Get The App

SOCIAL સર્કલ .

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

આદિત્ય ધર: ધુંઆધાર બેટિંગ 

થ્રી ચિયર્સ ફોર આદિત્ય ધર! બોલિવુડે આખરે 'ધુંઆધાર'ના રૂપમાં હિટ ફિલ્મ જોઈ ખરી. ટેન્શનનો સૌથી મોટો પહાડ તો ફિલ્મનો હીરો રણવીર સિંહ ઊંચકીને ફરતો હતો. સ્વાભાવિક પણ હતું. બાપડાની છેલ્લી કેટલીય ફિલ્મો ઉપરાછાપરી ફ્લોપ નીવડી હતી. અધૂરામાં પૂરું, 'ધુંઆધાર'ના પ્રમોશન દરમિયાન બટકબોલા રણવીરે 'કાંતારા' સિરીઝની ફિલ્મોને લઈને કશોક બફાટ કરી નાખ્યો હતો, જેને કારણે ફિલ્મને નેગેટિવ પબ્લિસિટી મળી હતી. સદભાગ્યે, ફિલ્મના બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ પર તેની અવળી અસર ન થઈ. ફિલ્મમાં બધા એક્ટર્સ દમદાર છે. માધવને કશેક કહેલું કે આદિત્ય ધરે અમને સૌને આ ફિલ્મમાં એટલા માટે કદરૂપા દેખાડયા છે કે સેટ પર એ પોતે સૌથી હેન્ડસમ લાગે! વાતેય સાચી. કાશ્મીરી આદિત્ય બોલિવુડના સૌથી ગુડલુકિંગ ડિરેક્ટર્સમાંનો એક છે એની ના નહીં. યમી ગૌતમનું દિલ આદિત્યે માત્ર પોતાની ટેલેન્ટના જોરે નહોતું ચોર્યું! આ તસવીરમાં યમી-આદિત્યની જોડી મસ્ત લાગે છે, નહીં?

સાઈ પલ્લવી: નો મેકઅપ!

સાઈ પલ્લવી નામની સાઉથ ઇન્ડિયન ટેલેન્ટ બોલિવુડમાં બોમ્બની જેમ ફાટે એટલી જ વાર છે. રણબીર કપૂરને રામ તરીકે ચમકાવતી આગામી ફિલ્મ 'રામાયણ' ફિલ્મમાં સાઈ પલ્લવી સીતામાતાના રોલમાં દેખાવાની છે. ગજબની પ્રતિભાશાળી એક્ટ્રેસ છે એ. સાઈ વિશે બે વાત સૌથી જાણીતી છે. એક તો, એ એમબીબીએસ ડિગ્રી ધરાવતી ડોક્ટર છે, અને બીજી, સ્ક્રીન પર એ મેકઅપનો શૂન્યવત્ ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા પર શેર થયેલી આ તસવીરમાં પણ પલ્લવીમાં સાઇનો નો-મેકઅપ લૂક છે. સિનેમાદેવના સમ!       

બિગ બોસ-19: થમ્સ અપ, વિજેતા: થમ્સ ડાઉન 

તો, બિગ બોસની સિઝન-૧૯ આખરે પૂરી થઈ. આ વખતની આખી સિઝન સુપરહિટ હતી, પણ ગૌરવ ખન્નાને વિજેતા ઘોષિત કરવામાં આવતાં બિગ બોસના ચાહકોના એક મોટા વર્ગનો મૂડ ખરાબ થઈ ગયો છે. ગૌરવ ખન્ના હિટ ટીવી સિરીયલોનો હિટ હીરો છે, ખાસ કરીને કલર્સની સિરીયલોનો, એટલે એને ગમાડનારા હોવાના જ, પણ ગૌરવ સહેજે ન ગમ્યો હોય તેવા દર્શકો પણ ઓછા નથી. એમનો સવાલ છે કે મોટા ભાગની સિઝનમાં નિષ્ક્રિય રહેનારો, ગણી ગણીને - ડરી ડરીને પગલાં ભરનારો, કાયમ ભારમાં રહીને ફરતો બિગ બોસ કોન્ટેસ્ટન્ટ કોઈને શું કામ ગમવો જોઈએ? ગૌરવ ખન્ના (જીકે)ની એક જ વાત સારી હતી - એ અપશબ્દો નહોતો બોલતો. આખી સિઝન દરમિયાન એકાદ વાર અતિ ક્રોધિત થઈ ગયો હતો ત્યારે પણ એણે પોતાની વાણી પરથી કાબૂ નહોતો ગુમાવ્યો. અડધી સિઝન પૂરી થયા બાદ એને જે રીતે આગળ ધકેલવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને જે રીતે સલમાન ખાને એના ગુણગાન ગાવા શરૂ કરી દીધા હતા તે પરથી સ્પષ્ટ લાગતું હતું કે બિગ બોસવાળાઓ ગૌરવને જીતાડવાનું નક્કી કરીને બેઠા છે. એનીવે. પેલું કહે છેને કે, જે જીતા વો હી સિકંદર. તે ન્યાયે જીકેને અભિનંદન આપી દઈએ, બીજું શું! ગ્રાન્ડ ફિનાલેની આ તસવીર ખાસ કરીને અગાઉથી ઘરબહાર થઈ ચૂકેલા કોન્ટેસ્ટન્ટ્સે સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી છે.