હિતેશ ભારદ્વાજ: ડરામણા શોમાં રોમાન્સ
છેલ્લે 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં જોવા મળેલો અભિનેતા હિતેશ ભારદ્વાજ હમણાં એક ડરામણા શોમાં કામ કરી રહ્યો છે. અભિનેતા કહે છે કે 'ગુમ હૈ કિસી કે પ્યાર'ની બીજી સીઝન પૂરી થઈ તેના એક મહિનામાં જ મને 'આમી ડાકિની'ની ઑફર આવી. જોકે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું આવો શો કરી શકું. તેથી પહેલા તો હું તેમાં કામ કરતાં ખચકાયો હતો. પણ મને લાગ્યું કે તેની કહાણી રસાળ છે. તેનું વિષયવસ્તુ શરીરમાં ડરનું લખલખું પસાર કરી દે તેવું છે, આમ છતાં તે હૉરર કે થ્રિલર નથી. વળી તેમાં રોમાંટિક એંગલ પણ છે. હું જાતે જ કોઈ વસ્તુ જોઈ-પારખી ન લઉં ત્યાં સુધી તેમાં વિશ્વાસ નથી કરતો. મને જે તે વાત તર્કબધ્ધ લાગે તો જ હું તે માનું. મારું પાત્ર 'આયના' પણ આવું જ છે તેથી મને એવું લાગે છે જાણે હું સ્વયં પડદા પર રજૂ થઈ રહ્યો છું.
કરણવીર મેહરા હવે ફિલ્મોમાં
કરણવીર મેહરાની કારકિર્દીમાં હવે નવો- મહત્વનો વળાંક આવ્યો છે. તે ફિલ્મોમાં શક્તિશાળી પાત્રો ભજવવા માગે છે. અને તેને ફિલ્મ સર્જક ઓમુગ કુમારની આગામી રોમાંટિક-એક્શન મૂવીમાં નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે. જોકે કરણ પોતાની આ ફિલ્મ વિશે એક શબ્દ પણ બોલવા નથી માગતો. અહીં એ વાતની નોંધ લેવી રહી કે વર્ષો સુધી ટીવી શોઝમાં કામ કરીને લોકપ્રિયતાના શિખરો સર કરનાર કરણે પછીથી રીઆલિટી શોઝમાં ભાગ લેવા માંડયો હતો. અને 'ખતરોં કે ખિલાડી' તેમ જ 'બિગ બૉસ'માં ઉપરાઉપરી વિજેતા બન્યો હતો. તે કહે છે કે આ સિધ્ધિ મેળવ્યા પછી મને સંખ્યાબંધ રીઆલિટી શોઝ, મ્યુઝિક વીડિયોઝ, બ્રાન્ડ કેમ્પેઇનની ઑફરો મળી હતી. પરંતુ હું માત્ર પૈસા ખાતર કે પડદા પર દેખાવા માટે કોઈ કામ કરવા નહોતો માગતો. મને કોઈક શક્તિશાળી ભૂમિકા ભજવવી હતી. મને એવું કામ કરવું હતું જેમાં મારા મનને આનંદ મળે. અલબત્ત, મને સૌથી વધુ આનંદ કેમેરા સામે આવે છે. મને મારા રોલના ફૂટેજનો કોઈ મોહ નથી. મારું પાત્ર ટૂંકુ હોય તો ચાલે, પણ શક્તિશાળી હોવુ જોઈએ.
