યે રિશ્તા ક્યા કહલાતા હૈનું રેટિંગ સતત ઘટતાં ચેનલની આકરાં પગલાં લેવાની ધમકી
સ્ટાર પ્લસ ચેનલ પર આવતી ટીવી શ્રેણી 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'એ ભૂતકાળમાં ટીઆરપીના અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા, પણ ટીઆરપીના લેટેસ્ટ આંકડાઓ જોઇએ તો વર્તાય છે કે હવે આ શોના વળતાં પાણી છે. ટીવીના નાના પડદે સૌથી લાંબી ચાલનારી સિરિયલને હાલ ટીઆરપીના ચાર્ટમાં ટોપ ટેનમાં સ્થાન જાળવી રાખવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એક સમયે ટીઆરપી ચાર્ટમાં પ્રથમ ત્રણ શોમાં પોતાનું મજબૂત સ્થાન ધરાવનારો આ શો હવે પ્રથમ પાંચ શોની યાદીમાંથી બહાર ફેંકાઇ ગયો છે. આ શોની રેટિંગ સતત ઘટી જવાને પગલે ચેનલે ટીવીશોના મેકર્સને નોટીસ પકડાવી દીધી હોવાના સમાચાર છે.
૨૦૦૯માં અક્ષરા અને નૈતિકની લવસ્ટોરી તરીકે ચાલુ થયેલી આ ટીવી શ્રેણી હવે ચોથી પેઢી સુધી લંબાઇ ચૂકી છે. હાલ અભિરા અને અરમાનની કહાની ચાલે છે. પણ લોકોનો રસ ઘટી રહ્યો હોવાથી ટીવી શ્રેણીમાં આઠ વર્ષનો લીપ લાવવામાં આવ્યો હતો. જેથી નવા પાત્રો અને નવી કહાની દ્વારા લોકોને ફરી રસ લેતાં કરી શકાય.આ નેમથી શોમાં અભિરા અને અરમાનની બેટીઓ લાવવામાં આવી હતી. પણ રેટિંગ વધવાને બદલે ઓર ઘટી જતાં ટીવી શ્રેણીના મેકર્સ અને ચેનલની ચિંતાઓ વધી ગઇ છે.
44 વર્ષની શ્વેતા તિવારીને અસલી મિસિસ બજાજ નીલમ સિંહ ટક્કર આપે તેવી છે
કસૌટી જિંદગી કી નામના ટીવી શોમાં મિસ્ટર બજાજની ભૂમિકા ભજવનારી શ્વેતા તિવારી ટીવીની જાણીતી અભિનેત્રી છે પણ આ શોમાં મિસ્ટર બજાજની ભૂમિકા કરનારા રોનિત રોયની બીજી પત્ની ફેશનના મામલે શ્વેતા તિવારીને પણ ટક્કર આપે તેવી છે. કોણ છે આ અસલી મિસિસ બજાજ? માંડીને વાત કરીએ તો રોનિત રોયે પહેલી પત્નીને ડાઇવોર્સ આપી દીધા હતા. એ પછી ૨૦૦૩માં રોનિત રોયે નીલમસિંહ સાથે બીજાલગ્ન કર્યાં હતા.નીલમ સિંહ અભિનેત્રી અને મોડેલ તરીકે કામ કરી ચૂકી છે. નીલમ ગ્લેમર અને સુંદરતાના મામલે ટીવીની મિસિસ બજાજ શ્વેતા તિવારીને ટક્કર આપે તેવી સુંદર અને ગ્લેેમરસ છે. રોનિત રોય સાથે લગ્ન કર્યા બાદ નીલમસિંહે એક્ટિંગ છોડી દઇ તેના સંતાનોના ઉછેરમાં ધ્યાન આપવાનું નક્કી કર્યું હતું. રોનિત રોય અને નીલમસિંહને બે સંતાનો નામે આદર અને અગત્સ્ય છે. નીલમ સોશ્યલ મિડિયા પર પણ છવાયેલી રહે છે. નીલમ સિંહ રોનિત રોયને પરણી તે પહેલાં રેમ્પ મોડેલ તરીકે કામ કરતી હતી. ૧૯૯૫માં તે ફેમિના લુક ઓફ ધ યરમાં પણ જોવા મળી હતી. તેણે થોડી ટીવી સિરિયલ્સ અને જાહેરાતોમાં પણ કામ કર્યું છે. રોનિત રોય સાથે ત્રણ વર્ષ ડેટિંગ કર્યા બાદ નીલમે ૨૦૦૩માં તેની સાથે લગ્ન કરી લીધાં હતા. આમ, મિસ્ટર બજાજ અસલી જિંદગીમાં પણ મિસિસ બજાજના મામલે નસીબદાર પુરવાર થયા છે.
