પવિત્રા પુનિયાએ સગાઈ કરી
અભિનેત્રી પવિત્રા પુનિયાએ તાજેતરમાં સગાઈ કરી ત્યાર પછીના ફોટા તેણે સોશ્યલ મીડિયા પર મૂક્યાં હતાં. અલબત્ત, એ રહસ્ય હજી સુધી અકબંધ છે કે તેનો બોયફ્રેન્ડ કોણ છે. પરંતુ અદાકારાએ પ્રપોઝલના ફોટા શેર કરીને નેટિઝનોમાં ઉત્સુકતા પેદા કરી દીધી છે. ફોટામાં તેનો ભાવિ પતિ તેને દરિયાતટે એક ઘૂંટણે બેસીને પ્રપોઝ કરે છે અને પવિત્રા તેનું પ્રપોઝલ સ્વીકારે છે. ત્યાર પછી બંને એકમેકને ગળે મળે છે. રાતા રંગના ચુસ્ત પોશાકમાં સજ્જ પવિત્રાએ હાથમાં ડઝનબંધ ગોલ્ડન બંગડીઓ અને ઘડિયાળ પહેર્યાં છે. જ્યારે તેનો બોયફ્રેન્ડ વાઈટ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં દેખાઈ રહ્યો છે. જોકે ફોટામાં બંનેમાંથી કોઈના ચહેરા નથી દેખાતા. ૩૯ વર્ષીય પુનિયાએ ફોટો કેપ્શનમાં લખ્યું હતું કે લોક ઈન. પ્યાર ને ઈસે ઓફિશિયલ બના દિયા. પવિત્ર પુનિયા જલ્દી હી મિસેજ બનનેવાલી હૈ. અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બોસ-૧૪માં એજાઝ ખાન સાથે પ્રેમમાં પડયા પછી પવિત્રા વધુ એક વખત પોતાના અંગત જીવન માટે ચર્ચામાં આવી હતી. બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા પછી પણ ઘણાં સમય સુધી બંને વચ્ચે ઈલુ ઈલુ ચાલ્યું હતું. છેવટે બેઉ વિખૂટાં પડી ગયા હતાં. અને હવે તેણે મુંબઈના એક બિઝનેસમેન સાથે સગાઈ કરી લીધી છે. બેઉ છેલ્લા કેટલાક સમયથી ડેટ કરી રહ્યાં હતાં. તેનો પરિવાર વિદેશમાં રહે છે. 'યે હૈં મોહબ્બતેં', 'ગીત- હુઈ સબસે પરાઈ' જેવી ટીવી સીરિયલોમાં કામ કરનાર પવિત્ર પુનિયાએ મુંબઈ-અમેરિકી કારોબારી સાથે સગાઈ કરી ત્યારે લોકોને તેના અગાઉના પ્રેમસંબંધો પણ સાંભરી આવ્યાં છે. એમ કહેવાય છે કે તેની બે સગાઈ તૂટી ચૂકી છે. તેનું નામ પ્રતિક સહજપાલ, પારસ છાબડા, સુમિત માહેશ્વરી (સિમિત સાથે તેની સગાઈ તૂટી ગઈ હતી.), સિધ્ધાર્થ શુકલા અને છેલ્લે એજાઝ ખાન સાથે સંકળાયું હતું.

બિલ ગેટ્સની હિન્દી ફેમિલી ડ્રામામાં એન્ટ્રી
લોકપ્રિય ધારાવાહિક 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી-૨'માં તાજેતરમાં 'કહાની ઘર ઘર કી'ની અભિનેત્રી સાક્ષી તેવરને તેના આ શોના પતિ 'ઓમ્' સાથે બતાવવામાં આવ્યા પછી માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સને દર્શાવવામાં આવતાં દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. અલબત્ત, બિલ ગેટ્સની એન્ટ્રી શોના કેન્દ્રીય પાત્ર 'તુલસી વીરાણી' સાથેની ઓનલાઈન વાતચીતના માધ્યમથી બતાવવામાં આવી હહતી. તેઓ 'તુલસી', એટલે કે સ્મૃતિ ઈરાનીના 'જયશ્રીકૃષ્ણ'ના અભિવાદનનો જવાબ 'જયશ્રીકૃષ્ણ તુલસીજી'થી આપે છે. ત્યાર પછી 'તુલસી' કહે છે કે તમે અમેરિકાથી સીધા અમારા પરિવાર સાથે જોડાયા તેનો મને આનંદ છે. અમે આતુરતાપૂર્વક તમારી રાહ જોઈ રહ્યાં હતાં. વાસ્તવમાં સંબંધિત ચેનલ પર ટેલિકાસ્ટ થનારી સીરિયલના પ્રોમો માટે સ્મૃતિ ઈરાની અને બિલ ગેટ્સ વીડિયો કોલ પર આ શોમાં વાત કરી રહ્યાં હતાં. તેમની વાતચીતમાં માતા અને નવજાત શિશુના આરોગ્ય માટે ભારતમાં પરંપરાગત રીતે શું શું કરવામાં આવે ચે તેનો આછેરો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેના પરથી એમ માનવામાં આવે છે કે આવનારા શોમાં પણ માતા અને નવજાત શિશુના સ્વાસ્ત્ય તેમ જ 'બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન'ની કામગીરી વિશે વાત કરવામાં આવશે. 'ક્યોંકિ સાસ..'ની સર્જક એકતા કપૂરની આ સ્ટાઈલથી દર્શકો તેના પર ઓવારી ગયાં છે.

ઐશ્વર્યા શર્માના ફોટાઓમાંથી નીલ ગાયબ
અભિનેત્રી ઐશ્વર્યા શર્મા વધુ એક વખત તેના અંગત જીવન બાબતે ચર્ચાના ચકડોળે ચડી છે. તેણે સોશ્યલ મીડિયા પર દિવાળીની ઉજવણીના ફોટા મૂક્યાં. પરંતુ તેમાં ક્યાંય તેનો પતિ નીલ ભટ્ટ નજરે નહોતો ચડતો. સ્વાભાવિક રીતે જ બંનેના છૂટાછેડા થવાના હોવાની વાતને ફરીથી બળ મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૧માં તેમણે લગ્ન કર્યાં હતાં. તેમણે ધારાવાહિક 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં સાથે કામ કર્યું હતું. આ શો દરમિયાન એકમેકની મોહબ્બતમાં ગિરફતાર થયેલા ઐશ્વર્યા-નીલે ૨૦૨૧ની સાલમાં પ્રભૂતામાં પગલાં પાડયાં હતાં. ત્યાર પછી તેમણે 'સ્માર્ટ જોડી' અને 'બિગ બોસ'માં પણ ભાગ લીધો હતો. પરંતુ તેમના વિવાહિત જીવનમાં તિરાડ પડી હોવાની વાતો પણ વહેતી થઈ હતી. અને દિવાળીની ઉજવણીના વિવિધ પોઝના સુંદર ફોટા શેર કરનાર ઐશ્વર્યાએ તેનું કમેન્ટ સેક્શન ઓફ રાખ્યું હતું તે શું સૂચવે છે?ચ


