અહાન પાંડેની આજકાલ
તો અહાન 'સૈયારા' પાંડે શું કરે છે આજકાલ? જવાબ છે, પોતાના ક્યુટ ક્યુટ ભાણિયા સાથે તોફાનમસ્તી! એણે સોશિયલ મીડિયા પર બાલદિન નિમિત્તે આ તસવીર શેર કરી હતી. ફોટોગ્રાફ એ પોતે પણ ક્યાં ઓછો ક્યુટ લાગે છે? આજની તારીખે બોલિવુડવના કોઈ એક એક્ટર વિશે સૌથી વધારે ઉત્સુકતા ફેલાયેલી હોય તો એ નિર્વિવાદપણે અહાન પાંડે છે? અનન્યા પાંડેના આ કઝિનની કરીઅર કેવી રીતે આગળ વધી રહી છે? એણે યશરાજ બેનર સાથે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રેક્ટ કર્યો જ હશે, તો એની બાકીની બે ફિલ્મો કઈ છે? શું એમાં પણ અનીતા પદ્દા જ હિરોઈન હશે? યશરાજ સિવાયનાં બીજાં ક્યાં બેનરોની મહાન ઓફરો એને મળી છે? શું એમાંની કોઈ ઓફર માટે એ સિરીયસ છે? એની પર્સનલ લાઇફમાં શું ચાલી રહ્યું છે? ઉફ્ફ્.... આ સફળતા! અહાનના વ્યાવસાયિક કે અંગત જીવનમાં જે કંઈ બનશે તે વાજતેગાજતે સામે આવ્યા વગર રહેવાનું નથી, ખરું?
સુનીલ ગ્રોવર: કોમેડી ઉપરાંત બીજું ઘણું બધું...
કોણ કહ્યું કે સુનીલ ગ્રોવર દેખાવડો નથી? જોઈ લો આ ઇન્સ્ટા-તસવીર. લાગે છેને સોહામણો? આ તો કપિલ શર્માના શોમાં આપણે એને જાતજાતના સ્ત્રીવેશમાં જોવા એટલી હદે ટેવાઈ ગયા છીએ કે એનો પુરૂષ અવતાર આપણના દિમાગમાં જલદી ઊતરતો નથી. સુનીલે, અલબત્ત, સાબિત કરી આપ્યું છે કે કોમેડીમાં એની બરોબરી કરી શકે એવા બહુ ઓછા કલાકારો છે આ ઇન્ડસ્ટ્રીમાં. જુદા જુદા બોલિવુડ એક્ટરોનો સ્વાંગ સજીને એ જે રીતે પર્ફોર્મ કરે છે તે જોઈને ઓરિજિલ કલાકારો પણ મોંમાં આંગળા નાખી જાય છે. અમિતાભ બચ્ચનની સામે અમિતાભ બચ્ચન બનવામાં અને સલમાન ખાનની હાજરીમાં સલમાન ખાન બનવા માટે હિંમત જોઈએ, બોસ! સુનીલ એક કોમેડિયન તરીકે ટાઇપકાસ્ટ થઈ ગયો છે. બાકી અદાકાર તરીકે એ એટલો ઉમદા છે કે એને દમદાર ગંભીર ભૂમિકાઓ મળે તો તેમાં પણ એ ઝળકી ઉઠયા વિના ન રહે. શું કહો છો?
શેહનાઝ ગિલના નેપો બ્રધરનું શું થશે?
પંજાબની કેટરિના કૈફ કહેવાતી શેહનાઝ ગિલ આ તસવીરમાં કેવી રૂપકડી લાગે છે. આજકાલ તો જોકે શેહનાઝ ગિલ કરતાં એનો ભાઈ શેહબાઝ વધારે ફોર્મમાં છે. આ 'નેપો બ્રધર' હાલ 'બિગ બોસ'ની સિઝન ૧૯ના કન્ટેસ્ટન્ટ તરીકે ધૂમ મચાવી રહ્યો છે. શહબાઝ નવો નવો આવ્યો ત્યારે ઘણા લોકોને નિરાશામિશ્રિત પ્રશ્ન થયો હતો કે બિગ બોસવાળા આ કોને પકડી લાવ્યા છે? પણ શેહનાઝની જેમ શેહબાઝ પર અતિ રમતિયાળ માણસ છે. એને કારણે બિગ બોસના અન્યથા કલેશમય રહેતા વાતાવરણમાં થોડી હળવાશ ફેલાયેલી રહે છે. બિગ બોસના ચાહકોની જેમ શેહનાઝના મનમાં પણ હાલ એક જ સવાલ રમી રહ્યો છે: શું શેહબાઝ બિગ બોસની આ સિઝન જીતી શકશે? કમસે કમ ટોપ-થ્રીમાં આવી શકશે? તમને શું લાગે છે?


