પંકજ ત્રિપાઠીના જલવા
તમે પંકજ ત્રિપાઠીની પેલી લેટેસ્ટ વરણાગી તસવીર જોઈ? એયને એણે બ્લેક ટ્રાન્સપેરેન્ટ શર્ટ પહેર્યું છે, ઉપલાં ત્રણ બટન ખુલ્લા છે, એની ઉપર ભરતગૂંથણ કરેલું ડાર્ક ગ્રીન બ્લેઝર છે, માથા પર મેચિંગ કેપ ચડાવી છે - અને આ શું? - નીચે લાલચટ્ટાક સ્કર્ટ છે, અને તે પણ ચમકુ ગોલ્ડન ડિઝાઇનવાળું? અત્ર-તત્ર-સર્વત્ર ચમકેલી પંકજ ત્રિપાઠની આ તસવીરો જોઈને અડધોઅડધ ફિલ્મપ્રેમી જનતાને અને આખેઆખા બોલિવુડને હળવો હાર્ટ અટેક ન આવે તો જ નવાઈ હતી. ંકેટલાયને ફાળ પડી છે કે અપને કાલીન ભૈયા કો યે ક્યા હો ગયા? સોશિયલ મીડિયા પર શેર કરેલી આ તસવીર નીચે પંકજ ત્રિપાઠીએ પાછું કેપ્શન માર્યું છે: 'એક નઈ શરુઆત'. એટલે? પંકજ ત્રિપાઠી હવે ફિલ્મોમાં સીધાસાદા રોલ્સ કરવાનું બંધ કરીને કાયમ કળા કરેલા મોર જેવા અવતારમાં દેખાશે? બેસ્ટ કમેન્ટ તો રણવીર સિંહે કરી: 'અરે! વાહ ગુરુજી?! હમ સુધર ગયે,ઔર આપ બિગડ ગયે?' એક વાત તો નિશ્ચિત છે. પંકજ કપૂર લેવલના કલાકાર કંઈ પણ કરે, એ હટ કે જ કરે. આ તસવીરમાં એમના ચહેરા પર કોન્ફિડન્સ તો જુઓ. બાય ધ વે, આ તસવીરમાં એમણે શર્ટ નીચે સ્કર્ટ નહીં, ઘોતી સ્ટાઇલનું પેન્ટ પહેર્યું છે. હાશ!
નોરા ફતેહીનાં ફિતૂર
જ્યારથી તમન્ના ભાટિયાએ હુસ્ન કા મઝા આંખો સે પીવડાવવાની શરૂઆત કરી છે ત્યારથી બોલિવુડની કઈ વ્યક્તિ એકધારી ટેન્શનમાં જીવી રહી છે? યુ આર રાઇટ - નોરા ફતેહી. 'સ્ત્રી-ટુ' ફિલ્મ માટે સચિન-જિગરે કમ્પોઝ કરેલું તમન્નાવાળું આ ગીત એટલું બમ્પર હિટ થયું હતું કે ઇન્સ્ટાગ્રામ પર કન્યાઓ અને બચ્ચાં તો ઠીક, ટ્રિમ્ડ દાઢીવાળા મૂછાળા જુવાનિયા પણ લટકાઝટકા મારીને, આ ગીતની રીલ્સ બનાવી બનાવીને શેર કરવા લાગ્યા હતા. તમન્ના ઇન્ડસ્ટ્રીના તમામ બેસ્ટ આઇટમ સોંગ્સ આરોગી જશે ને નોરા જાણે બેકારીનો ભોગ બની જશે તેવી કાલ્પનિક અસર પેદા થતી હતી. આમ જોવા જાઓ તો આઇટમ સોંગ સેગ્મેન્ટમાં ખાસ ક્યારેય ચિક્કાર ભીડ હોય એવું બન્યું જ નથી. તમન્નાની પહેલાં નોરા ફતેહી હતી, નોરાની પહેલાં મલાઇકા અરોરા હતી, એક સમયે રાખી સાવંત આઇટમ સોંગ-એન્ડ-ડાન્સ કરતી હતી. કેટરીના કૈફ અને કરીના કપૂર જેવી મેઇનસ્ટ્રીમ હિરોઈનો વચ્ચે વચ્ચે આઇટમ સોંગ કરે એ તો અલગ. સ્ત્રીશરીરની નુમાઇશ કરતાં આઇટમ સોંગ્સ આ એકવીસમી સદીની ફિલ્મોમાં 'ઓફેન્સિવ' લાગી શકે છે તે પાછી સાવ અલગ ચર્ચા થઈ.
અરબાઝ પપ્પા કી પરી
આપણે હમણાં મલાઇકા અરોરાને યાદ કરી તો ભેગેભેગા એના ભૂતપૂર્વ પતિદેવ અરબાઝ ખાનને પણ યાદ કરી લઈએ. ૫૮ વર્ષનો અરબાઝ ખાન આ જ અઠવાડિયે એક ક્યુટ ક્યુટ દીકરીના પિતા બન્યો છે. મલાઇકા સાથે ડિવોર્સ લીધા બાદ એ ક્યારનો 'મૂવ ઓન' થઈ ગયો હતો. બે વર્ષ પહેલાં એણે શૂરા ખાન નામની મહિલા સાથે લગ્ન કર્યાં ને લો, એ બીજી વાર બાપ પણ બની ગયો. (પહેલી વાર મલાઇકાનો પતિ હતો ત્યારે પુત્રની પિતા બન્યો હતો એ.) ટૂંકમાં, સલમાન ખાન ફરી એક વાર તાઉજી કે મોટા કાકા કે અદા કે જે કહો તે બન્યો છે. સાઠ વટાવી ગયા તોય સલ્લુમિયાંએ પરણવાનું નામ ન લીધું તે ન જ લીધું. અરબાઝ ખાન કદાચ સલમાન કરતાંય વધારે દેખાવડો છે, એણે હીરો બનવાની બહુ કોશિશ પણ કરી જોઈ, પરંતુ એનો ગજ ન વાગ્યો. પછી એ પ્રોડયુસર અને ડિરેક્ટર પ્રવૃત્ત થયો. ચાલો, અરબાઝની બેબલીને તાજીમાજી રહે એવી બેસ્ટ વિશીસ આપી દઈએ...


