Get The App

SOCIAL સર્કલ .

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

કંગના રનૌતનું થ્રી-ઇન-વન

સાચ્ચે, કંગના રનૌતને સોશિયલ મીડિયા વગર અને સોશિયલ મીડિયાને કંગના રનૌત વગર સહેજે ચાલતું નથી. જુઓને, આપણી આ એમપી એક્ટ્રેસ હમણાં એક નહીં, બે નહીં, પણ ત્રણ-ત્રણ કારણોસર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ. એક તો, બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) પર ૨૭ વર્ષથી અડિંગો જમાવીને બેઠેલી શિવસેનાનો તાજેતરની ચૂંટણીમાં સોલિડ પરાજય થયો અને તે પણ બીજેપીના હાથે. તરત જ સોશિયલ મીડિયા પર કંગનાની જૂની વીડિયા ક્લિપ વાઇરલ થઈ, જેમાં એ ઉદ્ધવ ઠાકરેને કહે છેઃ આજે ભલે તેં મારું ઘર તોડયું, કાલે તારું અભિમાન તૂટશે!

બીજું, નીના ગુપ્તાની ડિઝાઇનર પુત્રી મસાબા કંગનાની ઝપટમાં આવી ગઈ. હુઆ થા યૂં કિ અયોધ્યામાં નવા રામમંદિરના ઉત્સવ વખતે કંગના એની 'તેજસ' ફિલ્મનું શૂંટિંગ કરી રહી હતી, જેનાં કપડાં મસાબાએ ડિઝાઇન કરેલાં. અયોધ્યા જવાનું થયું ત્યારે સ્વભાવિક રીતે જ કંગનાની સ્ટાઇલિસ્ટે મસાબાએ ડિઝાઇન કરેલી સાડી કંગનાને પહેરવા માટે આપી. જેવી મસાબાને ખબર પડી કે તરત એણે કહેડાવ્યુંઃ રામમંદિરના ઉત્સવમાં કંગના મારી સાડી શું કામ પહેરે છે? જો પહેરે તોય ક્યાંય મારું નામ ન લેવું કે મને ઇન્સ્ટાગ્રામ પર ટેગ ન કરવી. મસાબાને ડર હતો કે રામમંદિરના પ્રાંગણમાં કંગનાના શરીર પર મેં ડિઝાઇન કરેલી સાડી દેખાશે તો હું હિંદુ કોમવાદી ગણાઈ જઈશ! 

ત્રીજું કારણઃ એ.આર. રહેમાન જેવા અતિ સફળ સંગીતકાર બીબીસીના ઇન્ટરવ્યુમાં બફાટ કર્યો કે હું મુસ્લિમ છું એટલે ઇન્ડસ્ટ્રીમાં મારી વિરુદ્ધ પક્ષપાત્ થાય છે, મને કામ ઓછું મળે છે, વગેરે વગેરે. કંગના બરાબરની વીફરી. એણે સોશિયલ મીડિયા પર રહેમાનનો જાહેરમાં ઉધડો લીધો કે સર, તમે તો પૂર્વગ્રહની વાત જ ન કરો. હું મારી 'ઇમરજન્સી' ફિલ્મમાં તમારી પાસે મ્યુઝિક કરાવવા માગતી હતી, ત્યારે તમે મારી સાથે કામ કરવાની તો શું, મને મળવાની પણ ધડ્ દઈને ના પાડી દીધી હતી. તમે જોયાજાણ્યા વિના માની લીધું કે હું પ્રોગેગેન્ડા ફિલ્મ જ બનાવીશ ને તેમાં ઇંદિરા ગાંધીની બુરાઈ જ કરીશ. વેલ, કંગનાની આ ફિલ્મ જેણે જોઈ એને ખબર છે કે વાત વાસ્તવમાં ઊલટી છે. 'ઇમરજન્સી' ફિલ્મમાં તો ઇંદિરા ગાંધીને એટલાં બધાં ઊજળાં ચિતરવામાં આવ્યાં છે કે ભાજપના પેટમાં તેલ રેડાયું હતું.

સો વાતની એક વાત. સોશિયલ મીડિયાને (આમ તો તમામ પ્રકારના મીડિયાને) ધમધમતું રાખવા બદલ કંગના માટે એક વિશેષ અવોર્ડ ઘોષિત થવો જોઈએ. શું કહો છો? 

કૃતિ સેનનઃ  પ્યારી બહના... 

લ્યો, કૃતિ સેનન પાટલા સાસુ બની ગઈ! પાટલા સાસુ એટલે પત્નીની મોટી બહેન. કૃતિ ભલે સિંગલ રહી, પણ એની નાની બહેન નૂપુરે ઓવરટેક કરીને તાજેતરમાં લગ્ન કરી લીધાં છે. એના પતિનું નામ છે, સ્ટેબિન બેન. નામ ભલે વિદેશી લાગે, પણ એ છે પાક્કો દેસી છોકરો, જે બોલિવુડમાં પ્લેબેક સિંગિંગ કરે છે, પોપ સોંગ્સ ગાય છે અને લાઇવ શોઝ પણ કરે છે. બહેનનાં લગ્નનો હરખ કૃતિએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વ્યક્ત કર્યો. લખે છેઃ 'મને અત્યારે જે ફીલ થઈ રહ્યું છે તેનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી... મને હજુય માન્યામાં આવતું નથી કે મારી નાનકડી બહેન પરણી ગઈ છે! મને બધું જ યાદ છે, તને પહેલી વાર મારા હાથમાં ઉંચકી હતી એ ક્ષણ, કે જ્યારે હું પોતે પાંચ વર્ષની બાળકી હતી... ત્યારથી લઈને આજે તને દુલ્હનના પોષાકમાં જોઈ રહી છું એ પળ. સાચ્ચે, તારા જેવી સુંદર દુલ્હન મેં અગાઉ ક્યારેય જોઈ નથી.' 

આટલું કહીને કૃતિએ પછી જમાઈ સ્ટેબિનને ઉદ્દેશીને પણ બે શબ્દો લખ્યા છે. કહે છેઃ 'તું પાંચ વર્ષ કરતાંય વધારે સમયથી અમારા પરિવારનો હિસ્સો છે અને તારો અમારી સાથેનો સંબંધ પ્રતિ વર્ષ વધુ મજબૂત થતો ગયો છે. આઇ લવ યુ, સ્ટેબુ. મને ખબર છે કે તારા રૂપમાં મને એક ભાઈ મળ્યો છે, એક ફ્રેન્ડ મળ્યો છે જે હંમેશા મારી પડખે ઊભો રહેશે. તમને બન્નેને પ્રભુતામાં પગલાં પાડતાં જોવાં તે મારી જિંદગીનો સૌથી ઇમોશનલ અને સૌથી સુંદર પ્રસંગ છે...'

હાઉ સ્વીટ! બસ, હવે કૃતિને પણ મનનો માણિગર મળી જાય એટલે ભયો ભયો...