ખુશમિજાજમાં છે માનસી જોશી રોય
માનસી જોશી રોય હમેશાંથી માત્ર પસંદગીનું કામ કરવા જાણીતી છે. આ કારણએ જ દરેક શો પછી સારું કામ મેળવવા માનસીને ખાસ્સી રાહ જોવી પડી છે. છેલ્લે 'ક્યંકિ સાસમા બહુ બહુ બેટી હોતી હૈ'માં જોવા મળેલ માનસી લગભગ એક વર્ષના અંતરાલ પછી 'લક્ષ્મી નિવાસ' દ્વારા ટીવી પર પરત ફરી રહી છે. આ ધારાવાહિકમાં તેના ભાગે ટાઈટયુલર રોલ આવ્યો હોવાથી માનસી બહુ ખુસ છે. તે કહે છે કે મને તેમાં મુખ્ય ભૂમિકા ભજવવા મળતાં મેં એ તક ઝડપી લીધી. આપણી ઇન્ડસ્ટ્રીમાં એક વય પછી ટાઈટયુલર રોલ મળે એવું ભાગ્યે જ બને. આવી સ્થિતિમાં હું આ ઓફર જતી શી રીતે કરું? તે વધુમાં કહે છે કે 'લક્ષ્મી નિવાસ'ની કહાણી મારા પાત્ર 'લક્ષ્મી'ની ધરી પર ફરતી જોવા મળશે. આ વાત જ મારા માટે ઉત્સાહપ્રેરક છે. આજે ટીવી એવા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે જ્યાં વયસ્ક યુગલોને ભાગે માત્ર મુખ્ય પાત્રોના માતાપિતાની ભૂમિકાઓ જ આવે છે. અલબત્ત, મને આવા પાત્રો અદા કરવામાં પણ જરાય વાંધો નથી. શરત માત્ર એટલી કે એ કિરદાર સ્ટોરી ડ્રીવન હોવું જોઈએ. મને કરવા ખાતર કોઈ કામ કરવામાં જરાય રસ નથી પડતો. મને સ્ટોરીને આગળ ધપાવવામાં ખપ લાગે એવા પાત્રો જ ભ્જવવા ગમે. અને 'લક્ષ્મી નિવાસ'માં મને આવું જ પાત્ર મળ્યું છે. માનસી કબૂલે છે કે ટીવી પર હવે પરિપક્વ વયના કિરદાર કેન્દ્ર સ્થાને રહે છે. આ બાબતે તે 'અનુપમા'નું ઉદાહરણ આપતાં કહે છે કે તેમાં યુવાની પાર કરી ચૂકેલું કિરદાર કેન્દ્ર સ્થાને છે. અને આ વાત ટેલિવિઝન સાથે એકદમ બંધ બેસે છે. પોતાની આ વાત સમજાવતાં માનસી કહે છે કે આજે મોટાભાગની ટીવી સીરિયલો પ્રૌઢ વયની કે વયસ્ક મહિલાઓ જુએ છે.
મીરાં દેવોસ્થળે અને ઝાન ખાન એકબીજાને ડેટ કરી રહ્યા છે?
પ્રેમ અમૂલ્ય અને અકલ્પનિય હોય છે. જેને થાય છે, તેને મેળવે છે અને.. પ્રેમ ઘણીવાર એવા લોકોને એકસાથે લાવવાની યોજના ધરાવે છે જેની કોઈને અપેક્ષા જ નહોય. એકબીજા પ્રત્યે આકર્ષિત થનારા તાજેતરના કલાકારો છે, ઝાન ખાન અને મીરા દેવોસ્થળે! આ બંને જણા ટીવી શો કુછ રીત જગત કી ઐસી હૈ-માં મુખ્ય કલાકારોની જોડી હતા. આ શો ગયા વર્ષે ફેબુ્રઆરીમાં શરૂ થયો અને બે મહિના પછી બંધ થઈ ગયો હતો. શો સમાપ્ત થઈ ગયા પછી તેઓ અલગ પડી ગયા હોવા છતાં ભાગ્ય તેમને પાછા સાથે લાવ્યું હોય તેવું લાગે છે અને આ વખતે તો એ બંને વચ્ચે પ્રેમ ખીલ્યો છે.