અનેરી વાજાણી : શોબિઝમાં લક તો અત્યંત આવશ્યક
'નિશા ઔર ઉસકે કઝીન્સ', 'બેહદ' અને 'અનુપમા' જેવા ટીવી શોમાં અભિનય કર્યા પછી અભિનેત્રી અનેરી વાજાણીએ તાજેતરમાં જ 'જય કનૈયાલાલ કી' જેવી ગુજરાતી ફિલ્મ કરી માતૃભાષાની ફિલ્મમાં પદાર્પણ કર્યું. આજે અનેરી વાજાણી કહે છે, આ ફિલ્મે તો મને મારા મૂળમાં પાછી લાવી દીધી છે. મારી માતા અને સદ્ગત દાદી ઈચ્છતા હતા કે હું ગુજરાતી ફિલ્મ કરું અને તેમની ઇચ્છા પૂરી કરવા બદલ હું ખૂબ જ આભારી છું. શું ગુજરાતી ફિલ્મોમાં મોડેથી પ્રવેશ કરવો એ સભાન નિર્ણય હતો? આ પ્રશ્નના ઉત્તરમાં અનેરી કહે છે, જ્યારે ટેલિવિઝનથી મને વિવિધ પાત્રો અને શૈલીઓનું અન્વેષણ કરવાની તક મળી, ત્યારે માગણી ધરાવતા સમયપત્રકમાં મારા માટે ખૂબ જ ઓછો સમય બચતો હતો. ગુજરાતી ફિલ્મો માટે ઓડિશન અથવા નેટવર્કિંગ માટે જગ્યા તો દૂરની વાત છે, તેથી છેલ્લા બેત્રણ વર્ષમાં મેં આને આગળ ધપાવવા સભાન નિર્ણય કર્યો. એક કલાકાર તરીકે હું એક અલગ પ્લેટફોર્મનો અનુભવ કરવા અને નવા પડકારોનો સામનો કરવા માગતી હતી.
અનેરી કહે છે કે તે હંમેશા ટીવી શો કરવા માટે તૈયાર રહે છે. આ સંદર્ભે તે શેર કરે છે, ટેલિવિઝન કલાકાર બનવાનું ગમે છે. મેં જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે માટે આભારી છું. પ્રેક્ષકોએ મને છેલ્લા ઘણા સમયથી જે પ્રેમ આપ્યો છે તેના કારણે જ આ શક્ય બન્યું છે. આ વખતે મારું ધ્યાન ફિલ્મો ખાસ કરીને તો ગુજરાતી સિનેમા અને વેબ સીરિઝ તથા ટૂંકી ફિલ્મો તરફ કેન્દ્રીત થયું છે. પરંતુ યોગ્ય સ્ક્રિપ્ટ જો મળે તો હું ટીવી પર જરૂર પાછી ફરીશ, એમ અનેરીએ ઉમેર્યું હતું. અનેરી માને છે કે આ ઉદ્યોગ માટે નસીબની જબરી જરૂર છે. તમે સખત મહેનત કરી શકો છો, પરંતુ જો નસીબ જ તમારો સાથ ન આપે તો કોઈ પણ બાબત કામ પણ ન કરે. હું એક એવા તબક્કે પહોંચી ગઈ છું જ્યાં હું મારી સફરને શાંતિથી આગળ વધારવા માગું છું, એમ અનેરીએ જણાવ્યું હતું.


