શાહિદ કપૂર: ચીયર્સ!
આ તસવીરમાં શું કોઈનો બર્થડે સેલિબ્રેટ થઈ રહ્યો છે? કે એનિવર્સરી જેવું કંઈક? ના, આ ફોટોગ્રાફ મડોક ફિલ્મ્સે પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેર કર્યો છે, જેનું કેપ્શન છે: 'એન્ડ ઇટ્સ અ રૅપ ઓન કોકેટલ-ટુ!' એટલે કે '...અને આ સાથે 'કોકેટેલ-ટુ' ફિલ્મનું શૂટિંગ પૂરું થાય છે!' ંતસવીરમાં શાહિદ કપૂર, કૃતિ સેનન, રશ્મિકા મંદાના અને ફિલ્મના ડિરેક્ટર હોમી અડજાણિયા, ટિપિકલ ભાષામાં કહીએ તો, 'દ્રષ્ટિગોચર થાય છે'. જો તમને યાદ હોય તો ઓરિજિનલ 'કોકટેલ' ફિલ્મ (૨૦૧૨)માં સૈફ અલી ખાન, દીપિકા પદુકોણ અને ડાયેના પેન્ટી હતાં. પ્રીતમનું મસ્તમજાનું મ્યુઝિક હતું. આ ફિલ્મથી જ સકળ વિશ્વને પહેલી વાર ખાતરી થઈ હતી કે ના, દીપિકા પદુકોણ માત્ર ગ્લેમરસ ઢીંગલી નથી, એ સારી એક્ટિંગ પણ કરી જાણે છે. આટલાં બધાં વર્ષોના વહાણાં વાઈ ગયા પછી પાર્ટ-ટુ આવ્યો છે, જેમાં હરાબ બરાબર એક પણ આર્ટિસ્ટને રિપીટ કરવામાં આવ્યો હોય તો! તો પછી આ ફિલ્મને 'કોકટેલ-ટુ' એવું ટાઇટલ શું કામ આવ્યું છે તે એક પ્રશ્ન છે. સમજોને કે આ 'નેચરલ સિક્વલ' નથી, પણ 'સ્પિરિચ્યુઅલ સિક્વલ' છે. (કોણે આ 'સ્પિરિચ્યુઅલ સિક્વલ' જેવો ભારેખમ અને સગવડિયો શબ્દપ્રયોગ શોધ્યો હશે ભલા?) શાહિદની નવીનક્કોર ફિલ્મ 'ઓ રોમિયો' (ડિરેક્ટર, વિશાલ ભારદ્વાજ) આવતા શુક્રવારે રિલીઝ થવાની છે. બાય ધ વે, તમે યુટયુબ પર શાહિદનું પ્રખર ગુપ્તા સાથેનો પોડકાસ્ટ જોયો? મસ્ત છે. તે જોતી વખતે આપણને જાય કે વા રે વા, આપણો આ એક સમયનો આ ચોકેલટી હીરો આટલું વાંચતો-વિચારતો હશે, જીવન અને અધ્યાત્મ વિશે આટલી બધી માનસિક સ્પષ્ટતા ધરાવતો હશે, અને ખાસ તો, આટલી પ્રભાવશાળી રીતે પોતાના વિચારોને શબ્દોમાં મૂકી શકતો હશે એની તો કલ્પના જ નહોતી. સરસ!
ફ્રેડી દારૂવાલાનો મહાપ્રશ્ન
...એ જ રીતે ફ્રેડી દારૂવાલા આટલા ફની હશે એવી ય આપણને ક્યાં કલ્પના હતી? આ તો મનન દેસાઈ આણિ મંડળી (ચંડાળ ચોકળી એવું કોણ બોલ્યું?) નિયમિતપણે 'લવારી' નામનો પેલો હસીમજાકથી ભરપૂર લાઇવ શો કરે છે તેનો યુટયુબ વીડિયો જોયો ત્યારે ખબર પડી કે ગેસ્ટ બનીને આવેલા આ સોજ્જો પારસી એક્ટર જેટલા હેન્ડસમ છે એટલા હ્યુમરસ પણ છે. ફ્રેડીને આપણે એમની ડેબ્યુ ફિલ્મ 'હોલીડે' (૨૦૧૪), 'ફોર્સ-ટુ', 'કમાન્ડો-ટુ', 'રેસ-થ્રી' જેવી બોલિવુડની ઘણી ફિલ્મોમાં જોયા છે. આજકાલ નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહેલી 'તસ્કરી' વેબ સિરીઝમાં પણ તેઓ, યેસ, 'દ્રષ્ટિગોચર' થાય છે. (આ 'દ્રષ્ટિગોચર' કેવો ફની વર્ડ છે, નહીં?) હજુ સુધી કોઈ ગુજરાતી પ્રોડયુસર-ડિરેક્ટરે કેમ આ પાક્કા સુરતી લાલાને પોતાની ફિલ્મમાં કાસ્ટ કર્યા નથી તે એક મહાપ્રશ્ન છે!
રામ ચરણ: હમ દો, હમારે તીન
સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર રામ ચરણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકીને હરખ કર્યો છે. લખે છે, 'મને એ શેર કરતાં આનંદ થાય છે કે અમારે ત્યાં એક દીકરો અને દીકરીની પધરામણી થઈ છે. બે દીકરીઓ અને એક દીકરાનાં માતાપિતા બનીને અમે ધન્યતાનો અનુભવ કરી રહ્યાં છીએ...' મીન્સ કે રામ ચરણના પરિવારમાં એક પુત્રી બાદ ટ્વિન્સનો ઉમેરો થયો છે. આ તસવીરમાં રામ ચરણ અને એની પત્ની ઉપાસનાએ જીભડી કાઢીનેે શાનથી બેઠેલા બન્ને શ્વાનો સાથે કેવું મસ્ત કલર-કોર્ડિનેશન કર્યું છે! એટલે આમ તો રામ અને ઉપાસના કુલ પાંચ સંતાનોનાં માતા-પિતા છે એમ કહેવાય. જેમણે ઘરે પ્રાણી પાળ્યું છે તેઓ બરાબર જાણે છે કે અબોલ પ્રાણી સાથે સગા સંતાન જેવી જ માયા બંધાઈ જતી હોય છે. રામ ચરણના અને એમના પરિવાર પર શ્રી રામજીના આર્શીવાદ બરકરાર રહે...


