SOCIAL સર્કલ .
કરણ જોહરઃ હું ભલો, મારું કામ ભલું
સૌથી પહેલાં તો આ પ્રલાપ સાંભળોઃ 'ધ સન... ધ સી... ધ ક્લેરિટી... મારું ગયું વર્ષ આંતરિક રીવેલ્યુઅશન, રિવીલેશન અને રિઝોલ્યુશનનું રહ્યું. લાગે છે કે જાણે મારી જિંદગીનું ૨.૦ વર્ઝન શરૂ થઈ રહ્યું છે... જ્યાં તમે એ વસ્તુની કદર કરતા શીખી જાઓ છો જે ખરેખર તમારું છે અને બાકીનું બધું ધીમે ધીમે અંધકારમાં વિલીન થઈ જાય છે... મારા માટે ૨૦૨૬નું વર્ષ એ હશે જ્યારે હું પાછો ફિલ્મના સેટ પર હોઈશ... મેં મારી જાતને પ્રોમીસ આપ્યું છે (કે આવતા વર્ષે એક ફિલ્મ તો ડિરેક્ટ કરીશ જ)... કારણ કે ફિલ્મના સેટ પર હું સૌથી ખુશ હોઉં છું એટલે નહીં, પણ આ જ તો મારું જીવનકર્મ છે. જૂની પરંપરાગત રીતે ફિલ્મો થકી વાર્તાઓ કહેવી... આ તો મારા ડીએનએમાં છે... તો પછી એનાથી દૂર શું કામ ભાગવું...' આ બધું કરણ જોહરે તાજેતરમાં એની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે. ભલા મા'ણા, સીધેસીધું કહી દો ને કે આવતા વર્ષે હું એક ફિલ્મ ડિરેક્ટ કરવાનો છું. આટલી લાંબી પારાયણ કરવાની શી જરૂર હતી? જોકે આ પોસ્ટ ટાઇપ કરતાં કરતાં કરણ જોહરને ખુદનેય લાગ્યું હશે કે આ તો લાંબી લપ થઈ ગઈ, એટલે એમણે છેલ્લે પાછું ઉમેર્યું પણ ખરું કે, 'તમને આ મારા વેરવિખેર વિચારો લાગતા હશે, પણ ના, આ બધું હું ભરપૂર સ્પષ્ટતા થયા પછી લખી રહ્યો છું...' બ્લા બ્લા બ્લા...
ભલે, ભલે. તમને, કરણ જોહર, ઓલ ધ બેસ્ટ, બીજું શું!
જ્હાન્વી કપૂરઃ ભોલી-સી સૂરત
'પરમ સુંદરી' ફિલ્મ ચાલે કે ન ચાલે, પણ એનું 'પરદેસીયા' ગીત તો જે ચાલ્યું છે... ઓહોહો! સોશિયલ મીડિયા ખોલ્યું નથી કે 'પરદેસીયાઆઆઆ....' કરીને રાગડા તાણતા બેસૂરા મનુષ્યપ્રાણીઓની રીલ્સ શરૂ થઈ જાય (એમ તો ક્યારેક સૂરીલી રીલ્સ પણ વચ્ચે વચ્ચે આવી જાય). કોઈ વળી આ ગીત પર ડાન્સ કરતું હોય. જેમને સંગીત સાથે કંઈ લેવા દેવા ન હોય એવા મહાન લોકો પણ આ ગીતના રિએક્શન વીડિયો બનાવી બનાવીને અપલોડ કરી રહ્યા છે. એ જે હોય તે, પણ 'પરદેસીયા' ગીત ખરેખર ઉત્તમ બન્યું છે એ તો નક્કી. સચિન-જિગરની કરીઅરનાં ટોપ-ફાઇવ ગીતોમાં આ ગીત હકથી સ્થાન પામે છે, અને પામતું રહેશે. સોનુ નિગમનો અવાજ એટલે જાણે કાનમાં ઊતરતો મધનો રેલો! નવોદિત કૃષ્ણકલી સાહાએ પણ મસ્ત ગાયું છે. એક મિનિટ. આપણે વાત જ્હાન્વી કપૂરની કરવાની હતી. 'પરમ સુંદરી'માં એક રોમેન્ટિક વરસાદી ગીત છે, જેના શબ્દો છે, 'સુન મેરે યાર વે'. સોશિયલ મીડિયા પર શેર થયેલી ઉપરની તસવીરમાં જ્હાન્વી ભલે નાની બચ્ચી જેવી લાગે, પણ 'સુન મેરે યાર વે' ગીતમાં એનો ઉન્માદક લૂક અને આકર્ષક અદાઓ જોઈને લોકો ઘાયલ થઈ રહ્યા છે. જોઈએ, બોક્સ ઓફિસ પર 'પરમ સુંદરી'નું પર્ફોર્મન્સ પરમ સુખદાયક રહે છે કે પરમ દુખદાયક.
સોનમ બાજવાની સવારી
આ છે, સોનમ બાજવા. જો તમે 'હાઉસફુલ-ફાઇવ' નામની ચક્રમ (અને સખ્ખત કંટાળાજનક) ફિલ્મ જોઈ હશે તો એમાં તમે ઉર્દૂમાં ડાયલોગ્ઝ ઝીંકતી સોનમ બાજવાની નોંધ લીધી હશે. હવે એ 'બાગી-ફોર' નામની અતિ હિંસક, અતિ લોહિયાળ ફિલ્મમાં દેખાવાની છે. 'બાગી-ફોર'નું ટીઝર જોયું તમે? આ ફિલ્મનું ટાઇટલ ખરેખર તો 'લહુ કી હોલી' હોવું જોઈતું હતું. પ્લાસ્ટિકનું બેટ પકડીને ઊભેલી સોનમ બાજવાની આ નિર્દોષ ઘરેલુ તસવીર જોઈને ભરમાવા જેવું નથી. ભગવાન જાણે 'બાગી-ફોર'માં એ કેવી કાપાકાપી કરવાની છે. સોનમ મૂળ તો પંજાબી ફિલ્મોની એક્ટ્રેસ. ભૂતકાળમાં એ 'સ્ટ્રીટ ડાન્સર થ્રીડી' (૨૦૧૯) નામની હિન્દી ફિલ્મ ઉપરાંત એક તમિળ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. લાગે છે, સોનમ બાજવાને હવે પેન-ઇન્ડિયન એક્ટ્રેસ બનીને જ માનશે.