TV TALK .
હુનર ગાંધી : કૈકેયીનો રોલ સુખદ અનુભવ
'શહ ઔર માન', 'એક બુંદ ઇશ્ક' જેવી સીરિયલોમાં કામ કરનાર અભિનેત્રી હુનર હાલી ગાંધી હાલના તબક્કે પૌરાણિક ધારાવાહિક 'વીર હનુમાન'માં 'કૈકેયી'નું પાત્ર ભજવી રહી છે. અદાકારાને આ કિરદાર ભજવીને એવું લાગી રહ્યું છે જાણે તે ભીતરથી સમગ્રતયા બદલાઈ રહ્યું છે. તે કહે છે કે ભગવાન રામની માતા બનવું એ ભાવનાત્મક રીતે સુખદ અનુભવ છે. તે વધુમાં કહે છે કે કૈકેયીને મોટાભાગે રામને ૧૪ વર્ષ વનવાસ આપવા બાબતે જ યાદ રાખવામાં આવે છે. જ્યારે હકીકતમાં તે અત્યંત પ્રેમાળ અને હિમ્મતવાન સ્ત્રી છે. હુનરે આ કિરદાર અદા કરવા ખાસ્સી તૈયારી કરી હતી. તે કહે છે કે એક વીરાંગના તરીકે કૈકેયીને રજૂ કરવા મને અત્યંત શક્તિશાળી છતાં રાણી જેવી દેખાવા ગ્રેસફુલ રહેવાનું હતું. કૈકેયીના વ્યક્તિત્વના આ બંને પાસાં રજૂ કરવા મેં સારી એવી તૈયારી કરી છે. કૈકેયીમાં રાણી અને માતાનું ગજબનું સમન્વય છે. પરંતુ વિડંબણા એ છે કે કૈકેયીનું નામ આવતાવેંત આપણને રામનો વનવાસ સાંભરે છે. જોકે હુનરને એ વાતનો આનંદ છે કે તેને બાળરામ પર મમતાની વર્ષા કરવાનો અવસર સાંપડયો છે. તે કહે છે કે દર્શકોને પણ સીરિયલનો આ ભાગ કૈકેયીના અન્ય ગુણોની યાદ અપાવે છે. માયથોલૉજિકલ શોમાં કામ કરવાના અનુભવ વિશે અદાકારા કહે છે કે હું તેમાં કામ કરીને અભિભૂત થઈ રહી છું.
શક્તિ આનંદ: અભિનયમાં ડૂબકી
અભિનેતા શક્તિ આનંદ તાજેતરમાં જ 'કુમકુમ ભાગ્ય'માં 'કરણ લુથરા' તરીકે જોડાયો. અગાઉ તેણે આ કિરદાર 'કુંડલી ભાગ્ય'માં અદા કર્યું હતું. વર્ષ ૨૦૨૪માં આ શો વિરામ પામ્યો હતો. શક્તિ એ સમય સંભારતા કહે છે કે 'કુંડલી ભાગ્ય'માં અગાઉ શક્તિ અરોરા 'કરણ લુથરા'ની ભૂમિકા ભજવતો હતો. શોમાં મેં તેનું સ્થાન લીધું ત્યારે સોશ્યલ મીડિયા પર મને ખાસ્સો વગોવવામાં આવ્યો હતો. પરંતુ મેં તેના તરફ ધ્યાન આપવાને બદલે મારું પાત્ર સારામાં સારી રીતે ભજવવા તરફ ફોકસ કર્યું. હું લાઈટ ટેકનિશિયન લાઈટ શી રીતે એડજસ્ટ કરે છે, દિગ્દર્શક દ્રશ્યો શી રીતે સમજાવે છે, કેમેરા ક્રૂ શી રીતે કેમેરા ગોઠવે છે ઇત્યાદિ બારીકાઈપૂર્વક જોવાનું ગમે છે. તમે તમારી આસપાસ નજર રાખીને પણ ઘણું શીખી શકો. પરંતુ વિડંબણા એ છે કે મોટાભાગના લોકો હવે મોબાઈલમાં જ રત રહે છે. અને જ્યારે તમે નીરિક્ષણ કરવાનું છોડી દો ત્યારે તેની સીધી અસર તમારા કામ પર દેખાય. કળાને નિખારવા ભળવું પડે, કળાને એકલતા ન સદે.
