Get The App

TV TALK .

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

માનવ ગોહિલને ખટકે છે ટીવી પર આવેલો બદલાવ

અત્યાર સુધી 'યે મેરી લાઈફ હૈ', 'કહાની ઘર ઘર કી', 'કસૌટી ઝિંદગી કી', 'તેનાલી રામા' જેવી સફળ ધારાવાહિકોમાં પોતાની હાજરી નોંધાવનાર અભિનેતા માનવ ગોહિલને તાજેતરની સફળ ગુજરાતી ફિલ્મ 'જલેબી રૉક્સ'માં પણ બહોળી લોકપ્રિયતા હાંસલ થઈ છે. અને હવે તે પ્રાદેશિક ફિલ્મોમાં કામ કરવા થનગની રહ્યો છે. માનવે કહ્યું હતું કે 'જલેબી રૉક્સ 'ને દર્શકોએ જે રીતે વધાવી લીધી છે તે જોઈને તેની ખુશી સમાતી નથી. તેના અભિનયને દર્શકોએ ખરા દિલથી પસંદ કર્યો છે. આ ફિલ્મમાં મેનોપૉઝ જેવા મહત્વના વિષયને બખૂબી વણી લેવામાં આવ્યો છે. વાસ્તવમાં આવા વિષયો પર ફિલ્મો બને તે અત્યાવશ્યક છે. આવી ફિલ્મમાં કામ કરવું એટલે દર્શકોને કોઈક સરસ સંદેશો-શીખ આપવા સમાન બની રહે. બે દશક જેટલા સમયથી મનોરંજન જગત સાથે સંકળાયેલા આ ૫૦ વર્ષીય કલાકારે વધુમાં કહ્યું હતું કે એક કલાકાર તરીકે તે ટીવી ઉપરાંત ઓટીટી અને ફિલ્મોમાં પણ પોતાનું કૌવત પ્રદર્શિત કરવા માગે છે. જોકે તેને હવે ટીવી સામે થોડી ફરિયાદ પણ છે જ. માનવ કહે છે કે અગાઉ ટીવી પર કામ કરતી વખતે કલાકાર-કસબીઓમાં જે ધીરજ અને સહકાર જોવા મળતો તે હવે નથી રહ્યો. આજની તારીખમાં આ માધ્યમમાં સહકાર અને ફોકસની ખોટ પડતી દેખાય છે. અલબત્ત, આજે પણ મને આ ટચૂકડો પડદો એટલો જ વહાલો છે. હું આજે જે છું તે આ માધ્યમને કારણે જ છું. કદાચ આ કારણે જ તેનું ખોરવાયેલું સંતુલન મને ખટકે છે.

