Get The App

SOCIAL સર્કલ .

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

અબ તેરા ક્યા હોગા, શનાયા?

ચાલો, ઔર એક નેપો કિડે બોલિવુડમાં વિધિવત્ એન્ટ્રી કરી. શનાયા કપૂર એનું નામ. એ કોણ?  શનાયા એટલે સંજય કપૂરની દીકરી. સંજય કપૂર કોણ? સવાલ વેલિડ છે, કેમ કે સંજય કપૂરની ખુદની કશી ઓળખ નથી. ક્યારેય નહોતી. વર્ષો પહેલાં હિન્દી સિનેમામાં હીરોગીરી કરવાની નિષ્ફળ કોશિશ કરી હતી ત્યારે પણ અને આજની તારીખે પણ એમની એક જ ઓળખ છે: સંજય કપૂર એટલે અનિલ કપૂર અને બોની કપૂરના નાના ભાઈ. સાચું પૂછો તો શનાયાના પપ્પા કરતાં એની મમ્મી મહીપ વધારે ફેમસ છે, 'ફેબ્યુલસ લાઇવ્ઝ ઓફ બોલિવુડ વાઇવ્ઝ' અને 'ધ ટ્રેટર્સ' જેવા વેબ રિયાલિટી શોઝને કારણે વધારે. સોનમ કપૂર, જ્હાન્વી કપૂર, અર્જુન કપૂર વગેરે શનાયાનાં કઝિન થાય. 

શનાયા બાપડી ક્યારની બોલિવુડમાં આવું-આવું કરતી હતી. આખરે પચ્ચીસ વર્ષની ઉંમરે માંડ એની પહેલી ફિલ્મ 'આંખોં કી ગુસ્તાખિયાં'એ થિયેટરોમાં રિલીઝ થવાની ગુસ્તાખી કરી. સંતોષ સિંહ નામના ડિરેક્ટરે બનાવેલી આ ફિલ્મ જેટલી ચુપચાપ આવી એટલી જ ચુપચાપ ગાયબ પણ થઈ ગઈ. ન તો ઓડિયન્સને ફિલ્મ ગમી, ન ચાંપલા ફિલ્મ રિવ્યુઅરોને. ચાલો, કશો વાંધો નહીં. બેટર લક નેક્સ્ટ ટાઇમ. ફ્લોપ શરૂઆત કરી તો પણ શનાયાને ફિલ્મો તો મળ્યા જ કરશે. નેપો કિડ હોવાનો આ જ તો ફાયદો છે, રાઇટ? શનાયા બાકી રંગેરૂપે તો નાજુક-નમણી છે. જોઈ લો એણે શેર કરેલી આ ઇન્સ્ટા-તસવીર. 

વિક્રાંત: ન પોસ્ટર ફટા, ન હીરો નિકલા

શનાયા તો જાણે બરાબર છે, પણ વિક્રાંત મેસી જેવો ઘડાયેલો એક્ટર નબળું પર્ફોર્મન્સ આપે ત્યારે જબરી નવાઈ લાગે. વિક્રાંત 'આંખોં કી ગુસ્તાખિયાં'નો હીરો છે. જ્યારે ફિલ્મની ઘોષણા થઈ હતી ત્યારે સૌને લાગ્યું હતું કે ચાલો, નવોદિત શનાયા નબળી એક્ટિંગ કરશે તો પણ વિક્રાંત બાજી સંભાળી લેશે. એવું ન થયું. આ ફિલ્મમાં વિક્રાંત અંધજન બન્યો છે. (શું એટલે જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ ફોટોગ્રાફમાં એણે ડાર્ક ગોગલ્સ પહેર્યા હશે?) ફિલ્મ જોતી વખતે સમજાય છે કે વિક્રાંતે નથી પૂરતું હોમવર્ક કર્યું, નથી એ આ રોલમાં કન્વિન્સિંગ લાગતો. સમજોને કે ધારદાર અભિનય કરીને ધારી અસર ઊભી કરવાના મામલામાં વિક્રાંત 'ટ્વેલ્થ ફેઇલ' થઈ ગયો. વિક્રાંતની તરફેણમાં, અલબત્ત, એવી દલીલ જરૂર થઈ શકે કે જ્યાં સ્ક્રિપ્ટમાં જ કંઈ ભલીવાર ન હોય ત્યારે દુનિયાનો શ્રેષ્ઠતમ એક્ટર પણ શું કરી શકવાનો છે? વિક્રાંત હવે 'દોસ્તાના-ટુ'  ઉપરાંત 'વ્હાઇટ' નામની શ્રી શ્રી રવિશંકરની બાયોપિક દેખાશે. એક મિનિટ. વિક્રાંતે વચ્ચે મોટા ઉપાડે ઘોષણા કરી હતી કે હું બોલિવુડ છોડીને ક્ષેત્રસંન્યાસ લઈ રહ્યો છું એનું પછી શું થયું?

મૃણાલ ઠાકુરની કૂચકદમ 

ટીવી પરથી બિગ સ્ક્રીન તરફ સફળતાથી ગતિ કરનારા નવી પેઢીના કલાકારોમાં મૃણાલ ઠાકુરનું નામ ચોક્કસપણે મૂકવું પડે. 'કુમકુમ ભાગ્ય' (૨૦૧૪-૧૬) જેવી હિટ સિરીયલો કર્યા બાદ મૃણાલે પહેલાં મરાઠી ફિલ્મો કરી ને પછી 'લવ સોનિયા' (૨૦૧૮) જેવી હાર્ડહિટીંગ ફિલ્મ થકી બોલિવુડમાં પ્રવેશ કર્યો. પછી તો હૃતિક રોશન સાથે 'સુપર થર્ટી'  (૨૦૧૯) કરી ને ત્યાર બાદ 'સીતા રામમ્' (૨૦૨૨) જેવી સુપરહિટ ફિલ્મ આપીને સાઉથમાં પણ છવાઈ ગઈ. મૃણાલ હવે નજીકના ભવિષ્યમાં અજય દેવગણ અને રવિ કિશન સાથે 'સન ઓફ સરદાર-ટુ'માં દેખાશે. જોઈએ, આ એક્શન-કોમેડીમાં મૃણાલ પોતાની છાપ છોડી શકે છે કે કેમ. બાકી મૃણાલ જેવી 'આઉટસાઇડર'ને સફળતા મળતી જોઈએ ત્યારે આનંદ તો થાય જ, ખરું?