SOCIAL સર્કલ .
શાહરૂખ ખાનની આજકાલ
શાહરૂખ ખાન આજકાલ જિમમાં બોડી બનાવવામાં મંડી પડયા છે. યાદ કરો, આપણે ત્યાં 'સિક્સ પેક'નો કોન્સેપ્ટ ઇન્ટ્રોડયુસ કરનારા અને પ્રચલિત બનાવનારા એસઆરકે જ હતા. શાહરૂખ એમની આગામી કઈ ફિલ્મ માટે બોડી બનાવી રહ્યા હશે, ભલા? 'પઠાણ-ટુ' માટો? 'પઠાણ વર્સસ જવાન' માટે. (યાદ કરો, 'પઠાણ'ની ક્લાઇમેક્સ, જેમાં ભાંગીને ભૂક્કો થઈ ગયેલી ટ્રેનના એક ડબ્બા પર એસઆરકે અને સલમાન ખાન બેઠાં બેઠાં વાત્યું કરી રહ્યા હતા). 'કિંગ' તો ખરી જ, જેમાં શાહરૂખપુત્રી સુહાના મેઇન હિરોઇન છે. આ સિવાય પણ શાહરૂખની એકાધિક - અથવા કહો કે સંભવિત - આગામી ફિલ્મો ચર્ચામાં છે. 'બ્રહ્મા'માં શાહરૂખનો ટચૂકડો રોલ ખૂબ વખણાયો હતો. તેથી શક્ય છે કે 'બ્રહ્મા-ટુ'માં આ રોલ વિકસાવવામાં આવે. 'કેજીએફ' ફેમ યશ સાથે પણ શાહરૂખ જોડી જમાવે તેવું બને... અને - આહા! - સૌથી મોટા સમાચાર તો આ છે: શાહરૂખ કદાચ માર્વેલની કોઈ ફિલ્મમાં કામ કરીને હોલિવુડમાં ડેબ્યુ કરે તેવુંય બને. સુપરમેન, સ્પાઇડરમેન, આર્યનમેન, હલ્ક, થોર, કેપ્ટન અમેરિકા વગેરે માર્વેલના સુપરહીરોઝ છે. શાહરૂખ આવા જ કોઈક એસ્ટાબ્લિશ્ડ સુપરહીરો (કે સુપરહિરોઇન)નો સાથીદાર યા વિલન બની શકે. વેલ, કશું કન્ફર્મ્ડ નથી. હજુ કેવળ વાતો જ સંભળાઈ રહી છે. છતાં આ વાતોય શાહરૂખના ચાહકોને ઝુમાવી દેવા માટે પૂરતી છે!
રાઘવ જુયાલની ફાસ્ટ મોશન
કોણે કહ્યું સ્લો મોશનથી સ્પીડ પકડી ન શકાય? રાઘવ જુયાલને જુઓ. વર્ષો પહેલાં 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'માં એણે સૌથી પહેલી વાર સ્ટેજ પર લાઇવ સ્લો મોશન કરીને તરખાટ મચાવી દીધો હતો. પછી એ બીજા એક ડાન્સ શોનો એન્કર બન્યો. પછી 'કિલ' નામની અતિ હિંસક ફિલ્મમાં વિલન તરીકે અવોર્ડવિનિંગ પર્ફોર્મન્સ આપ્યું, જે જોઈને સૌ નવાઈ પામી ગયા... અને આજે રાઘવના ગ્લેમરસ ફોટો શૂટ થાય છે, મેગેઝિન જેવું આ ડિજિટલ યુગમાં ખાસ રહ્યું નથી, પણ જે કંઈ થોડાઘણાં ગ્લેમર મેગેઝિનો હાજરી પૂરાવવા પૂરતાં જીવે છે એમાંથી કોઈ કોઈના કવર પર રાઘવ ચમકે છે. હમણાં જન્નતનશીલ ઇરફાન ખાનના પુત્રરત્ન બાબિલ ખાને સોશિયલ મીડિયા પર (મોટે ભાગે નશામાં) રડી રડીને બહુ બખાળા કાઢયા હતા, પોતાને 'હેરાન' કરનારાં સ્ટાર્સમાં અનન્યા પાંડે, અર્જુન કપૂર વગેરે જે નામો એણે લીધાં એમાં રાઘવ જુયાલનું નામ પણ હતું. તો શું રાઘવ હવે આઉટસાઇડરમાંથી બોલિવુડનો ઇન્સાઇડર બની ગયો છે તેમ સમજવાનું?
નાચ, હૃતિક, નાચ
બોલિવુડ અને હોલિવુડની આગામી ફિલ્મોનાં અમુક દ્રશ્યો કે તસવીરો સગવડ જોઈને કેવાં 'લીક' થઈ જતાં હોય છે તે તમે જોયું? હમણાં હૃતિક રોશનની 'વોર-ટુ'નું થોડું કોન્ટેન્ટ 'લીક' થઈ ગયું. આ ફિલ્મમાં 'આરઆરઆર' ફેમ જુનિયર એનટીઆર વિલન બન્યો છે, કિઆરા અડવાણી હિરોઈન છે. વચ્ચે કોઈ ડાન્સ સોંગના શૂટિંગ દરમિયાન જુનિયર એનટીઆરે તો નાટુ... નાટુ... કરતા પરફેક્ટ ડાન્સ સ્ટેપ્સ કરી દેખાડયા, પણ હૃતિક બાપડો ઇન્જર્ડ થઈ ગયો. શૂટિંગ રખડી પડયું. અમુક ફાઇટ સિકવન્સ હૃતિકના બોડી ડબલની મદદ લઈને શૂટ કરવામાં આવી. અયાન મુખર્જીની આ આખી ફિલ્મ આમ તો શૂટ થઈ ગઈ છે, હવે પેલું ડાન્સ સોંગ જ બાકી રહ્યું છે. હૃતિકની ફિલ્મ હોય અને ડાન્સની જમાવટ ન હોય એવું બને?