બંનેના નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે ઝાન અને મીરા કુછ રીત જગત કી ઐસી હૈના સેટ પર મિત્રો બન્યા હતા. આ પછી તેઓને એકબીજા પ્રત્યેની લાગણીનો અહેસાસ થયો. જે તેમને એકત્ર કરે છે તે તેમની મજબૂત મૂલ્યપ્રણાલિ અને પાયાનો દ્રષ્ટિકોણ છે. તેઓ છેલ્લા છ મહિનાથી રિલેશનશિપમાં છે.
જો કે ઝાન અને મીરા આ બાબતમાં કોઈ ટિપ્પણી કરી શકે એવી સ્થિતિમાં નહોતા મળ્યા.
મદાલસા શર્મા : મેં 21 ફિલ્મો કરી, પણ ટીવીએ આપેલી ઓળખ અજોડ છે
અભિનેત્રી મદાલસા શર્માએ 'અનુપમા' ટીવી શોમાં કાવ્યાની ભૂમિકા ભજવી લોકોમાં બેહદ લોકપ્રિય બની ગઈ. આ અત્યંત લોકપ્રિય શોને તેણે ગયા વર્ષે જ છોડી દીધો. અહીં તેણે નિખાલસ ચર્ચામાં જણાવ્યું છે કે ટેલિવિઝનના રોજિંદી ધમાલથી દૂર રહેવામાં અને આગળ હવે તે શું કરવા ઇચ્છે છે એ અંગે મોકળા મને વાતો કરી છે.
મદાલસા શર્માએ જણાવ્યું, 'જ્યારે તમે ચાર વર્ષ સુધી કોઈ શો કરો છો ત્યારે શરીર મશીનની જેમ વર્તવાનું શરૂ કરે છે. તે એક વિધ બની જાય છે. એકરૂપ બની જાય છે અને તમને તેનો થાક પણ લાગે છે. તમારે તમારા પરિવારને સમય આપવાની જરૂર પડે છે. અને તમારી જાત પર પણ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર ઊભી થાય છે. અને હું એ બધુ જ કરવામાં સફળ રહી, જે ખરેખર મહત્ત્વપૂર્ણ હતું.'
હવે તે કામ પર પાછા ફરવા માટે તૈયાર છે, પરંતુ યોગ્ય પ્રોજેક્ટ પસંદ કરવા માગે છે. ટીવી શો, ઓટીટી અને ફિલ્મો માટે પણ ઘણાં લોકો મારો સંપર્ક સાધે છે. પણ હવે હું જે કંઈ કરું તે યોગ્ય હોવું જોઈએ જેમ કે અનુપમામાં મારી ભૂમિકા હતી. હું ધોરણ ઊંચું રાખવા માગું છું, એમ તેણે શેર કર્યું. આલશ્યમ્ અમૃતમ્ અને યથાયરમ કોડી જેવી દક્ષિણની ફિલ્મોમાં અભિનય કરી ચુકેલી અભિનેત્રી મદાલસા કહે છે કે ટેલિવિઝનથી તમને જે ઓળ મળે છે તે અજોડ હતી. મેં ૨૧ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ અનુપમાના પહેલા થોડા મહિનામાં મને જે ઓળખ મળી તે અજોડ હતી. ટીવી તમને દર્શકો સાથે દૈનિક જોડાણ આપે છે, એમ તેણે જણાવ્યું હતું.
જ્યારે તે અન્ય માધ્યોની શોધ કરી રહી છે, ત્યારે ટેલિવિઝન સાવ સામાન્ય નથી બની જતું. મને ઘણાં બધા શોઝની ઓફર મળી છે, પણ હું ખરેખર રસપ્રદ કંઈકની રાહ જોઈ રહી છું.


