આલિયા, આહા!
આપણી કન્યાઓની ખ્યાતિ હવે સાચ્ચે જ ઇન્ટરનેશનલ થઈ રહી છે. પ્રિયંકા ચોપડા તો અવિરતપણે પોતાના જલવા દેખાડી જ રહી છે ત્યાં હવે આલિયા ભટ્ટ બાફ્ટા અવોર્ડઝની સેરીમનીમાં જઈ આવી. (આલિયાએ નજીકના ભૂતકાળમાં 'હાર્ટ ઓફ સ્ટોન' નામની હોલિવુડની ફિલ્મમાં કામ પણ કર્યું હતું, તમને યાદ હોય તો.) અવોર્ડ્ઝની દુનિયામાં ઓસ્કર અને ગોલ્ડન ગ્લોબની જેમ બાફ્ટા (બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ)નું પણ મોટું નામ છે. તમારી ફિલ્મ કે શોને બાફ્ટા અવોર્ડ મળે યા તો તમને બાફ્ટાની સેરિમનીમાં અવોર્ડ પ્રેઝન્ટર તરીકે આમંત્રણ મળે તો આતંરરાષ્ટ્રીય ફિલ્મી વર્તુળોમાં તરત તમારી નોંધ લેવાય છે. આલિયા મસ્ત બનીઠનીને, સ્ટાઇલો મારતી મારતી મંચ પર ગઈ હતી અને બેસ્ટ નોન-ઇંગ્લિશ ફિચર ફિલ્મ કેટેગરીની વિજેતા ફિલ્મ તરીકે 'સેન્ટિમેન્ટલ વેલ્યુ'ની ઘોષણા કરી હતી. સોશિયલ મીડિયા આલિયાની બાફ્ટા સ્પીચ અને તસવીરોથી છલક છલક થઈ રહ્યું છે. તે જોઈને તમને પણ શું એવું નથી લાગતું કે મમ્મી બન્યા પછી આલિયાનું રૂપ ઉલટાનું વધારે ખિલ્યું છે?
તાપસી અને અનુભવ: અસ્સી નબ્બે પૂરે સૌ
બોક્સ ઓફિસ પર પૈસા રળવા અને દર્શકોના ચિત્ત પર ઊંડો પ્રભાવ છોડવો - આ બન્ને બહુ જુદી વસ્તુઓ છે. 'અસ્સી' (એટલે કે એંસી, ૮૦) જ જોઈ લો. આજકાલ લોકોમાં અનુભવ સિંહાએ ડિરેક્ટ કરેલી અને તાપસી પન્નુને ચમકાવતી આ ફિલ્મની ખૂબ ચર્ચા ચાલે છે. ફિલ્મથી પ્રભાવિત થયેલા અમુક રિવ્યુઅર્સ તો તેને માત્ર 'મસ્ટ વોચ' નહીં, બલ્કે 'ઇરર્જન્ટ વ્યુઇંગ' ગણાવે છે. ફિલ્મ ડિસ્ટબગ છે, પણ એટલે જ અસરકારક છે. ફિલ્મમાં કની કુશ્રુતિની બહુ મહત્ત્વની ભૂમિકા છે. કની કુશ્રુતિ એટલે 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ' (૨૦૨૪) નામની કાન ફિલ્મોત્સવમાં વિજયપતાકા લહેરાવી ચૂકેલી ફિલ્મની મુખ્ય નાયિકા. અનુભવ સિન્હા અને તાપસીએ આ ફિલ્મના પ્રમોશન માટે દેશભરનાં શહેરોમાં પ્રવાસો કર્યાં. સોશિયલ મીડિયા પર સરક્યુલેટ થયેલી આ તસવીરમાં તેઓ સેટ પર ગંભીર ચર્ચા કરતા દેખાય છે. મોર પાવર ટુ ટીમ અસ્સી!
વરૂણ સોબ્તી: ધૂમ્મસ વિખરાય છે...
જ્યારથી 'કોહરા-ટુ' વેબ શો નેટફ્લિક્સ પર મૂકાયો છે ત્યારથી વરૂણ સોબ્તી ઝાલ્યો ઝલાતો નથી. શોના પુષ્કળ વખાણ થઈ રહ્યા છે. મોના સિંહની સાથે વરૂણ સોબ્તીનો અભિનય પણ ઓડિયન્સને ખૂબ ગમ્યો છે. વરૂણનો કાળી ભમ્મર દાઢી અને તોતિંગ મૂછવાળો લૂક ઘણા લોકોને ખૂબ પસંદ છે, પણ ફ્રેન્કલી, અમને તો વરૂણ આ ઇન્સ્ટા-તસવીરમાં દેખાય છે એવા લૂકમાં વધારે સારો લાગે છે. વરૂણ ટેલિવિઝન સિરીયલોનું પ્રોડક્ટ છે. વેબ શોઝના પ્રતાપે જે રીતે એનું ફેનફોલોઇંગ દિવસે ન વધે એટલું રાતે ને રાતે ન વધે એટલું દિવસે વધી રહ્યું છે તે જોતાં લાગે છે કે એને કોઈ ફિલ્મમેકર મોટા પડદે મસ્ત રીતે ચમકાવે એટલી જ વાર છે. ભૂતકાળમાં એણે ચારેક ફિલ્મો કરી છે, પણ એમાંથી એકેય નોંધપાત્ર નથી. જોઈએ, હવે 'કોહરા-થ્રી' પહેલાં આવે છે એની કોઈ ફિલ્મ.


