Get The App

TV TALK .

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

23 વર્ષના ગાઢ સંબંધ પછી અશ્લેષા-સંદીપ સાત ફેરા ફર્યાં

આજથી અઢી દશક પહેલા 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'ના સેટ પર મળેલા સંદીપ બસવાના અને અશ્લેષા સાંવત પ્રેમમાં પડયાં પછી ૨૩ વર્ષથી લીવ-ઈન રિલેશનશીપમાં હતાં. આટલા લાંબા વર્ષોના ગાઢ સંગાથ પછી ૧૬મી નવેમ્બરે તેમણે વૃંદાવનના મંદિરમાં લગ્ન કરી લીધાં છે. તેમણે સોશ્યલ મીડિયા પર પોતાના વિવાહના ફોટા મૂકવા સાથે લખ્યું હતું કે અમે વૃંદાવનના ચંદ્રોદય મંદિરમાં એક ખાનગી સમારોહમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છીએ. અમારા વિવાહ દરમિયાન માત્ર અમારા પરિવારજનો જ ઉપસ્થિત હતાં. વાસ્તવમાં અમે સાદગીપૂર્વક પરણવા માગતા હતા. સંદીપે કહ્યું હતું કે હું અને અશ્લેષા એપ્રિલ મહિનામાં વૃંદાવન ગયા હતાં. ત્યાં રાધા-કૃષ્ણના મંદિર સાથે જાણે કે અમે અનોખું જોડાણ અનુભવ્યું. 

શલીન મલ્હોત્રાને લાગ્યો દિગ્દર્શનનો ચસ્કો

સંખ્યાબંધ ધારાવાહિકોમાં કામ કરનાર અભિનેતા શલીન મલ્હોત્રાને હવે દિગ્દર્શન કરવાના ઓરતા જાગ્યાં છે. તે કહે છે કે આ મારી કારકિર્દીમાં તબક્કાવાર ભરાયેલું પગલું છે. મને હમેશાંથી નાણાં કરતાં સર્જનાત્મક આનંદની તલાશ રહી છે. છેલ્લે 'વંશજ'માં જોવા મળેલા આ અભિનેતાને લાંબા સમય સુધી કેમેરા સામે રહ્યાં પછી કેમેરા પાછળ જવાનું સાવ સહજ લાગે છે. તે કહે છે કે સેટ પર રહેતાં રહેતાં મેં કેમેરામાં ભાવનાઓ-લાગણીઓ ઝડપવાનું શીખી લીધું છે. સ્વાભાવિક રીતે જ મને મારો આ બદલાયેલો રોલ અઘરો નહીં લાગે. તે વધુમાં કહે છે કે એક કલાકાર માટે દિગ્દર્શક, લેખકો હાથવગાં હોય છે. વળી કોઈ સાવ નવા ક્ષેત્રમાં જવા કરતાં પોતાના જ જોયેલા, જાણીતા ક્ષેત્રમાં જવાનું સલાહભર્યું ગણાય. તો શું આનો અર્થ એ થયો કે શલીનને હવે અભિનયમાં રસ નથી રહ્યો? આના જવાબમાં અભિનેતા કહે છે કે મારી અંદર બેઠેલો અભિનેતા મને અભિનય ક્ષેત્રથી દૂર નહીં થવા દે. હા દિગ્દર્શનનો નિર્ણય મારા માટે ચોક્કસપણે ભાવનાત્મક છે. તેને પગલે હું કલાકારો સાથે જોડાઈ શકીશ. અહીં એ વાતની નોંધ લેવી રહી કે શાલીન આવતા વર્ષે પોતાના બેનર હેઠળનો પ્રોજેક્ટ રજૂ કરવા ધારે છે. તેને ઓટીટી સાથે ટક્કર ઝીલવાનો કોઈ ભય નથી. તે આત્મવિશ્વાસપૂર્વક કહે છે કે મારું આ શમણું સાકાર થશે ત્યાર પછી હું પાછું વળીને નહીં જોઉઁ.  

