મેરે કુ નોરા ફતેહી મંગતા...
નોરા ફરેહી ભલે અહીં 'સન્ડે વાઇબ્સ...' કરતી રૂપાળી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર મૂકે, પણ જો એના સુધી ઉત્તરદેશના ગાઝિયાબાદના પેલા સમાચાર પહોંચી ગયા હશે તો એ અંદરથી દુખી થઈ ગઈ હશે. ક્યા સમાચાર? હુંઆ યું કિ ગાઝિયાબાદમાં એક યુવક રહે. એના બાકાયદા લગ્ન થઈ ગયાં હતાં. તોય ભમરાળી વેબસાઇટ્સ પર જઈને ભરમાળા વીડિયોઝ જોયા કરવાની એની કુટેવ ન છૂટી. આટલું ઓછંુ હોય તેનો એવો આગ્રહ કે મારી પત્ની નોરા ફતેહી જેવી દેખાવી જોઈએ! એણે વાઇફ પર ફરમાન છોડયું: તારે રોજ કમસે કમ સાડાત્રણ કલાક જિમમાં જવાનું, પરસેવો પાડવાનો, વધારાની ચરબી દૂર કરવાની અને નોરા ફતેહી જેવી બોડી બનાવવાની! વર તો ઠીક, એના સાસરિયા પણ બહૂની 'નોરા ફતેહીકરણ' કરવા માટે પાછળ પડી ગયા હતા... યુવતીએ બાપડીએ થાય એટલું કર્યું. દરમિયાન એ પ્રગનન્ટ થઈ. આવી સ્થિતિમાં એણે શરીરની વિશેષ કાળજી લેવાની હોય. પણ એનો અણધડ જેવો વર માન્યો નહીં. સગર્ભાવસ્થામાં પણ એ પત્નીને ધરાર જિમમાં મોકલે અને ભારે માંહ્યલી એક્સરસાઇઝ કરાવે. પરિણામ? કસૂવાવાડ. પછી એ જ બધું. સંબંધવિચ્છેદ. સાસરિયાઓ પર શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ, વગેરે વગેરે.
મુદ્દો આ છે. અમુક મૂર્ખ જુવાનિયાઓ કંઈક ભળતી જ દુનિયામાં કલ્પનાવિહાર કરતા હોય છે. નારો ફતેહીએ આ પનોતીરુપ પતિદેવ અને એવા જેવા નમૂનાનાઓને ખખડાવતી એક કડક પોસ્ટ લખીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરવી જોઈએ. શું કહો છો?
જ્હાન્વી કપૂર: સરળ કે શાણી?
શું જ્હાન્વી કપૂર બોલિવુડની સૌથી 'રિલેટેબલ' યંગ એક્ટ્રેસ છે? આજકાલ આ સવાલ ખાસ્સો ચર્ચાઈ રહ્યો છે. રિલેટેબલ એટલે ઓડિયન્સને એના ઇન્ટરવ્યુઝ જોઈને, એની વાતો સાંભળીને એવું જ લાગે કે લે, આ તો બિલકુલ આપણા જેવી જ છે! આનેય અમારી જેમ સ્ટ્રીટ ફૂડ બહુ ભાવે છે ને આ પણ અમારી જેમ વડા પાંઉ ઓર્ડર કરતી વખતે એકસ્ટ્રા તીખી ચટણી નખાવે છે ને સાથે લીલું મરચું ખાય છે ને પછી આંખમાંથી ને નાકમાંથી પાણી નીકળે એટલે સી... સી... કરતા સિસકારા બોલાવે છે. લોકો કપિલ શર્માના શોમાં જુએ છે કે જ્હાન્વીએ પણ સ્લીવલેસ પહેર્યું હોય ત્યારે એસીમાં અમારી એને જેમ ખુલ્લા હાથ પર ઠંડી લાગે છે. એટલે જ સિદ્ધાર્થ મલ્હોત્રા એને પોતાનું જેકેટ આપી દે તો સાડી ઉપર જેકેટ ઠઠાડીશ તો હું કેવી લાગીશ એની ચિંતા કર્યા વગર એ બિન્દાસ જેકેટ ચડાવી લે છે.
આમ જોવા જાઓ તો આ જ્હાન્વીની સહજતા કહેવાય. સવાલ એ છે કે કેટલાક વાંકદેખાઓ આને જ્હાન્વીની સરળતા નહીં પણ વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવેલી પીઆર એક્સરસાઇઝ તરીકે જુએ છે. જ્હાન્વી પર આમેય નેપો કિડ હોવાનો મસમોટો ભાર છે. ના ના, હું શ્રીદેવીની દીકરી હોઉં તો શું થઈ ગયું, હું તમારા જેવી જ છું... આવું પૂરવાર કરવા માટે એ કેમેરા સામે જાણી જોઈએ આ પ્રકારની વાતો ને ચેષ્ટાઓ કરે છે એવો એમનો આક્ષેપ છે.
તો જ્હાન્વી એક નંબરની ખોટાડી અને દંભી હિરોઈન છે ને માત્ર પોતાની ઇમેજ સુધારવા ખાતર આવું બધું બોલ-બોલ કરતી રહે છે? કે ના, જ્હાન્વી ખરેખર એક નિખાલસ છોકરી છે, ને એ જે કરે છે તે દિલથી કરે છે? જવાબ તમારે જ આપવાનો છે!


