TV TALK .
આર્યમાન સેઠી પ્રેમમાં પડયો
તાજેતરમાં અભિનેત્રી યોગિતા બિહાનીને તેના બૉયફ્રેન્ડ આર્યમાન સેઠીએ આશ્ચર્યનો આંચકો આપ્યો હતો. ટચૂકડા પડદાના જાણીતા યુગલ અર્ચના પુરણ સિંહ અને પરમીત સેઠીના પુત્ર અભિનેતા અને યુ ટયુબર આર્યમાન સેઠીએ હૈદરાબાદ ખાતે યોગિતાની મુલાકાત લીધી હતી. આર્યમાન (૩૩)એ ત્યાર બાદ પોતાના વ્લોગમાં સંબંધિત મુલાકાતનું વર્ણન કરવા સાથે યોગિતા પોતાની ગર્લફ્રેન્ડ હોવાનું જાહેર કર્યું હતું. યોગિતા (૨૯) પણ આર્યમાનની આ સરપ્રાઈઝથી ખુશ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે હા, હું અને આર્યમાન ડેટ કરી રહ્યાં છીએ. પરંતુ મને એવી કલ્પના સુધ્ધાં નહોતી કે આ વાત આટલી જલદી જાહેર થઈ જશે. મારા માટે પણ આ આશ્ચર્યની વાત છે. 'ધ કેરલા સ્ટોરી' ફેમ યોગિતાએ વધુમાં કહ્યું હતું કે આર્યમાન અમારા આયોજનથી એક દિવસ વહેલો હૈદરાબાદ આવ્યો હતો. મને એ વાતની કલ્પના પણ નહોતી કે તે અમારી રિલેશનશીપની જાહેરાત કરવાનો છે.
વીર હનુમાને મારી સેન્ચ્યુરી
છેલ્લાં કેટલાંક સમયથી કોઈપણ ધારાવાહિક શરૂ થાય ત્યારથી જ 'તે કેટલો વખત ચાલશે'ની ફિકરનો પણ આરંભ થઈ જાય છે. અને જો કોઈ શો ૧૦૦ એપિસોડ પૂરાં કરે તો તે મોટી સિધ્ધિ ગણાય છે. તાજેતરમાં આવી જ સિધ્ધિ પ્રાપ્ત કરી છે પૌરાણિક સીરિયલ 'વીર હનુમાન'એ. આ શોના સૂત્રોએ જણાવ્યું હતું કે 'વીર હનુમાન'એ ૧૦૦ એપિસોડ પૂરાં કરીને નોંધપાત્ર સિધ્ધિ મેળવી છે. પવનસુત હનુમાનની ભૂમિકા ભજવતો બાળકલાકાર 'આન તિવારી' દર્શકોના હૃદયમાં વસી ગયો છે. તેણે પોતાની અભિનય કળા દ્વારા કેસરીનંદન હનુમાનની વીરતા, રામભક્તિ અને ન્યાયન જેવા ગુણોને બખૂબી રજૂ કર્યાં છે. શોમાં આન તિવારી કેન્દ્ર સ્થાને હોવાથી તેની ખુશીનો પાર નહોતો રહ્યો. તેણે કહ્યું હતું કે આ કિરદારે મારી અંદર વીરતા સાથે દયાભાવનું આરોપણ કર્યું છે. આ પાત્રએ મને એટલી લોકપ્રિયતા અપાવી છે કે મને જોતાંવેંત લોકો મારી સામે સ્મિત વેરે છે, આ બધા જ કલાકાર-કસબીઓએ એકઠાં થઈને કેક કાપીને ૧૦૦ એપિસોડ પૂરાં કર્યાંની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું હતું કે દર્શકોએ અમારા કામને પસંદ કર્યું છે એટલે જ અમારી મહેનત લેખે લાગી છે.
