Get The App

SOCIAL સર્કલ .

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

જાનકી કા જલવા 

ગુજરાતી ફિલ્મ 'વશ' પરથી 'શૈતાન' નામની હિન્દી રીમેક બનાવવાની વાત થઈ ત્યારે આપણને થયું હતું કે વાહ, ક્યા બાત! પછી સમાચાર મળ્યા કે 'શૈતાન'માં જાનકી બોડીવાલા રિપ્લેસ નહીં, પણ રિપીટ થશે. મીન્સ કે અજય દેવગણની દીકરીનો રોલ ખુદ જાનકી જ કરશે. આ સાંભળીને આપણને થયું હતું કે વાહ, વાહ... શું વાત છે! પછી 'શૈતાન' બોક્સ ઓફિસ પર હિટ થઈ ગઈ એટલે આપણાથી પાછું 'આહ... વાહ!' નીકળી ગયું. ત્યારે બાદ જાનકીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો આઇફા અવોર્ડ મળ્યો ને તે પણ સાક્ષાત્ શાહરુખ ખાનના હાથે. આપણને થયું કે બસ, બસ... આ તો પરાકાષ્ઠા છે, આનાથી વધારે બીજું શું જોઈએ? પણ ના, વાત અહીં અટકી નહીં. તાજેતરમાં જાનકીએ 'વશ' માટે બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલ કેટેગરીમાં નેશનલ અવોર્ડ સુધ્ધાં જીતી લીધો! સાચ્ચે, જાનકીના ચાહકોને સાગમટે આનંદનો એવો અટેક આવ્યો કે તેઓ હજુ સુધી રીકવર થઈ શક્યા નથી. નેશનલ અવોર્ડ એ વસ્તુ છે, જે એક્ટરને જિંદગીમાં ક્યારેક મળે તો ધન્ય ધન્ય થઈ જાય. જાનકી તો હજુ અભિનેત્રી તરીકે ઊગીને ઊભી થઈ રહી છે ને એણે ઓલરેડી રાષ્ટ્રીય પુરસ્કાર જીતી લીધો છે. જાનકીનો કરીઅર ગ્રાફ હવે કઈ દિશામાં અને કેટલી ગતિથી આગળ વધે તે જોવાની સિનેપ્રેમીઓને સખ્ખત મજા આવવાની છે. આ રુપકડી કન્યા માટે હવે સ્કાય ઇઝ ધ લિમિટ છે. બાય ધ વે, આ ઇન્સ્ટા ઇમેજમાં જાનકી બહુ ક્યુટ લાગે છે, નહીં? 

નોરા ફતેહી: બ્લુ ઇઝ બ્યુટીફુલ 

નોરા ફતેહીના ચાહકોની સંખ્યા વધે કે ન વધે, એેની ફેશન સેન્સ દિન-બ-દિન વધી રહી છે એ તો નક્કી. એલેક્ઝાન્ડર નામના કોઈ વિદેશી ફેશન ડિઝાઇનરે તૈયાર કરેલો આ બ્લુ કોટ ધારણ કરીને એણે તાજેતરમાં મસ્ત તસવીરો પડાવી હતી ને ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરી હતી.  નોરા છેલ્લે 'બી હેપી' નામની અભિષેક બચ્ચનવાળી ફિલ્મમાં જોવા મળી હતી. (મહેરબાની કરીને આંખો ગોળ ઘુમાવીને એવું ન પૂછતા કે આ વળી કઈ ફિલ્મ?) તેની પહેલાં નોરા 'મડગાંવ એક્સપ્રેસ' નામની કોમેડી ફિલ્મમાં દેખાઈ હતી અને તે પણ એક્ટ્રેસ તરીકે, આઇટમ ગર્લ તરીકે નહીં. નોરાને હવે આઇટમ ગર્લમાંથી 'ઇવોલ્વ' થઈને એક્ટ્રેસ થવું છે. વ્હાય નોટ? એને પોતાનું વર્તુળ મોટું કરવાનો હક છે જ. સામે પક્ષે, ઘણી ટોપ-લાઇન હિરોઈનોને અમુક ફિલ્મોમાં માત્ર આઇટમ સોંગમાં દેખાવાની મજા પડતી હોય છે. નોરાની વાત કરીએ તો, નજીકના ભવિષ્યમાં એ 'કેડી- ધ ડેવિલ' નામની કન્નડ ફિલ્મમાં પુન: પ્રગટ થશે. આ ફિલ્મમાં જોકે એ ફક્ત એક્ટિંગ કરવાની છે, ફક્ત ડાન્સિંગ કરવાની છે કે બન્ને કરવાની છે એ તો સમય આવ્યે ખબર.  

અરબાઝ ખાનની આજકાલ

એક બાજુ મોટા ભાઈ પૈણવાનું નામ લેતા નથી, ને બીજી બાજુ, નાના ભાઈએ બીજી વાર શાદી પણ કરી લીધી ને હવે નવેસરથી બાપ પણ બનવાના છે. વાત ચાલી રહી છે સલમાન ખાન અને એમના લઘુબંધુ અરબાઝ ખાનની. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ તસવીર ખાસ્સી સરક્યુલેટ થઈ રહી છે. અરબાઝ એની પ્રેગનન્ટ પત્ની શુરા ખાનને પ્રેમભરી નિગાહોંથી જોઈ રહ્યો છે. અવસર હતો અરબાઝના  બર્થડે સેલિબ્રેશનનો. તસવીરમાં અરબાઝ ભલે જુવાનજોધ દેખાય, પણ હકીકત એ છે કે ત્રણ વર્ષમાં એ સિનિયર સિટીઝન બની જશે. ખેર, આપણને તો અરબાઝના બાલબચ્ચા કરતાં એક એક્ટર કે ડિરેક્ટર તરીકે એ શું કરે છે, હવે કઈ ફિલ્મો બનાવે છે તે જાણવામાં વધારે રસ છે. ખરું કે નહીં?