ગૌરવ બજાજે બોલિવુડની વાટ પકડી
'છોટી સરદારની', 'ઉતરન' જેવી સંખ્યાબંધ સીરિયલોમાં કામ કરનાર અભિનેતાએ હવે ફિલ્મોમાં નસીબ અજમાવવાનું શરૂ કર્યું છે. છેલ્લે 'તુમકો મેરી કસમ'માં જોવા મળેલા ગૌરવે કહ્યું હતું કે ટચૂકડા પડદેથી ૭૦ એમએમના પડદે જવું ખરેખર બહુ પડકારજનક બની રહ્યું. અલબત્ત, તે સન્માનજનક પણ છે જ. મને આ માધ્યમમાં કામ કરવા પહેલાની કામ કરવાની રીત સમગ્રતયા ભૂલી પડે કે મનના એક ખૂમે ઢબૂરવી પડે એવો તાલ સર્જાયો હતો. ફિલ્મોમાં આવવું એટલે નવેસરથી એકડો ઘૂંટવા જેવું હતું. તમે ચાહે કેટલા પણ અનુભવી કેમ ન હો, તમે ગમે તેટલા ખ્યાતનામ કેમ ન હો, તમે ફિલ્મોદ્યોગમાં પ્રવેશો એટલે તમારી નવી ઓળખ બનાવવી પડે. અહીં તમે નવોદિત જ ગણાઓ. તે કહે છે કે મને અલગ અલગ પ્રકારનું કામ કરવું છે. હું ઇન્દોરથી અહીં હીરો બનવા નહીં, અભિનેતા બનવા આવ્યો છું. અહીં એ પ્રશ્ન થવો સહજ છે કે ફિલ્મોદ્યોગમાં ગયા પછી શું ગૌરવ ટીવી ઇન્ડસ્ટ્રી છોડી દેશે? આના જવાબમાં અભિનેતા કહે છે કે બિલકુલ નહીં, ટી.વી. મારો પાયો છે અને મને તેના પ્રત્યે માન છે. મેં ઓટીટી પર કામ કર્યું છે, હવે હું ફિલ્મોદ્યોગમાં આવ્યો છું, આમ છતાં હું મારા મૂળિયા સાથે જડાઈ રહેવા માગું છું.
પૂજા શર્માની સાત વર્ષે ટીવી પર વાપસી
ટચૂકડા પડદે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ અભિનેત્રી પૂજા શર્માએ 'જનક' શો દ્વારા સીરિયલોની દુનિયામાં વાપસી કરી છે. સાત વર્ષ લાંબા બ્રેકનું કારણ જણાવતાં અદાકારા કહે છે કે હું કલાકાર તરીકે આગળ વધવા માગતી હતી. મેં ફિલ્મો અને વેબ શોઝમાં કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે અત્યંત મુશ્કેલ નિવડયું. મને સતત રિજેક્શન મળતું રહ્યું. ઘણાં પ્રોજેક્ટ માટે મારું નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ મને તેમાં કામ ન મળતું. છેવટે એવો તબક્કો આવ્યો કે હું મુંબઈ છોડીને ઝારખંડ જતી રહી અને મારા માતાપિતાને બિઝનેસમાં મદદ કરવા લાગી. અત્યાર સુધી 'નાગીન', 'દિલ સે દિલ તક', 'દેવોં કે દેવ મહાદેવ' જેવા સંખ્યાબંધ શોમાં કામ કરી ચૂકેલી અદાકારા સાત વર્ષ પછી 'ઝનક'માં જોડાવાનું કારણ આપતાં કહે છે કે મેં ટીવી પર પરત ફરવાનું આયોજન નહોતું કર્યું. પરંતુ મને આ શોની ઑફર આવી અને મારા ભાગે આવેલો રોલ રસપ્રદ લાગ્યો તેથી મેં આ કામ સ્વીકારી લીધું. હવે હું અન્ય માધ્યમોમાં કામ મેળવવાનો પ્રયાસ પણ કરીશ. અગાઉ ટીવી કલાકારોને અન્ય માધ્યમોમાં કામ મેળવવા બ્રેક લેવો પડતો. પણ હવે સમય બદલાયો છે. તેઓ વિવિધ માધ્યમોમાં એકસાથે કામ કરી શકે છે.