Get The App

SOCIAL સર્કલ .

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

શેખર કપુર: વો કૌન થી? 

ફિલ્મમેકર શેખર કપુર એક ઉત્તમ સ્ટોરી ટેલર છે તે વાત આખી દુનિયા સ્વીકારે છે. થોડા દિવસ પહેલાં એમણે પોતાની યુવાનીનો એક કિસ્સો એટલી સુંદર રીતે ઇન્સ્ટાગ્રામ પર પેશ કર્યો કે તે સડસડાટ વાચીં લીધા આપણને થાય કે આ સત્ય ઘટના હતી કે કોઈ રસાળ નવલિકા? લો, તમેય વાંચો એનો મુક્ત અનુવાદ. શેખર કપુર લખે છે... 

એની બોટ અને મારી બોટ પાસે પાસે લાંગરેલી હતી. સ્પેશિનના ઇબિઝા બંદરગાહ પર વેઇટિંગ એરિયામાં એ મારી બાજુમાં બેઠી હતી. એ વખતે હું હોઈશ બાવીસેક વર્ષનો. એ કદાચ અઢારની આસપાસની હશે. મને પાક્કી ખબર નથી, કેમ કે મેં એને એની ઉંમર પૂછી નહોતી. અમે એકબીજાને કશું જ પૂછયું નહોતું. એકબીજાનાં નામ પણ નહીં. કાચી ઉંમરે તમે પ્રેમમાં પડો ત્યારે આવું જ થાય. બધું જ ગૌણ બની જાય. ફક્ત તમે બન્ને અહીં, આ ક્ષણે સાથે છો એટલું જ પૂરતું થઈ પડે.

એ એકલી નહોતી. એની સાથે એનો પરિવાર પણ હતો. બીજા દિવસની વહેલી સવારે એમની બોટ દક્ષિણ અમેરિકા તરફ રવાના થઈ જવાની હતી. છોકરીના પરિવારે એક આખા વર્ષ માટે દરિયાઈ સફરનું આયોજન કર્યું હતું. ખૂબસૂરત ઇબિઝા ટાપુથી સમુદ્રી પ્રવાસની શરૂઆત કરવાની, વચ્ચે વચ્ચે મને પડે ત્યાં રોકાવાનું, કાંઠાના ગામ-નગરોમાં હરી ફરીને પાછા બોટમાં સવાર થઈ જવાનું ને છેક સાઉથ અમેરિકા સુધી પહોંચવાનું. પરોઢ થવા આવી હતી. 

સવાર પડતાંની સાથે જ છોકરી પોતાના પરિવાર સાથે બોટ પર સવાર થઈને સ્પેનના આ ટાપુને અલવિદા કરી દેવાની હતી. છોકરીએ મને કહ્યું, 

'ચાલ, અમારી સાથે...' મને ખરેખર ખૂબ મન હતું એની સાથે જવાનું. હું અને મારા દોસ્તારો બીજી બોટમાં બીજે કશેક જવાના હતા. મેં મારા દોસ્તારો પૂછયું, 'પેલીએ મને સામેથી ઈન્વાઇટ કર્યો છે. હું જાઉં એમની સાથે?' દોસ્તારોએ ન હા કહી, ન ના કહી. એમણે માત્ર ખભા ઉછાળ્યા અને વગર બોલ્યે જણાવી દીધું: તારે જે કરવું હોય એ કર. હું ન ગયો. 

છોકરીની બોટ આખરે રવાના થઈ. અમે એકબીજાને જોતાં રહ્યાં. એ બોટ પર હતી, હું કિનારે. જ્યાં સુધી દેખાવાનું બંધ ન થાય ત્યાં સુધી હું એને અને એ મને તાકતાં રહ્યાં. દૂર ક્ષિતિજ પર સૂર્ય ઊગી રહ્યો હતો. મારી જિંદગીનો સૌથી પીડાદાયી સૂર્યોદય હતો એ.  