ગૌરવ ચોપરા: અચ્છો કોસ્ચ્યુમ ડિઝાઈનર
સોહામણો અને પ્રતિભાશાળી અભિનેતા ગૌરવ ચોપરા દર્શકોમાં હમેશાં પ્રિય રહ્યો છે. પણ તેનું એક નોખું પાસું ખાસ જાણીતું નથી. બહુ ઓછા લોકો જાણે છે કે ગૌરવ ચોપરાએ 'નેશનલ ઇન્સ્ટિટયુટ ઑફ ફેશન ટેકનોલોજી'માંથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો છે. હાલના તબક્કે લોકપ્રિય ધારાવાહિક 'પુષ્પા ઇમ્પોસિબલ'માં કામ કરી રહેલો ગૌરવ વધુ એક વખત દર્શકોના દિલ જીતવામાં સફળ થયો છે. આ શોમાં 'પ્રોફેસર અને ધારાશાસ્ત્રી રાજવીર શાસ્ત્રી' તરીકે અધવચ્ચે જોડાવા છતાં તે પોતાની આગવી અદા તેમ જ અનોખા કોસ્ચ્યુમને કારણે છવાઈ ગયો છે. આમ છતાં જ્યારે 'પ્રોફેસર શાસ્ત્રી'ને એ વાતની અનુભૂતિ થાય છે કે 'પુષ્પા' શતપ્રતિશત સાચી છે ત્યારે તેઓ તેની જાણ બહાર જ તેને મદદ કરવા બનતું કરી છૂટે છે. ગૌરવ ચોપરાનું પાત્ર શોને આગળ ધપાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ શોમાં ગૌરવ ચોપરાને પોતાના કોસ્ચ્યુમ જાતે ડિઝાઈન કરવાની તક મળી છે. અને તેની સ્ટાઈલ દર્શકોને પ્રભાવિત કરી રહી છે.
રશ્મિ દેસાઈને રંગમંચ ફળ્યું
એ વાત હવે સર્વવિદિત છે કે રશ્મિ દેસાઈએ ટીવીથી અંતર બનાવીને ગુજરાતી રંગમંચને વ્હાલુ કર્યું છે. મહત્ત્વની વાત એ છે કે તેના સૌપ્રથમ નાટક 'મિસિસ મારા ઓનલાઈન છે' એ ૫૦ શો પૂરાં કરી લીધાં છે. સ્વાભાવિક રીતે જ અભિનેત્રી આ સિદ્ધિને પગલે ફૂલી નથી સમાતી.
રશ્મિ કહે છે કે થિયેટરોમાં આવીને અમારું નાટક જોનારા પ્રેક્ષકોની હું ખરા દિલથી આભારી છું. મને લાગે છે કે થિયેટરમાં જ કામ કરવાનો મારો નિર્ણય ફળદાયી પુરવાર થયો છે. નવું નવું શીખવા અને ફરીફરીને શીખવા માટે થિયેટર શ્રેષ્ઠ માધ્યમ છે. હવે મને અહીં રહીને જ ઘણું શીખવું છે.
રશ્મિને હવે ટીવી પર પરત ફરવામાં ખાસ રસ હોય એવું નથી લાગતું. અભિનેત્રી કહે છે કે ટીવીનો આત્મા જ ખોવાઈ ગયો હોય, સીરિયલોની કહાણીઓમાં રસકસ ન રહ્યાં હોય એવું ભાસી રહ્યું છે. દૈનિક શો માટે જે પ્રયાસો અને પરિશ્રમ કરવાં પડે તેમાં વૃદ્ધિ થઈ છે. દરેક એપિસોડ આગામી એપિસોડનો વિચાર કરીને આગળ ધપાવવામાં આવે છે. દૈનિક ધારાવાહિકોનું શૂટિંગ કરતી વખતે દરરોજ નવી ફિલ્મનું શૂટિંગ કરતાં હો એવું લાગ્યા વિના ન રહે. વળી તેના પરિણામ અને રીવ્યુ ઘડીના છઠ્ઠા ભાગમાં મળી જાય. ટીવી પર કામ કરતાં કલાકારો સાજેમાંદે પણ બેસ્ટ પર્ફોર્મન્સ આપવા બંધાયેલા હોવા છતાં તેમને જે માન અને યશ મળવાં જોઈએ તે નથી મળતાં.