અહાન, અનીત અને કવરશૂટ
એક જમાનો હતો જ્યારે ફિલ્મ મેગેઝિનોની ભયંકર બોલબાલા હતા. હા, અહીં 'ભયંકર' શબ્દ જાણીજોઈને વાપરવામાં આવ્યો છે, કેમ કે જ્યારે હજુ ઇન્ટરનેટ આવ્યું નહોતું ને દુનિયા હજુ ડિજિટલ યુગમાં પ્રવેશી નહોતી ત્યારે ફિલ્મી ગોસિપનો એકમાત્ર સ્રોત આ રુપકડાં ફિલ્મ માસિકો જ હતાં. આજે તો અખબારો પાનાં ભરી ભરીને ફિલ્મી ગપસપ છાપે છે, પણ તે જમાનમાં તો છાપાઓમાં સિનેમા સંબંધિત લેખોને અત્યંત ઓછું સ્થાન મળતું. પેલાં લિસ્સાં ગ્લોસી મેગેઝિનોની સામગ્રી પરથી અથવા તો તેના ફોલો-અપ તરીકે છાપાંઓ હળવેકથી થોડુંક કશુંક છાપી નાખતાં, એટલું જ. એ જમાનામાં ફિલ્મ સામયિકના, ફોર ધેટ મેટર, કોઈ પણ મેગેઝિનના મુખપૃષ્ઠ પર ફોટો છપાવો તે હીરો કે હિરોઈન માટે મોટા ગર્વની વાત ગણાતી. આ કાળખંડ હવે ભૂતકાળ બની ગયો છે. જુઓને, એટલે જ 'સૈયારા' સેન્સેશન અહાન પાંડે અને અનીત પદ્દાનું સૌથી પહેલું કવર ફોટો શૂટ થયું ત્યારે કોઈ હલચલ ન થઈ. શા માટે થાય? આજે સૌ કોઈની મોબાઇલ સ્ક્રીન પર સ્ક્રોલ થયા કરતા સોશિયલ મીડિયામાં આ બન્ને ચોવીસે કલાક હાજરાહજૂર છે. અલબત્ત, વ્યક્તિગતપણે તેમના માટે તો મેગેઝિન કવર શૂટ બહુ મોટી ઘટના હતી એટલે મોટા ઉપાડે એમણે આ ફોટો સેશનની તસવીરો ને ભેગાભેગી બિહાન્ડ-ધ-સ્ક્રીન ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું જ.
ઐશ્વર્યા અને કેટરીનાનું એક્સ-સ્ક્વેર
પેલું કહે છેને કે દુશ્મનનો દુશ્મન આપોઆપો, બાય ડીફોલ્ટ, દોસ્ત બની જાય છે. માનવામાં નથી આવતું? સોશિયલ મીડિયા પર ધૂમ શેર થયેલી આ તસવીર જોઈ લો. બેમાંથી એક સુંદર નારી છે ઐશ્વર્યા રાય અને બીજી નમણી નાર છે કેટરીના કૈફ. બન્ને વચ્ચે શું કોમન છે? ના ના, બન્ને બોલિવુડની હિરોઈન છે ને બન્ને મેરીડ છે ને એવું બધું નહીં. અહીં પ્રસ્તુત જવાબ છે - આ બન્ને સલમાન ખાનની ભૂતપૂર્વ પ્રેમિકાઓ છે. માનો કે બન્ને વચ્ચે પાક્કા બહેનપણાં હોય (જે વાસ્તવમાં નથી) ને બન્ને જણીયું અવારનવાર ટોળટપ્પા મારવા એકઠી થતી હોય (જે વાસ્તવમાં થતી નથી), તો તેઓ તેમની વાતચીતનો ટોપિક શું રહેતો હશે? સિનેમાજગતમાં સર્જનાત્મકતા, વીતેલાં વર્ષોનો વૈભવ, રૂપ અને પ્રતિભા વચ્ચેનો આંતરિક સંબંધ એવું બધું, રાઇટ? (ના ના હવે, આ બન્ને ભેગી થઈને સલમાન ખાનની કૂથલી કરતી હોત, એવું કોણ બોલ્યું?) એ જે હોય તે, આ તસવીરમાં બન્ને લાગે છે રૂપ રૂપનો અંબાર એની ના નહીં. પ્લીઝ, હવે કોઈ એવું નહીં કહેતા કે આ અસલી તસવીર નથી, આ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) જનરેટેડ ઇમેજ છે!
નીલ, નામ અને વજન
કોણે કીધું કે નામમાં શું છે? નીલ નીતિન મૂકેશ માટે તો જે છે તે સઘળું નામમાં જ છે. એના નામમાં તો પાછું ત્રણ-ત્રણ નામોનું ઝુમખું છે - નીલ, નીતિન અને મૂકેશ. અટક તો છે જ નહીં. તેથી જ નીલ નીતિન મૂકેશના નામ વિશે આજ પર્યંત કપિલ શર્માના શોમાં અને અન્યત્ર સતત જોક્સ થયા રાખે છે. ચાલો, આ બહાને લોકો નીલને યાદ તો કરે છે. બાકી સરેરાશ હિરોઈન કરતાંય વધારે ગોરા એવા આ હીરોની કરીઅર ખાસ જમાવટ કરી શકી નથી. એ પર્ફોર્મર તરીકે ઠીકઠાક છે, તો પણ. છેલ્લે એ છેક ૨૦૧૯માં પ્રભાસની 'સાહો'માં સ્ક્રીન પર દેખાયો હતો. છૂટાછવાયા વેબ કોન્ટેન્ટમાં એ દેખાઈ જાય છે એટલું જ. નીલના નામ જેટલી જ એની કરીઅર પર વજનદાર હોત તો સારું થાત, નહીં?


