TV TALK .
શબીરને મુશ્કેલ લાગે છે પ્રેમ
વિવિધ ધારાવાહિકોમાં વર્ષો સુધી રોમાંટિક હીરો અને પરફેક્ટ પતિની ભૂમિકાઓ ભજવીને દર્શકોના દિલમાં સીધાસાદા સજ્જનની છાપ છોડનાર અભિનેતા શબીર આહલુવાલિયા હવે એક અટપટું પાત્ર ભજવવા તૈયાર થયો છે. ટૂંક સમયમાં રજૂ થનારી સીરિયલ 'ઉફ... યે લવ હૈ મુશ્કિલ'માં અભિનેતા તદ્દન હટકે કિરદારમાં જોવા મળશે. શબીરે પોતાના આ શો માટે કહ્યું હતું કે આ રોમાંટિક કોમેડી દ્વારા હું ઘણાં સમય પછી ટીવી પર પરત ફરી રહ્યો છું તેનો મને આનંદ છે. વર્ષો સુધી પરફેક્ટ પતિ અને રોમાંટિક હીરો બન્યા પછી હું 'ઉફ... યે લવ હૈ મુશ્કિલ'માં વિવિધ સ્તર ધરાવતી ભૂમિકા ભજવી રહ્યો છું. તેમાં મારું કિરદાર 'યુગ સિંહા' એક અસ્તવ્યસ્ત પરિવારમાંથી આવે છે. 'યુગ સિંહા' જેવું પાત્ર મેં અગાઉ ક્યારેય નથી ભજવ્યું. આ નવા રોલ બાબતે તેમ જ ટીવી પર પરત ફરવા માટે હું અત્યંત ઉત્સાહી છું.
વિપિન હીરો સામે મોટો પડકાર
લોકપ્રિય સીરિયલ 'ભાભીજી ઘર પર હૈં'ના અભિનેતા દીપેશ ભાનના અકાળ મૃત્યુ પછી આ શોના સર્જકોને તેના સ્થાને નવો કલાકાર મળતાં ત્રણ વર્ષ લાગ્યાં છે. હવે અભિનેતા વિપિન હીરો દીપેશનું પાત્ર 'મલખાન સિંહ' ભજવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૨ના જૂલાઈ મહિનામાં દીપેશને હૃદય રોગનો હુમલો આવતાં તેનું નિધન થયું હતું. યોગાનુયોગે વિપિને 'મે આઈ કમ ઈન મેડમ?'માં પણ દીપેશનું સ્થાન લીધું હતું. વિપિને કહ્યું હતું કે દીપેશના નિધન પછી મને બીજી વખત તેનું સ્થાન લેવાની ઑફર મળી છે. દિવંગત કલાકારની જગ્યાએ કામ કરતી વખતે સૌથી મોટી ચિંતા તેની સાથે મારી તુલના થવાની હોય છે. મનમાં સતત ફફડાટ રહ્યાં કરે કે લોકો મને સ્વીકારશે કે કેમ. હું અહીં સેટ પર આવ્યો ત્યારે પણ સઘળાં કલાકાર-કસબીઓ દીપેશને સંભારીને લાગણીશીલ બની ગયાં હતાં.
જયતિ ભાટિયા: જય 'માતાજી'!
અભિનેત્રી જયતિ ભાટિયાએ મનોરંજન જગતમાં ત્રણ દશક પૂરાં કરી લીધાં હોવા છતાં તેનો કામ પ્રત્યેનો થનગનાટ નવોદિતનોને પણ શરમાવે એવો છે. અદાકારા કહે છે કે હું ૩૦ વર્ષથી અભિનય ક્ષેત્રે સક્રિય છું તોય જ્યારે કોઈ નવું કામ હાથ ધરું છું ત્યારે ગભરામણ અનુભવું છું. મને એમ લાગે છે કે દર્શકો મારી પાસેથી ચોક્કસ પ્રકારની અપેક્ષા રાખે છે. હું તેમાં ક્યાંક ઊણી તો ન હીં ઉતરું ને? થિયેટર અને ફિલ્મોમાં કામ કરનારી આ અદાકારા ઘણાં વર્ષથી ટચૂકડા પડદે કાર્યરત છે અને વાત સર્વવિદિત છે. અને ધારાવાહિકના દર્શકો તેના કલાકારોને તેમના મૂળ નામ કરતાં કિરદારોથી વધુ પિછાણતાં હોય છે. તેમાંય કેટલાંક પાત્રો તેમના હૃદયમાં કાયમી સ્થાન બનાવી લે છે. જયતિ ભાટિયાનું આવું જ એક પાત્ર છે 'માતાજી'. અભિનેત્રીએ લોકપ્રિય સીરિયલ 'સસુરાલ સીમર કા'માં ભજવેલી આ ભૂમિકા દર્શકો માટે અવિસ્મરણીય બની રહી છે. અદાકારા આ વાત સ્વમુખે કરતાં કહે છે કે આજે પણ લોકો મને 'માતાજી' તરીકે સંબોધે છે.
સાક્ષી તંવરને રોલ અઘરો લાગ્યો
સાક્ષી તંવરે તાજેતરમાં રજૂ થયેલી વેબ સીરિઝ 'ધ રૉયલ્સ'માં મહારાણીનો રોલ ભજવ્યો. અદાકારા કહે છે કે અત્યાર સુધી મેં મધ્યમ વર્ગીય કુટુંબની યુવતીનાં પાત્રો ભજવ્યાં છે. 'ધ રૉયલ્સ'માં પહેલી વખત વૈભવી મહારાણીની ભૂમિકા ભજવવાની નોબત આવી ત્યારે હું મૂંઝાઈ ગઈ હતી. મને શ્રીમંતાઈથી છલકાતા જીવનનો કોઈ અનુભવ નહોતો. મને સમજાતું નહોતું કે મહારાણીઓ શું શું વિચારે અને કેવી રીતે વર્તે? પહેલું દ્રશ્ય આપ્યું ત્યારે મને મનથી એ અભિનય બનાવટી લાગતો હતો. એ રાત્રે મને ઊંઘ ન આવી. મને યોગ્ય રીતે કામ ન કરવાનો વસવસો થઈ રહ્યો હતો. છેવટે મને અનુભૂતિ થઈ કે હું મહારાણીના રોલને પોતાની જાત સાથે સરખાવીને વિચારી રહી છું. ખરેખર તો મને સંબંધિત કિરદાર બનીને વિચારવું જોઈએ. બસ, આ વિચાર આવતાં જ હું હળવી થઈને ઘસઘસાટ ઊંઘી ગઈ. આ જ અભિગમ મને કામ આવ્યો...