ સિધ્ધુ અને વૈષ્ણવી પ્રજાપતિ ભજવી રહી છે. સૃષ્ટિએ પોતાના કિરદાર 'સહાના' વિશે તે કહે છે કે તે 'ગંગા માઈ'ની સૌથી મોટી પુત્રી છે. અદાકારાએ પોતાના આ રોલની તૈયારી વિશે જણાવ્યું હતું કે મેં તેને માટે હું વારાણસીની સ્થાનિક બોલીની લઢણ શીખી. હું મારા કિરદારને વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવા માગતી હતી. તેમાં સ્થાનિક બોલીની લઢણ સૌથી મહત્વનો ફાળો આપે તેમ લાગવાથી મેં તે શીખવાનું બીડું ઝડપ્યું. અલબત્ત, તેમાં મને આ ભાષાના તજજ્ઞાોનો સહયોગ સાંપડયો. મેં તેને માટે સંખ્યાબંધ વીડિયો પણ જોયા. મહત્વની વાત એ છે કે તેને કારણે વારાણસીની સંસ્કૃતિ અને લોકો સાથે હું વધુ સારી રીતે જોડાઈ શકી. તે વધુમાં કહે છે કે વારાણસીમાં એક અનોખી ઊર્જા છે. અને જ્યારે હું ત્યાંની લઢણમાં મારા સંવાદો બોલું છું ત્યારે એ ઊર્જા મારી ભીતર પ્રવેશતી હોય એવું અનુભવું છું.