અમિતાભ બચ્ચન: આહ અને વાહ!
તમે આ તસવીરોમાં અમિતાભ બચ્ચનનો 'સ્વેગ' જુઓ. ૮૩ વર્ષનો આ વયોવૃદ્ધ માણસ એમના કરતાં ચોથી ભાગની ઉંમર ધરાવતા જુવાનિયાઓ કરતાંય વધારે સ્ટાઇલિશ નથી લાગતો શું? બિગ બી નિયમિતપણે ઇન્સ્ટાગ્રામ ઓપરેટ કરે છે, મસ્તમજાની સેલ્ફી ખેંચીને કે ફોટા પડાવીને અને 'જસ્ટ લાઇક ઇટ' એવું કેપ્શન આપીને સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ એ જ અમિતાભ બચ્ચન છે, જેમને થોડાં વર્ષો પહેલાં રોજની આઠથી દસ પેઇનકિલર્સ ખાવી પડતી હતી. અમિતાભની ગગનચુંબી પ્રતિભા, અસાધારણ સ્ટેટસ ઇત્યાદિની વાત ન કરીએ અને માત્ર એમના કામની ક્વોન્ટિટી જોઈએ તો આપણને સતત થયા કે કોઈ માણસ આ ઉંમરે પણ શારીરિક અને માનસિક સ્તરે આટલો ઉર્જાવાન કેવી રીતે રહી શકે? ક્યાંથી આવે છે આવો સ્ટેમિના? હેટ્સ ઓફ ટુ યુ, સર!
અક્ષય-રામચરણ: હમ સાથ સાથ હૈ
આપણું મન તો એવું છેને ભઈ, કે સોશિયલ મીડિયા પર અમુક તસવીરો જોઈએ એટલે જાતજાતની ગણતરીઓ અને અટકળો કરવાનું શરૂ કરી દે. જેમ કે, આ તસવીર. આમાં અક્ષયકુમાર અને સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર રામચરણ હસ-હસ કરતાં દેખાય છે. આપણને તરત થાય કે શું આ બન્ને સાથે કોઈ ફિલ્મ પ્લાન કરી રહ્યા છે કે શું? વેલ, અક્ષય અને રામચરણ એક જ ફિલ્મમાં એકસાથે સ્ક્રીન પર ત્રાટકે તો આપણને તો જોવાની મજા જ પડે, હેંને?
રાહુલ ખન્ના: કમ-બેકની તૈયારી?
સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતાં કરતાં આપણી સામે અચાનક એવો ચહેરો આવી જાય કે આપણને થાય કે એક મિનિટ, અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા હતા આ મહાશય? વાત વિનોદ ખન્નાના સુપુત્ર અને અક્ષય ખન્નાના લઘુ બંધુ એવા રાહુલ ખન્નાની થઈ રહી છે, જે ભૂતકાળમાં એકાધિક ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ત્રેપન વર્ષના રાહુલે ખુદ પોતાની આ તસવીર ઇન્સ્ટા પર શેર કરી છે, જેમાં એ સુપર ફિટ દેખાય છે. મોટા પાયે કમ-બેક કરવાની તૈયારી ચાલી રહી છે કે શું?


