અંજુમ ફકિહની 'બમુલિયા'થી મુંબઈ વાપસી
'કુંડલી ભાગ્ય', 'બડે અચ્છે લગતે હૈં' જેવી ઘણી ધારાવાહિકોમાં કામ કરનાર અભિનેત્રી અંજુમ ફકીહે રીઆલિટી શો 'છોરિયાં ચલી ગાંવ'માં ભાગ લીધો અને તેમાં દર્શકોના દિલ પણ જીત્યાં. પરંતુ તેની ગામડાની સફર પૂરી થતાં તેને શહેરમાં પરત ફરવું પડયું. અત્રે ઉલ્લેખનીય છે કે દોઢ મહિના સુધી ચાલેલા આ શોમાં અંજુમે શહેરની અન્ય સેલિબ્રિટી માનુનીઓ સાથે ભાગ લીધો હતો. અને જાહોજલાલીમાં આળોટતી સઘળી સ્પર્ધકો કોઈપણ પ્રકારના ઉપકરણ વિના ગામડામાં જઈને રહી હતી અને ત્યાં સાદગીભર્યું જીવન વ્યતિત કર્યું હતું. અંજુમ આ સ્પર્ધકોમાંની એક હતી. તેની સફર 'બમુલિયા' ગામ ખાતે પૂરી થઈ હતી. અદાકારાએ કહ્યું હતું કે મેં આ શો માટે મારા પોતિકા સ્વભાવ સાથે બાંધછોડ કરી હતી. પરંતુ મેં આ શો દરમિયાન ગામડાની જીવનશૈલી પણ મનભરીને માણી હતી. મેં ચૂલા પર રાંધ્યુ અને ધોબી ઘાટ પર જઈને કપડાં ધોયા. આ શોએ મને શિસ્ત, નમ્રતા અને ધૈર્યના પાઠ ભણાવ્યાં. મને અનિતા હસનંદાની, કૃષ્ણા શ્રોફ, ડોલી જાવેદ, એરિકા પેકાર્ડ જેવી સહસ્પર્ધકો સાથે કામ કરતાં કરતાં પણ ઘણું શીખવા મળ્યું. અહીં એ વાતની નોંધ પણ લેવી રહી કે આ શોની વિજેતા તરીકે જાણીતી અભિનેત્રી અનિતા હસનંદાનીને જાહેર કરવામાં આવી છે.
'મહાભારત'નો 'કર્ણ' હવે આધુનિક અવતારમાં
વર્ષ ૨૦૧૩-૧૪માં ટચૂકડા પડદે લોકપ્રિયતાના શિખરો સર કરનાર પૌરાણિક શો 'મહાભારત'માં 'કર્ણ'ની ભૂમિકા ભજવનાર અભિનેતા અહમ શર્મા હવે નવા શો 'સંપૂર્ણા'માં આધુનિક અવતારમાં આવી રહ્યો છે. (તમે આ વાંચતા હશો ત્યારે કદાચ આ શો શરૂ થઈ ગયો હશે.) અભિનેતાએ કહ્યું હતું કે મેં ઘણાં સમયથી ટીવી પર કામ નથી કર્યું. મેં છેલ્લે 'બ્રહ્મરાક્ષસ'માં 'ઋષભ શ્રીવાસ્તવ'ની ભૂમિકા ભજવી હતી. અત્યાર સુધી ફિલ્મો અને વેબ-સીરિઝોમાં કામ કરી ચૂકેલા અહમ શર્માએ 'સંપૂર્ણા'ના પોતાના કિરદાર બાબતે કહ્યું હતું કે તેમાં હું 'ડો. આકાશ'ની ભૂમિકા ભજવી રહ્યો છું. મારા આ બહુસ્તરીય પાત્રમાં દર્શકોને જટિલતા સાથે નબળાઈ અને નૈતિક દ્વિધાઓ પણ જોવા મળશે. તે વધુમાં કહે છે કે સામાન્ય રીતે એક તબીબની વ્યાવસાયિક નૈતિકતા અને નિર્ણયો પર પ્રશ્નો કરવામાં આવે છે. પરંતુ તેનો પોતિકો, અંગત સંઘર્ષ પણ હોય છે. આ પ્રકારની કહાણી ટીવી પર ભાગ્યે જ રજૂ થઈ હશે. તેણે આ શો પર સ્વીકૃતિની મોહર શા માટે મારી તેના વિશે અભિનેતા કહે છે કે તેમાં ડો. આકાશનું જનૂન, તેનો આંતરિક સંઘર્ષ અને જીવન પ્રત્યેનો તેનો દ્રષ્ટિકોણ મને ગમી ગયો. વળી આ ધારાવાહિક મર્યાદિત સમય માટે હોવાથી મને ખાતરી થઈ ગઈ હતી કે મને એક જ શોમાં લાંબા વર્ષો સુધી કામ નહીં કરવું પડે. જ્યારે તમે એક જ ધારાવાહિક સાથે લાંબા વર્ષો સુધી સંકળાયેલા રહો ત્યારે તમારા હાથમાંથી ઘણી અન્ય તકો પણ સરી જાય.