જાણીતું ટીવી યુગલ લૂંટાયું

જાણીતા ટીવી યુગલ પૂજા બેનરજી અને કુણાલ વર્માએ કાંઈક મેળવવાની લ્હાયમાં સર્વસ્વ ગુમાવ્યું છે. તેમની સાથે થયેલા 'લેવાના દેવા' જેવા તાલમાં તેમણે બંગાળી નિર્માતા શ્યામ સુંદર ડેને એક ફિલ્મની ડીલ પેટે આપલાં ૧.૬૮ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આટલું ઓછું હોય તેમ તેમના ઉપર ખંડણી અને અપહરણનો કેસ પણ ઠોકી દેવામાં આવ્યો છે. પોતાની સાથે થયેલી અકલ્પનીય છેતરપિંડીની માહિતી આપવા તેમણે બોલાવેલી પત્રકાર પરિષદમાં યુગલે કહ્યું હતું કે તેમણે સંબંધિત નિર્માતાને આ રકમ પોતાની પ્રોપર્ટી ગિરવે મૂકીને તેમ જ પર્સનલ લોન લઈને આપી હતી. પરંતુ તેમને તેમના નાણાં પરત આપવાના સ્થાને શ્યામ સુંદર ડેની પત્નીએ તેમના પર ગોવાના પોલીસ થાણામાં ખંડણી અને અપહરણની ફરિયાદ નોંધાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે આ મામલો ખાનગી રાહે પતાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે અમારી સામે જે આરોપો હેઠળ ફરિયાદ નોંધાવી તેને કારણે અમને તીવ્ર આઘાત લાગ્યો છે. અમે માત્ર અમારા પૈસા પાછા માગ્યા હતાં. શ્યામ સુંદર ડેએ બુક કરેલી વિલામાં પણ અમે એટલા ખાતર જ રહ્યાં હતાં કે અમને હોટલમાં રહેવાનું પોસાય તેમ નહોતું. નિર્માતાએ અમને ૧૦ લાખ રૂપિયા પાછા પણ આપ્યાં હતાં તેથી અમને અમારા નાણાં પાછા મળવાની આશા બંધાઈ હતી. પરંતુ તેમની પત્ની માલવિકાએ અમારી સામે જે એફઆઈઆર નોંધાવી તેને કારણે અમે થીજી ગયા હતાં. પછીથી તેણે કોલકત્તા ખાતે પણ ઝીરો એફઆઈઆર નોંધાવી હતી અને તે ગોવા પોલીસને ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે અમારી સામે જે ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી તેને કારણે અમને એટલો આઘાત લાગ્યો હતો કે દોઢ મહિના સુધી અમે અવાચક્ થઈ ગયાં હતાં. પૂજાએ કહ્યું હતું કે મારા મનમાં એવો ડર બેસી ગયો હતો કે જો મારી ધરપકડ કરવામાં આવશે તો મારા સંતાનનું શું થશે? હું રાતોની રાતો ઊંઘી શકી નહોતી. મને પેનિક અટેક આવવા લાગતાં મને સારવારની જરૂર પડી હતી. છેવટે ૧૬મી જૂલાઈએ અમે શ્યામ સુંદર ડે સામે અમારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા બદલ સામી પોલીસ ફરિયાદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુગલ હવે ૪૦-૫૦ લાખ રૂપિયાના ખાડામાં ઉતરી ગયું છે, તેમના હાથમાંથી કામની તકો સરી ગઈ છે અને તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા છે. તેમણે કહ્યું હતું કે અમે અમારું સર્વસ્વ ગુમાવી બેઠાં છીએ, આમ છતાં અમને ન્યાય મળશે એવી આશા છોડી નથી.

શહેરની નખરાળીઓ ચાલી ગામડે

મહાનગરોમાં રહેતી, પાર્ટીઓમાં મહાલતી, મોટરોમાં ફરતી, નોકર-ચાકરોની ફોજ ધરાવતી, ટીવી પર કામ કરતી, સોશ્યલ મીડિયાને ઇન્ફ્લુઅન્સ કરતી, રસોડામાં પગ ન મૂકતી, ડિઝાઈનર વસ્ત્રોમાં સજ્જ રહેતી, ટૂંકમાં રજવાડી જીવનશૈલી ધરાવતી યુવતી પોતાના ઘરબાર, મોબાઈલ, લેપટોપ છોડીને ગામડામાં જઈને રહે અને પોતાના સઘળાં કામ જાતે કરે, સંપૂર્ણપણે ગામડાની મહિલાઓ જેવું જીવન જીવે એ વાત તમે માની શકો ખરા? તમે માનો કે ન માનો, પરંતુ તાજેતરમાં એક રીઆલિટી શો 'છોરિયાં ચલી ગાંવ'નો પ્રોમો રજૂ થયો તેમાં ગ્લેમર વર્લ્ડની ખ્યાતનામ રમણીઓ સ્પર્ધક તરીકે જોડાવાની હોવાનું સ્પષ્ટ થયું હતું. (તમે આ વાંચી રહ્યાં હશો ત્યારે કદાચ આ શો શરૂ થઈ ગયો હોય એવું બને.) આ સ્પર્ધકોમાં ઐશ્વર્યા ખરેથી લઈને અનિતા હસનંદાની, કૃષ્ણા શ્રોફ જેવી રજવાડી જીવન જીવતી એક ડઝન સુંદરીઓ ભાગ લેશે. અને તેમને ૬૦ દિવસ સુધી ન તો ફોનનો ઉપયોગ કરવા મળશે કે ન આધુનિક ઉપકરણોનો. હવે એ જોવાનું રસપ્રદ થઈ પડશે કે પોતાની રોજિંદી સુખ-સુવિધાઓ અને ગ્લેમરથી દૂર રહીને સાવ સાદગીભર્યા જીવનમાં તેઓ શી રીતે એડજસ્ટ કરે છે.