લિસા રે: પૂરબ ઔર પશ્ચિમ
નવરાત્રિ આવી નથી કે ટ્રેડિશનલ પોશાકથી સજ્જ નરનારીઓથી સોશિયલ મીડિયા છલક-છલક થયું નથી. ઉપરની ઇન્સ્ટા-તસવીરમાં દ્રશ્યમાન સન્નારીને જુઓ. ઓળખાણ પડી? એ લિસા રે છે. યુવા પેઢી આ નીલી નીલી આંખોવાલી નારીને કદાચ ન ઓળખે, પણ રસિક વડીલ વાચકોને બોમ્બે ડાઇંગની પેલી મહાગ્લેમરસ વિજ્ઞાાપનો બરાબર યાદ હશે, જેમાં સફેદ ટુવાલમાં લપેટાયેલી લિસા યૌવનરસ એવો છલકાવતી હતી રંભા કે મેનકા જેવી સ્વર્ગની અપ્સરાઓની પણ છુટ્ટી થઈ જતી હતી. ૧૯૯૦ના દાયકાની આ ટોપ મોડલે પછી તો બોલિવુડમાં એન્ટ્રી મારી હતી અને દીપા મહેતાની વિવાદાસ્પદ 'વોટર' સહિત કેટલીક ફિલ્મોમાં અભિનયનાં અજવાળાં પાથરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. લિસા રેના જીવનનું સૌથી આકર્ષક પાસું તો જોકે આ છે - એ કેન્સર સર્વાઇવર છે. કેન્સરની બીમારીનો એણે જે રીતે મુકાબલો કર્યો તે કાબિલે-તારીફ છે. લિસાના ફાધર કેનેડામાં વસતા બંગાળી છે અને માતાજી યુરોપિયન. લિસાના પતિદેવ જેસન કેનેડિયન બેન્કર છે. લિસાની દીકરીઓ પારંપરિક પોષાકમાં કેવી ક્યુટ લાગે છે, નહીં?
રાઘવ જુયાલ: આખી દુનિયા એક તરફ...
અત્યારે ભલે નવરાત્રિ ઉજવાઈ રહી છે, પણ રાઘવ જુયાલ ઇન્ટરનેટ પર મિની બોમ્બની જેમ ફાટયો છે. કારણ? 'બેડ્સ ઓફ બોલિવુડ' નામના વેબ શોમાં એણે આપેલું પર્ફોર્મન્સ. આર્યન ખાનની આ ખાસ્સી વખણાઈ રહેલી વેબ સિરીઝમાં બોલિવુડના ખૂબ બધા કલાકારો દેખાય છે, જેમાં એક ઈમહાન હાશ્મિ પણ છે. શોમાં રાઘવને ઇમરાન હાશ્મિનો સુપર ફેન દેખાડવામાં આવ્યો છે. આ બન્નેનાં દ્રશ્યોની ટચુકડી ક્લિપ્સ હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઈ છે. આખો શો જોયો ન હોય, પણ માત્ર આ ક્લિપ જ જોવાની તસદી લીધી હોય તો પણ રાઘવનું કોમિક અભિનય હસાવ્યા વગર રહેતો નથી. એના કરીઅરની મેઇન મેઇન 'વસ્તુઓ'ની વાત કરીએ તો સૌથી પહેલાં તો એ 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'નો પાટસિપન્ટ બન્યો (એનું પેલું સ્લો-મોશનવાળું ડાન્સ સ્ટેપ જબરદસ્ત પોપ્યુલર બન્યું હતું અને હજુય ખાસ્સું પોપ્યુલર છે), પછી 'ડાન્સ પ્લસ' શોનો એન્કર બન્યો (બીજાય કેટલાય શોઝનો એ હિસ્સો બન્યો), પછી ધર્મા પ્રોડક્શનની 'કિલ' ફિલ્મમાં વિલનવેડા કર્યા અને હવે 'બેડ્સ ઓફ બોલિવુડ'... આ ટેલેન્ટેડ યુવાનનું વર્તમાન અને ભવિષ્ય બન્ને ઉજ્જવળ છે એ તો નક્કી.
લક્ષ્યનું ટાર્ગેટ
તમે રાઘવ જુયાલની વાત કરો ને લક્ષ્ય લાલવાણીને ભૂલી જાઓ તે ન ચાલે. ધર્મા પ્રોડક્શનની 'કિલ' નામની પેલી અતિ હિંસક ફિલ્મમાં રાઘવ વિલન હતો તો લક્ષ્ય મેઇન હીરો હતો. લક્ષ્યના પર્ફોર્મન્સના ભારોભાર વખાણ થયા હતા. 'બેડ્સ ઓફ બોલિવુડ' પછી એ ધર્મા પ્રોડક્શનની ઔર એક ફિલ્મમાં દેખાશે, જેનું ટાઇટલ છે, 'ચાંદ મેરા દિલ'. અનન્યા પાંડે હિરોઈન છે અને વિવેક સોની નામના અજાણ્યા ડિરેક્ટરે તે નિર્દેશિ કરી છે. ના, લક્ષ્ય કંઈ નેપો કિડ નથી, મીન્સ કે એ ફિલ્મી ફેમિલીનું ફરજંદ નથી. એના ફાધર દિલ્હીમાં બિઝનેસમેન છે અને મમ્મી ટીચર છે. કરણ જોહર એટલે જ વાતવાતમાં લક્ષ્યનો ઉલ્લેખ કરીને કહેતા હોય છે કે કોણે કહ્યું કે હું માત્ર સ્ટાર સંતાનોને જ ચાન્સ આપું છું? રૂડારૂપાળા લક્ષ્યમાં બોલિવુડ સ્ટાર બનવાનાના તમામ ગુણો મોજુદ છે. જોઈ લો એની આ લેટેસ્ટ તસવીર, જે એણે ખુદ સોશિયલ મીડિયા પર શેર કરી છે.