શેફાલીએ સીપીઆર પછી એકાદ-બે શ્વાસ લીધેલાં
શેફાલી જરીવાલાના નિધનને ચાર મહિનાથી પણ વધુ સમય વિતી ગયો છે. પરંતુ તેના પતિ પરાગ ત્યાગીની નજર સમક્ષથી તેની અંતિમ ક્ષણો ખસતી નથી. તાજેતરમાં પરાગ ત્યાગીએ શેફાલીના અંતિમ દિવસ અને આખરી શ્વાસ વિશે કહ્યું હતું કે તે દિવસે મને સતત એવી અનુભૂતિ થયા કરતી હતી કે કાંઈક અમંગળ થવાનું છે. તેણે વધુમાં કહ્યું હતું કે તે દિવસે અમારી પાસે કામ કરતાં બેનની તબિયત સારી નહોતી તેથી શેફાલીએ મને અમારા શ્વાનને ફરવા લઈ જવાનું કહ્યું. હું હજી સિમ્બાને લઈને નીચે ગયો અને ત્રણ જ મિનિટમાં મને તેની તબિયત બગડી હોવાનો ફોન આવ્યો. હું દોડીને ઘરે પહોંચ્યો, મેં તેનું બીપી માપ્યું, તેને ઇલેકટ્રોલાઈટ વોટર આપ્યું અને સીપીઆર આપ્યું ત્યારે તેના એકાદ-બે શ્વાસ પાછા ફર્યાં. પરંતુ તેની આંખોની કીકીઓ સ્થિર થઈ ગઈ હતી અને નાડીના ધબકારા અટકી ગયાં હતાં. અમે તેને લઈને તરત જ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. પરંતુ તબીબોએ તેને મ-ત ઘોષિત કરી હતી.
તાન્યા મિત્તલની શાહી આદતો
વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બોસ-૧૯' હમણાં ધૂમ મચાવી રહ્યો છે. અને આ શોની એક અત્યંત સુંદર કન્ટેન્ટન્ટ તાન્યા મિત્તલની વાતો દર્શકોને સતત આશ્ચર્ય પમાડી રહી છે. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તાન્યાએ તાજેતરના એપિસોડ્સમાં જે કહ્યું હતું તે ખરેખર ચોંકાવનારું હતું. તેણે પોતાની રજવાડી આદતો વિશે અવારનવાર વાતો કરતાં કહ્યું હતું કે તે માત્ર એક કોફી પીવા ગ્વાલિયરથી આગરા સુધીનો પ્રવાસ કરે છે. મઝાની વાત એ છે કે તે આગરા સુધી કોફી લેવા જાય છે. અને જ્યાંથી કોફી લે છે ત્યાં નથી પીતી. બલ્કે તાજમહલની પાછળના એક ઉદ્યાનમાં બેસીને કોફીની મોજ માણે છે. તેણે અન્ય એક એપિસોડમાં કહ્યું હતું કે તેને માટે દર બે મહિને લંડનથી એક ખાસ પ્રકારના બિસ્કિટ આવે છે. જો તેને એ બિસ્કિટ ન મળે તો તે રડી પડે છે. જ્યારે તેને દિલ્હીની એક હોટલની દાળ અત્યંત પ્રિય છે. તે આ દાળ ખાવા છ કલાકનો પ્રવાસ કરે છે. જ્યારે તેને આ દાળ ખાવી હોય ત્યારે તે પોતાની સ્ટાફને રજા આપી દે છે. અને રાત્રે દિલ્હી જઈને એ દાળ ખાઈને ગ્વાલિયર પરત ફરે છે.


