Get The App

SOCIAL સર્કલ .

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

પ્રિયંકા ચોપડા કા જવાબ નહીં! 

વચ્ચે વિદેશમાં વસતા કોઈ ભારતીય સેલિબ્રિટી કહેલું કે પ્રિયંકા ચોપડા હાલ હોલિવુડમાં જે કરી રહી છે તે અસાધારણ છે, પણ કોણ જાણે કેમ, ભારતમાં પ્રિયંકાના જોઈએ એટલા વખાણ થતા નથી. વેલ, અમે આ વાત સાથે પૂરેપૂરા સહમત નથી, કેમ કે ભારતનું મીડિયા તો પ્રિયંકાના પ્રેમમાં છે. એની નાનામાં નાની વાત આપણું મીડિયા - પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ ત્રણેય - મસ્ત રીતે કવર કરે જ છે. ખેર, પ્રિયંકા હમણાં અતિ પ્રતિષ્ઠિત ગ્લોબલ ગ્લોબ અવોર્ડ્ઝના ફંકશનમાં પ્રેઝન્ટર બનીને મંચ પર પેશ થઈ હતી. એણે 'બેસ્ટ પર્ફોર્મન્સ બાય ધ મેલ એક્ટર ઇન અ ટેલિવિઝન સિરીઝ - ડ્રામા' કેટેગરી માટે નોમિનેશનધારકોનાં નામ કહી સંભળાવ્યા અને પછી વિજેતાનું નામ પણ ઘોષિત કર્યું. સ્ટેજ પર એની સાથે રુપકડી લેલિસા મેનોબેલ પણ કો-પ્રેઝન્ટર બનીને આવી હતી. લેલિસા એટલે વર્લ્ડફેમસ બ્લેકપિન્ક નામના કોરિયાના ઓલ-ગર્લ-બેન્ડની મેમ્બર. પ્રિયંકાએ ગોલ્ડન ગ્લોબ અવોર્ડ આપ્યો અને, અંગ્રેજીમાં કહે છે તેમ, શી બ્રોક ધ ઇન્ટરનેટ! સોશિયલ મીડિયા પર પ્રિયંકાની તસવીરો-રીલ્સ-પોસ્ટ્સની સુનામી આવી ગઈ. આ ફંક્શનમાં એનો ક્યુટડો પતિદેવ નિક જોનસ પણ એને કંપની આપવા ગયેલો. વાહ!

ઓહ નો, અભય દેઓલ! 

ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતાં કરતાં અચાનક અમે એવું કશુંક જોયું કે અમારી આંગળી થંભી ગઈ, શ્વાસ અધ્ધર થઈ ગયો. એવું તો શું જોઈ લીધું અમે? અભય દેઓલની લેટેસ્ટ તસવીર (જુઓ ઉપર)! આ ઓચિંતા શું થઈ ગયું છે અભય દેઓલને? એનો ચહેરો કેમ વિચિત્ર રીતે ફૂલી ગયો છે? ફોરન જઈને એ ચહેરા કંઈ બોટોક્સ-ફોટોક્સના ઇંજેક્શન મરાવી આવ્યો છે કે કંઈક ભળતીસળતી સર્જરી કરાવી આવ્યો છે કે શું? જો આ બધા રૂપાળા દેખાવાના ઉધામા હોય તો અભયને માલૂમ થાય કે ભાઈ, તું પહેલાં જેવો હતો, બરાબર હતો. તારા ગાલના ડિમ્પલ પર કન્યાઓ ફિદા થઈ જતી હતી. આશા રાખીએ કે અભયે પોતાની આગામી કોઈ ફિલ્મ માટે ચહેરા પર અખતરો કર્યો હશે. ક્યા છે અભયના આગામી પ્રોજેક્ટ્સ, બાય ધ વે?  એક છે કે 'બન ટિકી' નામની કમિંગ-ઓફ-એજ ફિલ્મ જેમાં શબાના આઝમી અને ઝીનત અમાન એનાં કો-એક્ટર્સ છે. બીજી હોલિવુડની ફિલ્મ છે - 'ડોન્ટ યુ બી માય નેબર'. ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ નતાશા બેસેટ એની હિરોઈન બની છે. અભયને ઓલ ધ બેસ્ટ કહી દઈએ, બીજું શું!

પ્રાજક્તા કોળી: ધ ઓ.જી. યુટયુબર

ભારતમાં યુટયુબ પૂરેપૂરું વિકસ્યું નહોતું ત્યારે જે યુટયુબરોએ કોન્ટેન્ટ બનાવી બનાવીને શેર કરવાનું શરૂ કર્યું હતું એમાં પ્રાજક્તા કોળીનું નામ ખાસ લેવું પડે. થાણે-બોમ્બેની આ નટખટ કન્યા ઓ.જી. (મીન્સ કે ઓરિજિનલ) યુટયુબર છે. એની 'મોસ્ટલી સેઇન' ચેનલ ખાસ્સી પોપ્યુલર થઈ હતી. ભુવન બામ, આશીષ ચંચલાની ઇત્યાદિની સાથે પ્રાજક્તાનું કદ પણ ક્રમશ: વધતું ગયું. પ્રાજક્તાની સરસ વાત એ છે કે એનું કોન્ટેન્ટ જરાય ભદ્દું કે ચીપ હોતું નથી. એ સતત ગરિમાપૂર્ણ રહી છે અને એકધારી ઇવોલ્વ થઈ છે. યુટયુબરમાંથી એ એક્ટ્રેસ બની, મોટા મોટા બેનરની ફિલ્મોમાં એણે સરસ રોલ કર્યા, વેબ સિરીઝમાં લીડ રોલ્સ કર્યા. આજકાલ એ નેટફ્લિક્સના 'સિંગલ પાપા' નામના તાજા (અને આમ તો સાવ સાધારણ) શોમાં દેખાય છે. કશુંય બોલ્યા વગર માત્ર ચહેરાના એક્સપ્રેશનથી એ ધારી અસર ઊપજાવી શકે છે. વે ટુ ગર્લ, પ્રાજક્તા!