આજે હું ૭૯ વર્ષનો છું... અને મને હજુય ક્યારેક ક્યારેક વિચાર આવી જાય છે કે તે દિવસે હું એ છોકરીની સાથે એની બોટ પર જતો રહ્યો હોત તો? મારે તો જવું જ હતું. છોકરીએ તો દિલથી આગ્રહ કર્યો હતો. મારે ફક્ત એક જ ડગલું ભરવાનું હતું. મારી બોટને બદલે એની બોટમાં બેસી જવાનું હતું.

પણ મેં તે ડગલું ન ભર્યું. 

ધારો કે હું એની સાથે જતો રહ્યો હોત તો આજે, ૫૭ વર્ષ પછી, હું ક્યાં હોત? હું ય દક્ષિણ અમેરિકા પહોંચી ગયો હોત... કદાચ હું ફિલ્મમેકર ન બન્યો હોત. કદાય હું ફિલ્મો બનાવવા કરતાંય વધારે એક્સાઇટિંગ કશુંક કરતો હોત... ક્યાં હશે એ છોકરી આજની તારીખે? 

છેલ્લાં ૫૭ વર્ષોમાં મારી જીવનમાં કેટલાય આરોહઅવરોહ આવ્યા.ખૂબ સુખ આવ્યું, પ્રેમભંગ થયો, પીડા મળી, પ્રેમ આપ્યો, પ્રેમ મળ્યો, આનંદ મળ્યો, કરુણાંતિકાઓ સર્જાઈ, કેટલાય નિર્ણયો લીધા, કેટલાય નિર્ણયો ન લીધા... કેટલીય ક્ષણોના પડછાયા ખૂબ લંબાતા હોય છે. મને હજુય થાય કે શુંં મારા ભાગ્ય પર મારો જ અકંુશ હતો? કે પછી, મારું નસીબ તો દૈવી હાથોમાં રમતું હતું? 

આજે હું ન્યુ યોર્ક જતી ફ્લાઇટના બાર એરિયામાં એક એરહોસ્ટેસ સાથે એમ જ ગપ્પા મારતો બેઠો હતો. એ 'વેદિક એસ્ટ્રોલોજી' ભણતી હતી. બાકી સ્વિઝર્લેન્ડમો કોઈ વેદિક એસ્ટ્રોલોજી ભણતું હોય તે અસામાન્ય બાબત તો ખરી. એની સાથે વાતચીત કરતાં કરતાં મારા મનમાં નવા નવા વિચારોના ફણગાં ફૂટતા હતા.   

હું જ્યાં બેઠો હતો ત્યાંથી છોડે દૂર બે નાનાં ટાબરિયાં બહુ ધમાલ મચાવી રહ્યાં હતાં. બચ્ચાં તોફાની બારકસ હતા, પણ હતાં ભારે ક્યુટ. સ્પેનિશ ભાષામાં કાલું કાલું બોલતાં હતા. એમની સાથે જે સ્ત્રી હતી તે આવીને માફી માગી ગઈ. કોણ જાણે કેમ એણે ભારે નમ્રતાથી મને પૂછી લીધું: 'તમે ક્યા દેશના છો?'  'ઇન્ડિયા...' મેં કહ્યું.

'ઓહ... હું એક વાર એક બહુ જ ચાર્મિંગ ઇન્ડિયન છોકરાની મળી હતી, બહુ વર્ષો પહેલાં... એની બોટ અને મારી બોટ બાજુ બાજુમાં જ લાંગરેલી હતી...'

***

બસ, વાર્તા અથવા તો સત્યકથા અહીં સમાપ્ત. તરત આપણા મનમાં આ સવાલ તરત સળવળ  થવા લાગે છે કે શું પ્લેનમાં મળેલી સ્ત્રી એ પેલી બોટવાળી છોકરી જ હશે? મીન્સ કે એ પણ વૃદ્ધ જ થઈ ગઈ હશે ને પેલાં તોફાની ટાબરિયાં કદાચ એનાં સંતાનોનાં સંતાનો હશે. કાં તો પછી... જે ખટ્ટમીઠ્ઠો સ્વાદ અપૂર્ણતામાં છે, તે પૂર્ણતામાં હોતો નથી! શેખર કપુર ભવિષ્યમાં કદાચ આ થીમ પરથી કોઈ ફિલ્મ બનાવે પણ ખરા... ટચવુડ!