કિંશુક મહાજનને કશી ચિંતા નથી
ટચૂકડા પડદે ખાસ્સા લોકપ્રિય અભિનેતા કિંશુક મહાજનનો શો 'મેઘા બરસે' પર એક વર્ષની અંદર અંદર જ પડદો પાડી દેવામાં આવતાં તેના સઘળાં કલાકાર-કસબીઓ અચાનક જ કામવિહોણા થઈ ગયા. પરંતુ કિંશુકને તેનો કોઈ આઘાત નથી લાગ્યો કે નથી તેને એ વાતનો કોઈ વસવસો. અભિનેતા કહે છે કે એક શોનો વીંટો વાળી દેવામાં આવ્યો તેમાં કાંઈ દુનિયાનો અંત નથી આવી જવાનો. આવું તો ચાલ્યા જ કરે. મારી બે દશકની કારકિર્દીમાં મેં ઘણું જોયું-અનુભવ્યું છે તેથી આવી બાબતો મને વિચલિત નથી કરી શકતી. મારા મતે એક શોનો અંત અન્ય તકોના દ્વાર ઉઘાડે છે. 'મેઘા બરસે'ની સ્ટોરીમાં લીપ આવ્યા પછી તેના પર ટૂંક સમયમાં જ પડદો પાડી દેવામાં આવ્યો તેનું કારણ આપતાં અભિનેતા કહે છે કે આ શો ટોચના સ્થાને હતો, પરંતુ લીપ પછી તેના ટાઈમ સ્લોટમાં બદલાવ આવતાં દર્શકો તેની સાથે તાદાત્મ્ય ન સાધી શક્યા. મહત્વની વાત એ છે કે ૨૦ વર્ષની કારકિર્દીમાં અભિનેતાને મુશ્કેલ સમયનો ખાસ સામનો નથી કરવો પડયો. આનું કારણ જણાવતાં કિંશુક કહે છે કે તમારી સામે જે પરિસ્થિતિ પેદા થાય તેનો સ્વીકાર કરી લેવાથી સમસ્યાઓ ઘણી હળવી બની જતી હોય છે. નાહકની 'આ બૈલ મુજે માર' જેવી સ્થિતિ શા માટે પેદા કરવી?
રિધ્ધિમા પંડિતે કર્યો નેત્રદાનનો નિર્ધાર
'બહુ હમારી રજનીકાંતા' જેવી સંખ્યાબંધ ધારાવાહિકો દ્વારા દર્શકોના દિલ જીતી લેનારી અભિનેત્રી રિધ્ધિમા પંડિતે તાજેતરમાં આવેલા તેના ૩૫મા જન્મદિને નેત્ર દાન કરવાનો નિર્ધાર કર્યો હતો. અદાકારાએ તેને માટે નોંધણી કરાવી લીધી હતી. તેણે કહ્યું હતું કે મેં ઘણાં સમય પહેલા જ આ નિર્ણય લઈ લીધો હતો. અને મારા ૩૫મા જન્મદિને તત્સંબંધી નોંધણી કરાવી. રિધ્ધિમાએ વધુમાં કહ્યું હતું કે હું શાળામાં ભણતી હતી ત્યારે મને અંગદાન વિશે સમજ મળી હતી. તે વખતથી મને એમ લાગ્યાં કરતું હ તું કે મારે સમાજને આ રીતે કાંઈક પાછું આપવું જોઈએ. મને એ વાતની અનુભૂતિ થઈ હતી કે તમે મૃત્યુ પછી પણ આ રીતે કોઈકને કામ આવી શકો. મારા મતે જો તમે આવું કોઈ કાર્ય કરો તો તમારું જીવન સાર્થક થઈ જાય. રિધ્ધિમાએ ઉમેર્યું હતું કે હું બાળકી હતી ત્યારે અભિનેત્રી ઐશ્વર્યા રાયએ લોકોને નેત્ર દાન કરવાની વિનંતી કરી હતી. મેં જ્યારે તેના વિશે વાંચ્યું ત્યારે હું અભિભૂત થઈ ગઈ હતી. ખરેખર તો મારા આ નિર્ધાર પાછળનો પ્રેરણાસ્રોત ઐશ્વર્યા રાય છે. મહત્વની વાત એ છે કે અભિનેત્રીના પરિવારજનોએ પણ તેના આ નિર્ણયને વધાવી લીધો હતો. હું એમ પણ માનું છું કે એક અભિનેત્રી હોવાના નાતે લોકો મારી વાત ધ્યાન દઈને સાંભળે છે અને તેનો અમલ પણ કરે છે તેથી હું જો લોકોને અંગદાનનું મહત્વ સમજાવી શકીશ. જો થોડાં લોકો પણ તેનો અમલ કરે તો મારું કર્યું-કરાવ્યું લેખે લાગશે. મને એમ લાગશે કે મેં મારા મંચનો સદુપયોગ કર્યો છે.


