Get The App

SOCIAL સર્કલ .

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

અહાન પાંડે: લો મૈં આ ગયા...

સાચ્ચે, આ સોશિયલ મીડિયા 'સૈયારા... સૈયારા...' અને 'અહાન... અહાન...' કરીને રીતસર ગાંડું થઈ ગયું છે. કોણે કલ્પના કરી હતી કે 'સૈયારા' નામની સાવ અજાણી ફિલ્મ અચાનક ક્યાંકથી ફૂટી નીકળશે અને યંગસ્ટર્સમાં એનો જોરદાર ક્રેઝ શરૂ થઈ જશે. એ વાત અલગ છે કે વાંકદેખાઓ આ ક્રેઝને 'મેન્યુફેક્ચર્ડ' એટલે કે બનાવટી ગણાવે છે... પણ ના હોં, સાવ એવું નથી. મોહિત સુરીએ ડિરેક્ટ કરેલી અને યશરાજ ફિલ્મ્સે પ્રેઝન્ટ કરેલી આ રોમેન્ટિક ફિલ્મ સાચે જ તરંગો સર્જી રહી છે. જો વાતમાં દમ ન હોય તો કોઈ પણ ફિલ્મ પહેલા જ દિવસે ૨૧ કરોડ, બીજા દિવસે ૨૪ કરોડ, ત્રીજા-ચોથા દિવસે મીન્સ કે પહેલા વીકએન્ડમાં ૫૬ કરોડ જેટલો બિઝનેસ કરીને ૧૦૦ કરોડ ક્લબ તરફ આસાનીથી કૂદકો કેવી રીતે મારી શકે? બોલિવુડમાં જ્યારે ભલભલા હીરોલોગ-ડિરેક્ટરો-બેનરોની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટપોટપ પટકાઈ રહી છે ત્યારે 'સૈયારા'ને મળી ગયેલી સરપ્રાઇઝ સક્સેસને કારણે બધા અવાચક થઈ ગયા છે - ફિલ્મ બનાવાનારાઓ પોતે પણ! 

આ ફિલ્મને કારણે જો કોઈ ખરેખર સાતમા આસમાનમાં વિહરી રહ્યું હોય તો એ છે અહાન પાંડે, ફિલ્મનો હીરો. અહાન એટલે ચંકી પાંડેના નાના ભાઈ ચિક્કી પાંડેનો દીકરો. (પાંડેબંધુઓનાં નામ એમનાં મમ્મીપપ્પાએ સાવ કેવાં પાડયાં છે, નહીં?) આમ, અહાન એ અનન્યા પાંડેનો કઝિન થાય. અહાનની સગી બહેન અલ્લાના પાંડે ઠીક ઠીક જાણીતી યુટયુબર છે. અનન્યાએ તો હરખપદૂડી થઈને ઇન્સ્ટા પર અહાન સાથેની તસવીરો શેર કરીને લખ્યું છે: 'કોન્ગ્રેચ્યુલેશન્સ... ડિઝર્વ્સ ઓલ ધ લવ એન્ડ અપ્રિશિએશન...' ભેગેભેગા એણે ડિરેક્ટરને પણ મસ્કા મારી લીધા છે: 'મોહિત સુરી... વોટ અ મેજીશિયન!'

'સૈયારા' જાણે 'આશિકી'ની સિક્વલ હોય તેવી ફીલ આપે છે. અહાનની આ પહેલી જ ફિલ્મ છે, પણ કહેવું પડે, એણે એક્ટિંગ મજબૂત કરી છે. (શીખ, ઇબ્રાહિમ સૈફ અલી, કંઈક શીખ જુનિયર પાંડે પાસેથી!) કોઈ એને જુનિયર રણબીર કપૂર કહે છે, તો કોઈ એને રણબીર કપૂર અને હૃતિકનું મિશ્રણ કહે છે. ફોર અ ચેન્જ, અહાન એક નેપો કિડ હોવા છતાં કોઈએ એની સામે વિરોધના ઝંડા લહેરાવ્યા નથી. સાચ્ચે, એક્ટરમાં દમ હોય તો એ ઇનસાઇડર હોય કે આઉટસાઇડર, ઓડિયન્સને કશો ફર્ક પડતો નથી.  

અનીત પદ્દા: હમ કિસી કે કમ નહીં

આ બહુ સારી સ્થિતિ છે કે ફિલ્મમાં નવી જોડી લોન્ચ થાય ને હીરો-હિરોઈન બન્નેના લગભગ એકસરખી તીવ્રતાથી વખાણ થાય. ઓડિયન્સને 'સૈયારા'ની ક્યુટડી હિરોઈન અનીત પદ્દા પણ ખૂબ ગમી ગઈ છે. એનો અભિનય પણ ખૂબ તગડો છે. મજા જુઓ, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં અહાનની માફક અનીતનું પણ વિકીપિડીયા પેજ ક્યાંય દેખાતું નથી. અરે, 'સૈયારા' ફિલ્મનું પણ વ્યવસ્થિત વિકીપિડીયા પેજ બન્યું નથી. આ સઘળું સનિશ્ચિત સ્ટ્રેટેજીનો ભાગ છે. મોહિત સુરી અને પ્રોડયુસરોએ નક્કી કર્યું હતું કે ફિલ્મની રિલીઝ પહેલાં હીરો-હિરોઇનની ફરતે કોઈ હાઇપ પેદા ન કરવી, એમને મીડિયાથી તદ્દન દૂર રાખવા, નો પ્રેસ કોન્ફરન્સ-નો પોડકાસ્ટ્સ! ઓડિયન્સ આ ન્યુકમર્સને પડદા પર જુએ ત્યારે બિલકુલ ફ્રેશ લાગવા જોઈએ. લાગે છે કે આ સ્ટ્રેટેજી એકદમ કામ કરી ગઈ છે. શક્ય છે કે બોલિવુડમાં હવે હવે નો-મીડિયા-બિફોર-રિલીઝ ટાઇપનો ટ્રેન્ડ શરૂ થઈ જાય. અહાન તો અનન્યાનો પિતરાઈ ભાઈ છે એટલે તેના વિશે હજુ થોડીઘણી માહિતી મળે છે, પણ અનીત (અનીતા નહીં, પણ અનીત) ઓફ્ફ-ધ-કેમેરા કેવી રીતે વર્તે છે, એ કેવીક કોન્ફિડન્ટ છે વગેરે બાબતોની હજુ સુધી આમજનતાને ખબર પડી નથી. બહુ બહુ તો તમે એની ઇન્સ્ટા પિક્સ જોઈ શકો છો. ફક્ત એક અપેક્ષા છે. કન્યા હિરોઇન બને એટલે ક્યારેક એનું નામ બદલી નાખવામાં આવે છે. અનીતે એનું નામ નહીં, પણ સરનેમ બદલવાની જરૂર છે એવું તમને પણ નથી લાગતું? પદ્દા? ઓહ, નોન ફિલ્મી.