રમૂજી જાસૂસ એકેન બાબુ

ટચૂકડા પડદાના દર્શકોએ અત્યાર સુધી 'કરમચંદ', 'બ્યોમકેશ બક્ષી', 'સીઆઈડી', 'સ્પેશ્યલ સ્કવોડ' જેવી રસપ્રદ જાસૂસી સીરિયલો જોઈ છે. આ જનરેમાં તાજેતરમાં 'એકેન બાબુ'નો ઉમેરો થયો છે. અને દર્શકોને તેની હળવી અને સપરિવાર જોઈ શકાય એવી શૈલી પસંદ પણ પડી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મૂળ બંગાળી કહાણીમાંથી અત્યાર સુધી આઠ સીઝનની વેબ સીરિઝ અને ત્રણ બંગાળી ફિલ્મો બની ચૂકી છે. અને હવે તેના ખ્યાતનામ બંગાળી અભિનેતા અનિર્બાન ચક્રવર્તી હિન્દી ધારાવાહિકોના દર્શકોને પણ પ્રભાવિત કરી રહ્યાં છે. 'એકેન બાબુ'માં એકેન્દ્ર સેન નામના તીક્ષ્ણ બુધ્ધિ ધરાવતા જાસૂસની કહાણી વણી લેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે સામાન્ય રીતે આપણે જાસૂસોને ધીરગંભીર સ્વરૂપે જોયાં હોય છે. જ્યારે એકેન્દ્ર રમૂજી છે. તેની વિચિત્ર આદતો દર્શકોને આશ્ચર્ય પમાડે છે. તે મોજ-મસ્તી કરતાં કરતાં પોતાની કુશાગ્ર બુધ્ધિથી કેસ ઉકેલે ત્યારે ડિટેક્ટિવ શૈલીમાં એક નવું પરિમાણ ઉમેરાય છે. એકેન્દ્રને જાસૂસના સ્વરૂપમાં જોયા પછી ચોક્કસપણે સમજાય કે આવું કિરદાર ટ્રેન્ચ કોટ પહેર્યા વિના પણ અદા કરી શકાય.

શુભાંગી અત્રે હવે 'ભાભીજી' નથી રહી

છેલ્લા કેટલાક સમયથી એવી વાતો વહેતી થઈ હતી કે હવે શુભાંગી અત્રે 'ભાભીજી ઘર પર હૈં'માં 'ભાભીજી'ના રોલમાં જોવા નહીં મળે. અને છેવટે શુભાંગીએ સ્વયં એક મીડિયા હાઉસ સમક્ષ આ વાતને પુષ્ટિ આપી હતી. મહત્વની વાત એ છે કે આ શોમાં શુભાંગીએ જે અદાકારાને રીપ્લેસ કરી હતી તે શિલ્પા શીંદે શોમાં વાપસી કરી રહી છે. એમ કહેવાતું હતું કે શોના સર્જકોએ શિલ્પાનો સંપર્ક કર્યો હતો. અહીં એ વાતની નોંધ લેવી રહી કે વર્ષ ૨૦૧૬માં શિલ્પા શીંદેએ આ લોકપ્રિય ધારાવાહિક છોડી દીધી હતી અથવા તેને દરવાજો દેખાડી દેવામાં આવ્યો હતો. તે વખતે શુભાંગી અત્રેએ 'અંગૂરી ભાભી'ના પાત્ર માટે શોમાં એન્ટ્રી લીધી હતી. પ્રારંભિક તબક્કે દર્શકોને એમ લાગતું હતું કે આ કિરદાર માટે શિલ્પાનું સ્થાન કોઈ નહીં લઈ શકે. પરંતુ શુભાંગી જોતજોતામાં દર્શકોના દિલમાં વસી ગઈ હતી. અને હવે ફરીથી સમયે યુ ટર્ન લીધો છે. શુભાંગીએ આ શો છોડયો છે અને શિલ્પા તેમાં ફરી પ્રવેશી છે. ખેલદિલ શુભાંગીએ કહ્યું હતું કે હું આ સીરિયલમાંથી માત્ર ગ્રેટિટયુડ લઈને જઈ રહી છું. મેં હમેશાંથી આ શોના સર્જકોને કહ્યું હતું મારી આ ધારાવાહિકની યાત્રા આન બાન અને શાનથી શરૂ થઈ હતી અને તેનો અંત પણ એવી રીતે જ થશે. હું આના કરતાં વધુ સારી વિદાયની અપેક્ષા પણ ન રાખી શકું. અદાકારા શિલ્પા શિંદેને શુભકામના આપવાનું પણ નહોતી ચૂકી. મહત્વની વાત એ છે કે તેણે શો છોડવાનું કારણ નથી જણાવ્યું.