સારા અર્જુન: મૈં ભી હૂં!
'ધુરંધર' ભલે ટેસ્ટોસ્ટેરોનથી લથપથ હીરોલોગની મારફાડ ફિલ્મ હોય, પણ આ ફિલ્મની ક્યુટ ક્યુટ હિરોઈન સારા અર્જુને પણ ઓડિયન્સનું થોડુંઘણું ધ્યાન જરૂર ખેંચ્યું છે. 'ધુરંધર' રિલીઝ થઈ તે પહેલાં એક ઇવેન્ટમાં રણવીર સિંહ હાથમાં માઇક લઈને સારાના વખાણ કરતાં કહેતો હતો કે, સારા એટલી કાબેલ એક્ટ્રેસ છે કે તમને એવું જ લાગે કે એ કેટલીય ફિલ્મો કરીને બેઠી છે. અરે ભલા ભાઈ, ચાઇલ્ડ આર્ટિસ્ટ રહી ચૂકેલી સારા ખરેખર કેટલીય ફિલ્મો કરીને જ બેઠી છેને! એણે સોએક જેટલી તો વિજ્ઞાાપનોમાં કામ કર્યું છે. મણિરત્નમની ખૂબ વખણાયેલી 'પોનિયીન સેલ્વન'ના બન્ને ભાગમાં એણે ઐશ્વર્યા રાયની તરૂણ વર્ઝન ભજવ્યું હતું. 'એક થી ડાયન', 'સાંડ કી આંખ' જેવી ફિલ્મોમાં પણ એ હતી. 'ધુરંધર'ની સફળતાથી ફૂલીને ફાળકો થઈ ગયેલી વીસ વર્ષીય સારાએ ઇન્સ્ટાગ્રામ પર રણવીરના જોરદાર ગુણગાન ગાતી એક પોસ્ટ શેર કરી છે.
ગૌરવ ગેરા: કમાલનું કાસ્ટિંગ
'ધુરંધર' સૌથી જબરદસ્ત કાસ્ટિંગ હોય તો એ છે ગૌરવ ગેરાનું, કે જે લિયારી-કરાંચીમાં રણવીર સિંહને પોતાની રેસ્ટોરાંમાં નોકરી આપે છે. લગભગ આખી ફિલ્મ પૂરી થઈ જાય ત્યાં સુધી ખબર જ પડતી નથી કે આ સફેદ દાઢીવાળા આધેડ સજ્જન ગૌરવ ગેરા છે. ગૌરવ ગેરાને તો ઓળખોને તમે? ખૂબ બધાં વર્ષો પહેલાં 'જસ્સી જૈસી કોઈ નહીં' સિરીયલથી એ પહેલી વાર પ્રકાશમાં આવ્યો હતો. ત્યાર બાદ સ્ત્રીઓના વેશ કાઢીને એણે ખૂબ કોમેડી કરી. તેથી જ ધુરંધર' જોતી વખતે ચમકી જાઓ છે કે હેં! આ સાચ્ચે જ પેલો અતિ સ્થૂળ અને લાઉડ કોમેડી કરનારો ગૌરવ ગેરા જ છે? માન ગયે, મુકેશ છાબરા! (મુકેશ છાબરા એટલે બોલિવુડના નંબર વન કાસ્ટિંગ ડિરેક્ટર.) ગૌરવે સોશિયલ મીડિયા પર શેર કરેલી આ તસવીર 'ધુરંધર'ના શૂટિંગ દરમિયાન ક્લિક કરવામાં આવી છે.
બિપાશા બસુ: કમ-બેકની તૈયારી?
બિપાશા બસુએ મીઠડી દીકરી દેવી સાથેની તસવીરો વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી કે લોકોએ 'ઑ....', 'ચો ચ્વીટ...' પ્રકારની કમેન્ટ્સનો વરસાદ વરસાવી દીધો. દીકરીને જન્મ આપ્યાં પછીના શરૂઆતના તબક્કામાં બિપાશા ઓળખાતી નહોતી, પણ આ ફોટોગ્રાફ જોઈને લાગે છે કે એણે જિમમાં જઈને સારો પરસેવો પાડયો છે. શું આ કમ-બેકની તૈયારી છે? ફિલ્મોમાં નહીં તો કમસે કમ વેબ શોમાં એ દખાવાની છે? બિપાશા કેમેરા સામે પુન: સક્રિય બને તો એના ફેનલોકો રાજી જ થવાના છે.


